174 મુસાફરોના જીવ બચાવનાર પાયલોટનું ગુજરાત કનેક્શન, સ્મિત મચ્છર સાથે વઢવાણની 100 વર્ષ જૂની કડી
174 મુસાફરોના જીવ બચાવનાર પાયલોટ સ્મિત મચ્છરનું ગુજરાત સાથે શું છે ખાસ કનેક્શન?

વઢવાણના સ્મિત મચ્છરે દુબઈ-ઈઝરાયેલ ફ્લાઈટમાં 174 મુસાફરોના જીવ બચાવ્યા

વઢવાણના સ્મિત મચ્છરે દુબઈ-ઈઝરાયેલ ફ્લાઈટમાં 174 મુસાફરોના જીવ બચાવ્યા
Captain Smit Machchhar Wadhwan Gujarat Connection: દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઈટમાં થયેલા હુમલા બાદ ભારતીય પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. હવે આ આંતરરાષ્ટ્રીય ઘટનાને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સાથે પણ મહત્વની કડી મળી છે. સ્મિત મચ્છરના પરિવારના મૂળ વઢવાણમાં હોવાનું સામે આવ્યું છે. તેમના પૂર્વજો લગભગ 100 વર્ષ પહેલાં વઢવાણમાં રહેતા હતા અને બાદમાં પરિવાર કામ-ધંધા માટે મુંબઈ સ્થાયી થયો હોવાનું સ્થાનિક લોકો અને સમાજના આગેવાનો જણાવે છે.
ફ્લાઈટમાં શું થયું હતું?
30 સપ્ટેમ્બર 2026ના રોજ દુબઈથી તેલ અવિવ જઈ રહેલી ફ્લાઈટ FZ1073માં કોકપિટની અંદર પાયલોટ સ્મિત મચ્છર પર તેમના કો-પાયલોટે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં સ્મિત મચ્છરે હિંમત જાળવી રાખી, કોકપિટનો દરવાજો ખોલ્યો અને અન્ય ક્રૂ તથા મુસાફરોને અંદર પહોંચવાની તક મળી. ત્યારબાદ હુમલાખોરને કાબૂમાં લેવામાં આવ્યો હતો. ફ્લાઈટમાં 174 મુસાફરો સવાર હતા. હુમલા દરમિયાન વિમાનની ઊંચાઈમાં ઝડપથી ઘટાડો થયો હતો. બાદમાં વિમાનને સાઉદી અરેબિયાના તબૂક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું અને સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું. ભારતીય પાયલોટ સ્મિત મચ્છરની આ કામગીરીને કારણે મોટી હવાઈ દુર્ઘટના ટળી હોવાની ચર્ચા છે. જોકે ઘટનાની સંપૂર્ણ તપાસ હજુ ચાલી રહી છે.
વઢવાણ સાથે 100 વર્ષ જૂની કડી
સ્મિત મચ્છરના પરિવારનું મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સાથે જોડાયેલું હોવાનું સ્થાનિક અહેવાલોમાં સામે આવ્યું છે. વઢવાણની ખાંડીપોળ વિસ્તારમાં મચ્છર પરિવારનું ઘર હોવાનું સ્થાનિક સમાજના લોકો અને પાડોશીઓ જણાવે છે. પરિવારના સભ્યો લગભગ એક સદી પહેલાં રોજગાર અને વ્યવસાય માટે મુંબઈ સ્થાયી થયા હોવાનું પણ જણાવાયું છે. સ્મિત મચ્છરની બહાદુરીની જાણ થતાં વઢવાણમાં રહેતા મચ્છર સમાજના લોકો અને સ્થાનિક આગેવાનોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવેલી આ ઘટનાથી વઢવાણ અને સમગ્ર ઝાલાવાડનું નામ પણ રોશન થયું છે.
સાવરકુંડલામાં પણ સાસરીયા પરિવારમાં ગર્વ
કેપ્ટન સ્મિત મચ્છરના લગ્ન વર્ષ 2012માં સાવરકુંડલાની સોનલ જોગી સાથે થયા હતા. સાવરકુંડલામાં તેમના સાસરીયા પરિવારને ફ્લાઈટમાં બનેલી ઘટનાની જાણ થતાં શરૂઆતમાં ચિંતા વધી હતી. બાદમાં સ્મિત મચ્છરની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો. સાવરકુંડલાના પોસ્ટ ઓફિસ રોડ પર અગરબત્તીનો વ્યવસાય કરતા હિરેન જોગીએ સ્મિત મચ્છરને પોતાના બનેવી ગણાવ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પરિવારજનોએ મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે સ્મિત મચ્છરે બતાવેલી હિંમત પર ગર્વ વ્યક્ત કર્યો છે.
ગુજરાત સરકાર કરશે સન્માન
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીને ગુજરાત સરકારે પણ બિરદાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે જણાવ્યું છે કે તેમની હિંમતથી ગુજરાત અને દેશનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. વઢવાણથી મુંબઈ અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય આકાશ સુધી પહોંચેલા સ્મિત મચ્છરની આ ઘટના હવે માત્ર એક પાયલોટની બહાદુરીની કહાની રહી નથી. તેમના વતન વઢવાણ અને સાસરીયા સાવરકુંડલા બંને જગ્યાએ આ બહાદુરી ગૌરવનો વિષય બની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કરજણના CNG પંપ પર ગેસ ભરાવતી કારમાં અચાનક એવો પ્રચંડ ધડાકો થયો કે થોડી જ સેકન્ડમાં અફરાતફરી મચી ગઈ!

કેન્સર સામેની લડાઈ બાદ અમદાવાદના દક્ષેશ અને ભાવના શાહે 55-57 વર્ષની ઉંમરે Royal Enfield Classic 350 પર 4,562 કિમીની સફર કરીને 19,024 ફૂટ ઊંચા Umling La પહોંચવાનું સપનું સાકાર કર્યું.

એક તરફ ગુજરાતમાં દારૂબંધી, બીજી તરફ પોરબંદરમાં પરમિટધારકો માટે દારૂની દુકાન શરૂ થવાની તૈયારી... આખરે આ મંજૂરી પાછળની આખી કહાની શું છે?