ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના અચાનક નિધનથી રાજ્ય શોકમગ્ન છે. આજે સવારે તેમના પાર્થિવદેહને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પરિવારજનોને રાજકીય સન્માન સાથે સોંપવામાં આવ્યો. હાજર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને ભાજપના અન્ય અગ્રણીઓએ ભાવુક થઈને નેતાને અંતિમ નમન કર્યું.
આદિવાસી મહિલાના આંસુ
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બોનસાઈ ગાર્ડનમાં કામ કરતી આદિવાસી મહિલા શારદાબેન તડવી પૂર્વ CMને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. તેણીએ કહ્યું કે, "વિજયભાઈને હું રાખડી બાંધતી હતી. તેઓ મારા માટે ભાઈ જેવા હતા." શારદાબેને જણાવ્યું કે, તેઓ જ્યારે પણ અહીં આવતા, હું તેમની મુલાકાત અચૂક લેતી અને તેમનો અંજલિબેન સાથે વાર્તાલાપ પણ થતો.
વિજયભાઈ સાથેના સંસ્મરણો થયા તાજા
શારદાબેને ઉમેર્યું કે, વિજયભાઈના નિધનના સમાચાર સાંભળતા હું અને મારો પરિવાર ખૂબ દુઃખી થયા હતા. આજે પણ મને વિશ્વાસ નથી આવતો કે, તેઓ આપણી વચ્ચે નથી.
રાજકોટમાં અંતિમ વિદાય
વિજયરૂપાણીના પાર્થિવદેહને રાજકોટ ખાતે તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે. DNA ટેસ્ટ મેચ થયા બાદ રવિવારે સવારે દેહ સોંપવામાં આવ્યો હતો. આજે સાંજે તેમનાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે, જ્યાં હજારો સમર્થકો, પરિચિતો અને રાજકીય અગ્રણીઓ ઉમટી પડશે.