ગુજરાત મોડલનો ભ્રમ: ગામડાઓમાં વિકાસના નામે શૂન્ય
ગુજરાત મોડલનો દંભ: આમળા ગામનો હૃદયદ્રાવક વીડિયો વાયરલ, વિકાસ માત્ર શહેરો પૂરતો સીમિત
ગામડાઓમાં વિકાસના નામે શૂન્ય
ગામડાઓમાં વિકાસના નામે શૂન્ય
ગુજરાત મોડલને વારંવાર ખૂબ જ પ્રમોટ કરવામાં આવે છે અને વર્ષ 2014માં આપણા યશસ્વી કહેવાતા વડાપ્રધાને પણ આજ મોડલને આગળ ધરીને વડાપ્રધાનની ચૂંટણી લડી ખુરશી મેળવી હતી. પણ શું ખરેખર ગુજરાત મોડલને જેટલું વખાણવામાં આવે છે તેટલું સમૃદ્ધ અને વિકસિત છે ખરું? કારણ કે જમીન પરની વાસ્તવિકતા તો કંઈક અલગ જ ચિત્ર ઊભું કરે છે. ગુજરાતમાં શહેરોનો વિકાસ તો સીધી રીતે દેખાય છે પણ ગામડાઓની પરિસ્થિતિ કંઈક અલગ જ કહી રહી હોય તેમ લાગી રહ્યું છે. ગામડાઓમાં હજુ પણ લોકોને પ્રાથમિક સુવિધા માટે ઝઝૂમવું પડે છે. શહેરમાં લોકોને આસાનીથી મળતી સામાન્ય સુવિધા માટે પણ છેવાડાના ગામડાના લોકોને સંઘર્ષ કરવો પડે છે. ક્યારેક ક્યારેક તો એ સંઘર્ષ જીવ સટોસટનો પણ બની જાય છે. ત્યારે સવાલ એ થાય કે લોકો દ્વારા જેમને તેમના વતી સત્તા પર બેસાડવામાં આવ્યા છે, તેમને શું નેતાગીરી અને પોતાના ખિસ્સા ભરવા જ મોકલવામાં આવ્યા છે? શું તેમની કોઈ જવાબદારી નથી બનતી કે લોકોની સામાન્ય જરૂરિયાતો પૂરી થાય તે પ્રકારની સુવિધાઓ તેમને મળવી જોઈએ?
હાલમાં વડોદરાના પાદરા તાલુકાના આદિવાસી વિસ્તારના આમળા ગામનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આમળા ગામમાં લોકોને મળવાપાત્ર સામાન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. ગામમાં એક સ્મશાનનો પણ અભાવ જોવા મળે છે. જેના કારણે ગામમાં જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેમને ન છૂટકે ખુલ્લામાં અગ્નિદાહ કરવાની ફરજ પડે છે. પરંતુ સૌથી મોટી સમસ્યા સર્જાય છે ચોમાસાની ઋતુમાં, જ્યારે વરસાદને કારણે અગ્નિસંસ્કાર કરવો ખૂબ મુશ્કેલ બને છે. આ વીડિયો એટલો હૃદયદ્રાવક છે કે એક વ્યક્તિ જેને જીવતા સંઘર્ષ કરવો પડ્યો, તેના પાર્થિવ શરીરને મૃત્યુ પછી પણ પંચમહાભૂતમાં વિલીન થવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે. અને એ પણ આ સરકારના કારણે, જેને પ્રજાની કોઈ પડી જ નથી, માત્ર પોતાના સુખ, સાયબી અને સુવિધાની જ પડી છે.
આ સમસ્યા માત્ર વડોદરાના એક ગામની નથી, પણ ગુજરાતના અસંખ્ય ગામડાઓમાં આવી અનેક સમસ્યાઓ જોવા મળશે. ખાસ કરીને આવી સમસ્યા આદિવાસી અને છેવાડાના ગામડાઓમાં ખૂબ જોવા મળી છે, કે જ્યાં સરકારની સાથે સાથે વિકાસ પણ પહોંચ્યો નથી. લાગે છે કે ગરીબો અને વિકાસને વર્ષોની કોઈ દુશ્મની છે, જેને કારણે વિકાસ દર વખતે ગરીબોથી દૂર જ રહે છે અને અમીરોની આસપાસ જ ફર્યા કરે છે. ગુજરાતના છેવાડાના ગામોમાંથી વારતહેવારે લોકોને થતી હાલાકીની માહિતી મળતી રહે છે, પણ આ સરકાર કે તેના નેતાઓ પાસે હજુ સુધી આવી માહિતી કેમ નથી પહોંચતી તે પણ એક શંકા ઉપજાવનારો પ્રશ્ન બનતો જાય છે.
એક જાગૃત નાગરિકે ગુજરાતના વિકાસને જોઈને આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, ગુજરાતના ગામડાઓમાં ક્યાંક રસ્તાઓ નથી, તો ક્યાંક નદી પર પુલ નથી, તો વળી ક્યાંક અગ્નિસંસ્કાર કરવા માટે સ્મશાન નથી. વળી, ક્યાંક તો લોકોની સારવાર કરવા માટે કાં તો દવાખાના નથી અને જો દવાખાના હોય તો તેમાં ડૉક્ટરો નથી હોતા. એટલે તમામ વાતોના સાર પરથી એમ લાગે કે છેવાડાના માનવીના વિકાસ માટે સરકાર કશું કરી શકતી નથી, અથવા તો તેમના વિકાસ કરવામાં સરકારને કોઈ રસ નથી. જો લોકોને નજીવી બાબતો માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય તો પછી સરકારનું શું કામ?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.