ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં નર્મદા પરિક્રમા જેટ્ટી પાસે દરિયામાં પીળા કલરના કેમિકલયુક્ત પાણી છોડાતા સમગ્ર વિસ્તારમાં ભારે પર્યાવરણીય નુકશાન થયું છે. ભરૂચ, અંકલેશ્વર, પાનોલી અને ઝઘડિયા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ઉદ્યોગો દ્વારા નિયમોના ઉલ્લંઘન સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખેતરો, પશુઓ, દરિયાઈ જીવસૃષ્ટિ અને માનવ આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભા થયા છે.
ભરૂચના જાગૃત નાગરિક એડવોકેટ કમલેશ મઢીવાલાએ આ ઘટનાને ગંભીર ગણાવીને કેન્દ્રીય પર્યાવરણ મંત્રી, મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગોમાં લેખિત રજૂઆત કરી છે અને જવાબદાર ઉદ્યોગો સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, દહેજ ખાતે દરિયામાં નખાતું પીળા રંગનું ઝેરી કેમિકલવાળું પાણી ટ્રીટમેન્ટ વિના છોડવામાં આવી રહ્યું છે, જે કારણે દરિયાની લહેરો પણ પીળી દેખાઈ રહી છે. આ ઝેરી પ્રવાહ દરિયાઈ માછલીઓના બિયારણ અને બચ્ચાઓના નાશનું કારણ બન્યું છે. ખાડીમાં પાણી પીતા પશુઓના આરોગ્ય માટે પણ ખતરો છે.
આ ઉપરાંત, નર્મદા નદીના પીવાના પાણી સાથે ઝેરી કેમિકલ ભળી જતા લોકોને ચામડીની બીમારીઓ અને એલર્જી જેવી તકલીફો વધતી થઈ રહી છે. માછીમારોને ભારે આર્થિક નુકશાન થયું છે અને રોજગારી પર પણ અસર થઈ છે.
આ સમગ્ર ઘટનાને ગંભીરતાપૂર્વક લઈને નિયત ઉદ્યોગો સામે પોલીસ ફરિયાદ, પર્યાવરણીય સર્વે અને નુકશાનીની વસુલાત માટેની કામગીરી થવી જોઈએ એવી માંગ પણ ઉઠી છે.