નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદમાં PMOની એન્ટ્રી
દિલ્હીથી તેડું આવતા SMC કમિશનર તાબડતોબ રવાના, બિલ્ડર અને અધિકારીઓની સાંઠગાંઠનો પર્દાફાશ!

નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદમાં PMOની એન્ટ્રી

નાસીરનગર ‘ભૂતિયા ડિમોલિશન’ વિવાદમાં PMOની એન્ટ્રી
Surat Nasirnagar Demolition: સુરતના વેડરોડ પર આવેલા નાસીરનગર વિસ્તારમાં ગરીબોના આશિયાના પર ફેરવી દેવાયેલા ગેરકાયદે અને વિવાદાસ્પદ ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો હવે માત્ર સ્થાનિક કક્ષાએ સીમિત રહ્યો નથી. આ સંવેદનશીલ મુદ્દો હવે દેશના સર્વોચ્ચ વહીવટી કેન્દ્ર એટલે કે વડાપ્રધાન કાર્યાલય (PMO) સુધી પહોંચી ગયો છે. પીએમઓ દ્વારા આ સમગ્ર પ્રકરણની ગંભીર નોંધ લેવાતાં અને સીધી નજર મંડાતાં જ ગુજરાતના સમગ્ર સરકારી અને વહીવટી તંત્રમાં ભારે ભૂકંપ આવી ગયો છે.
રાજ્યનો શહેરી વિકાસ વિભાગ પણ આ હલચલ પર પળેપળની નજર રાખીને બેઠો છે. આ દરમિયાન એક સૌથી મોટા સમાચાર એ સામે આવ્યા છે કે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પોતાના તમામ પૂર્વ નિર્ધારિત સરકારી કાર્યક્રમો અને બેઠકો અચાનક રદ કરીને દિલ્હી પહોંચી ગયા છે. સચિવાલયના ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમઓ અને કેન્દ્રીય સ્તરેથી સીધું તેડું આવવાને કારણે કમિશનરને તાબડતોબ દિલ્હી દોડવું પડ્યું છે. આ હિલચાલને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) અને પોલીસ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હવે ચર્ચા એ જોર પકડ્યું છે કે શું આ કૌભાંડમાં સામેલ મોટા માથાઓ સામે કાયદાનો સિકંજો કસાશે?
બિલ્ડરોના કરોડોના મેગા પ્રોજેક્ટનો રસ્તો સાફ કરવા રચાયો આખો કારસો
આ આખા વિવાદ અને ગરીબોના ઘર ઉજ્જડ કરવા પાછળનું મુખ્ય કારણ બિલ્ડરોની કરોડો રૂપિયાની કમાણી કરવાની લાલચ હોવાનું બહાર આવ્યું છે. નાસીરનગરની બિલકુલ નજીક એક કિંમતી જમીન આવેલી છે, જેના પર સ્થાનિક બિલ્ડરો એક આલીશાન મેગા પ્રોજેક્ટ આકાર આપવા માંગે છે. પરંતુ, સુરત મહાનગરપાલિકાના નિયમો અનુસાર, આ જગ્યા પર કોઈ પણ મોટો પ્રોજેક્ટ બનાવવા માટે જ્યાં સુધી મુખ્ય રસ્તો ખુલ્લો ન થાય, ત્યાં સુધી તેનો ઓફિશિયલ પ્લાન પાસ થઈ શકે તેમ નહોતો.
એક વર્ષ પહેલા પણ મંજૂરી માટે મૂકી હતી પ્રોજેક્ટની ફાઇલ
બિલ્ડરોએ આજથી એક વર્ષ પહેલાં પણ આ પ્રોજેક્ટની ફાઈલ મનપામાં મંજૂરી માટે મૂકીને વહીવટી તંત્રનો મૂડ પારખવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમયે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગે સ્પષ્ટ વલણ અપનાવતા કહી દીધું હતું કે, "યોગ્ય અને નિયમ મુજબનો પ્રોપર રસ્તો ન હોવાને કારણે આ પ્લાન કોઈ પણ સંજોગોમાં મંજૂર થઈ શકશે નહીં." હાલમાં પણ બિલ્ડરની પીવીસી (PVC)ની ફાઈલ આ રસ્તાના પ્રશ્નને કારણે જ અટકેલી પડી છે. આથી, કાયદાકીય પ્રક્રિયાથી રસ્તો ન મળતાં, બિલ્ડરોએ શોર્ટકટ અપનાવ્યો અને સરકારી બાબુઓ સાથે મળીને ગરીબોના આશિયાના તોડી પાડવાનું આ આખું ‘ભૂતિયા ડિમોલિશન’નું ષડયંત્ર રચી કાઢ્યું હતું.
SOGના ઉચ્ચ અધિકારીઓ શંકાના દાયરામાં
આ પ્રકરણમાં માત્ર મનપાના અધિકારીઓ જ નહીં, પણ કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના પર જવાબદારી છે તેવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ બિલ્ડરોના ઈશારે કામ કર્યું હોવાના ચોંકાવનારા પુરાવા સામે આવ્યા છે. આ ગેરકાયદે ડિમોલિશનને અંજામ આપવા માટે સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ના ડીસીપી રાજદિપસિંહ નકુમ અને પી.આઈ. અતુલ સોનારાની ભૂમિકા અત્યંત સક્રિય અને શંકાસ્પદ રહી હોવાની વિગતો ચર્ચામાં છે.
ખાખી વર્દીનો ખૂલ્લેઆમ દુરુપયોગ
બિલ્ડરોને કાયદા કે કોર્ટનો કોઈ ડર નહોતો, કારણ કે તેમને ખાખી વર્દીનું મજબૂત પીઠબળ મળેલું હતું. ગરીબ પરિવારો જ્યારે પોતાના ઘર બચાવવા આજીજી કરી રહ્યા હતા, ત્યારે આ પોલીસ અધિકારીઓએ કાયદાનો ડર બતાવી તેમને દબાવી દીધા હોવાના આક્ષેપ છે. હવે જ્યારે આ સમગ્ર ભ્રષ્ટાચારનો મામલો ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી ગાજ્યો છે, ત્યારે આ બંને ઉચ્ચ પોલીસ અધિકારીઓના હોશ ઊડી ગયા છે. પોતાની ચામડી બચાવવા માટે અને ખાતાકીય પગલાંથી બચવા માટે આ અધિકારીઓ હવે આંતરિક રીતે ધમપછાડા કરી રહ્યા છે, પરંતુ પીએમઓની એન્ટ્રી બાદ હવે તેમનું બચવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
પોલીસ મુખ્યાલયના ગ્રાઉન્ડ ફ્લોર પર જ રચાતી હતી ગેરકાયદે તોડફોડની સ્ક્રિપ્ટ?
આ વિવાદમાં સૌથી વધુ હચમચાવી મૂકે તેવો ખુલાસો એ થયો છે કે, સુરત પોલીસ હેડક્વાર્ટર (મુખ્યાલય)ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી એક વિશિષ્ટ બ્રાન્ચ આ ગુનાહિત કાવતરાનું કેન્દ્ર બની હતી. આ પ્રકરણ સાથે સંકળાયેલા મુખ્ય બિલ્ડરની અવરજવર આ બ્રાન્ચમાં સામાન્ય કરતાં ઘણી વધારે હતી. આ બિલ્ડર પોલીસ મુખ્યાલયમાં એવી રીતે રૂઆબથી ફરતો હતો જાણે તે પોતે જ પોલીસ તંત્રનો કોઈ સભ્ય હોય. સૂત્રોના જણાવ્યા મુજબ, નાસીરનગરમાં જે દિવસે મનપાના જેસીબી મશીનો ફેરવવામાં આવ્યા અને ગરીબોના મકાનોને કાયદાના લીરેલીરા ઉડાવીને જમીનદોસ્ત કરાયા, તેના બરાબર ગણતરીના દિવસો પહેલાં આ બિલ્ડર પોલીસ હેડક્વાર્ટરની આ ચોક્કસ બ્રાન્ચમાં કલાકો સુધી રોકાયો હતો અને અધિકારીઓ સાથે ગુપ્ત બેઠકો કરી હતી. આક્ષેપો થઈ રહ્યા છે કે, સરકારી મુખ્યાલયની અંદર જ બેસીને આ ગેરકાયદે ડિમોલિશન માટે પોલીસ પ્રોટેક્શન કેવી રીતે પૂરું પાડવું, કાયદાકીય ગૂંચમાંથી કેવી રીતે બચવું અને વિરોધ કરનારા સ્થાનિક રહીશોનો અવાજ કઈ રીતે દબાવી દેવો, તેની આખેઆખી ગુનાહિત સ્ક્રિપ્ટ ત્યાં જ તૈયાર કરવામાં આવી હતી.
વિપક્ષી મોરચો આક્રમક: 'અધિકારીઓએ બિલ્ડર વતી ગરીબોને કચડવાની સોપારી લીધી'
નાસીરનગરના રહીશોને ન્યાય અપાવવા માટે હવે વિપક્ષે શાસક પક્ષ ભાજપ અને મનપાના વહીવટી તંત્ર સામે સીધો મોરચો ખોલી દીધો છે. સુરત કોંગ્રેસના નેતાઓ આ મામલે સતત આક્રમક આક્ષેપો કરી રહ્યા છે. વિપક્ષી નેતાઓનું કહેવું છે કે, સુરત મહાનગરપાલિકાના વિવાદાસ્પદ અધિકારી સુજલ પ્રજાપતિ, રામજી અને પોલીસ વિભાગના અધિકારીઓ રાજદિપસિંહ નકુમ તેમજ અતુલ સોનારાએ વગદાર બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયાના વહીવટ કરીને આ આખી ‘સોપારી’ પાર પાડી છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, આ કોઈ સામાન્ય કે કાયદેસરની ડિમોલિશનની પ્રક્રિયા નહોતી, પરંતુ બિલ્ડર-પોલીસ અને મનપાના અધિકારીઓની ત્રિપુટી દ્વારા રચાયેલું એક સુઆયોજિત કૌભાંડ છે. આ સરકારી બાબુઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ગરીબોના હક અને આજીવિકા પર બુલડોઝર ચલાવી દીધું છે. આ કેસમાં કરોડો રૂપિયાના કાળા નાણાંની લેતીદેતી થઈ હોવાની પૂરેપૂરી આશંકા વ્યક્ત કરીને વિપક્ષે આ મામલાની ન્યાયિક અને તટસ્થ એજન્સી દ્વારા તપાસ કરવાની માંગ કરી છે.
તપાસ સમિતિનો કડક આદેશ
સમગ્ર પ્રકરણમાં મનપાના પોતાના જ કર્મચારીઓ અને અધિકારીઓની સંડોવણીના પ્રાથમિક પુરાવા મળતાં, મનપા કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે 6 સભ્યોની એક હાઈ-લેવલ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. આ કમિટીએ આ મામલાને ગંભીરતાથી લઈને યુદ્ધના ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
16 જૂન સુધીમાં સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયક પાસે મંગાયો રિપોર્ટ
તપાસ સમિતિની પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ ત્યારે જ કમિટીના સભ્યોએ અત્યંત આક્રમક વલણ અપનાવ્યું હતું. સમિતિએ સેન્ટ્રલ ઝોનના ચીફ આશિષ નાયકને એક અત્યંત કડક સત્તાવાર પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે, નાસીરનગરમાં જે દિવસે આ સમગ્ર ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, તે દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ હતી? કોના લેખિત કે મૌખિક આદેશથી મનપાનો સ્ટાફ અને જેસીબી ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા? અને કયા કાયદા કે નિયમો હેઠળ આ આખી કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યો હતો? આ તમામ સવાલોનો સંપૂર્ણ અને વિગતવાર દસ્તાવેજી રિપોર્ટ આગામી 16મી જૂન સુધીમાં સમિતિ સમક્ષ અનિવાર્યપણે રજૂ કરવાનો રહેશે. 16 જૂનની આ સમયમર્યાદા નજીક આવતાં જ મનપાના સેન્ટ્રલ ઝોનના કર્મચારીઓમાં ફફડાટ મચી ગયો છે, કારણ કે આ રિપોર્ટ રજૂ થતાં જ મનપાના અનેક ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટ ચહેરાઓ બેનકાબ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી