RTI 20 વર્ષઃ ગુજરાતમાં 18 એક્ટિવિસ્ટે જીવ ગુમાવ્યા
31 વિભાગો પૈકી 58 ટકા RTI અરજી શહેરી વિકાસ, ગૃહ અને મહેસૂલ વિભાગમાં કરવામાં આવી

માહિતી નહીં આપનારા અધિકારીઓ પાસેથી રૂપિયા 1.07 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો

માહિતી નહીં આપનારા અધિકારીઓ પાસેથી રૂપિયા 1.07 કરોડનો દંડ વસૂલ કરવામાં આવ્યો
RTI એટલે કે માહિતી અધિકાર કાયદાને 20 વર્ષ પૂર્ણ થયા. બે દાયકા દરમિયાન સંવેદનશીલ મુદ્દાઓમાં RTI કરનાર ગુજરાતના 18 એક્ટિવિસ્ટોએ જીવ ગુમાવવા પડ્યા છે. સમગ્ર દેશમાં 78 જેટલા નાગરિકો પર RTI થકી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર ઉજાગર કર્યા બાદ તેમાં હિત ધરાવતા શખ્સો દ્વારા હુમલા કરી હત્યા કરવામાં આવી છે. વર્ષ 2014 માં સંસદે ‘વ્હીસલ બ્લોઅર પ્રોટેક્શન એક્ટ’ પસાર કર્યો હોવા છતાં તેનું હજુ સુધી અમલીકરણ થયુ નથી. તેના કારણે RTI કરીને ભ્રષ્ટ્ટાચાર ઉજાગર કરનાર એક્ટિવિસ્ટોને પૂરતું રક્ષણ આપવાની જોગવાઈ થઈ શકી નથી.
12 ઓક્ટોબર 2005ના રોજ RTI કાયદો અમલમાં આવ્યો હતો. માહિતી અધિકાર કાયદાને 20 વર્ષ પૂર્ણ થયા છે. કાયદાનો જેટલો ફાયદો છે તેટલો જ તેનો દુરૂપયોગ પણ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લાવવા સરકારને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપતો કાયદો બનાવવામાં આવ્યો હતો. પરંતુ સરકારના કેટલાંક વિભાગો આજે પણ માહિતી છુપાવવામાં રચ્યા પચ્યાં રહે છે. ‘માહિતી અધિકાર ગુજરાત પહેલ’ સંસ્થાએ ગુજરાતમાં બે દાયકા દરમિયાન થયેલી આરટીઆઈ અને આયોગે કરેલી કાર્યવાહીની વિસ્તૃત માહિતી જાહેર કરી છે.
58 ટકા અરજીઓ માત્ર ત્રણ વિભાગમાં થઈ
રાજ્ય સરકારના 31 વિભાગો છે. 14 મે, 2005ના રોજ રાજ્ય માહિતી આયોગની રચના કરવામાં આવી હતી. 20 વર્ષમાં ગુજરાતમાં થયેલી RTI અરજીઓનો આંકડો 21,29,614 થયો છે. બે દાયકામાં સૌથી વધુ આરટીઆઈ શહેરી વિકાસ વિભાગમાં 5,63,473 થઈ છે. બીજા ક્રમે ગૃહ વિભાગમાં 4,20,430 જેટલી અરજીઓ થઈ છે. જ્યારે ત્રીજા ક્રમે મહેસૂલ વિભાગમાં 2,59,639 અરજીઓ થઈ છે. વર્ષ 2024-25માં સૌથી વધુ ગૃહ વિભાગમાં 35,276, બીજા ક્રમે મહેસૂલ વિભાગમાં 35,039 અને શહેરી વિકાસ વિભાગમાં 30,509 અરજીઓ થઈ છે. એટલે કે, શહેરી વિકાસ વિભાગમાં 26 ટકા, ગૃહ વિભાગમાં 20 ટકા અને મહેસૂલ વિભાગમાં 12 ટકા અરજીઓ કરવામાં આવી છે. આરટીઆઈની કુલ અરજીઓ પૈકી 58 ટકા ત્રણ વિભાગોમાં થઈ છે. જ્યારે 42 ટકા અરજીઓ બાકીના 28 વિભાગોમાં થઈ છે.
RTI કાયદાના ભંગ બદલ 1.07 કરોડનો દંડ કરાયો
નાગરિકો દ્વારા કરવામાં આવતી RTI ની મોટાભાગની અરજીઓનો જવાબ આપવામાં આવે છે. ભ્રષ્ટાચાર જાહેર થાય અથવા અધિકારીની સંડોવણી સામે આવે તેવા કિસ્સાઓમાં પ્રથમ અરજીમાં માહિતી મળતી નથી અથવા ખોટી આપવામાં આવે છે. આ માહિતી મેળવવા માટે એક્ટિવિસ્ટ અથવા નાગરિકને અપીલ કરવી પડે છે. અપીલમાં પણ માહિતી નહીં આપવાના પેંતરા રચવામાં આવતા હોવાથી રાજ્ય માહિતી આયોગ સુધી મામલો પહોંચે છે. માહિતી આયોગે 20 વર્ષ દરમિયાન 1284 અધિકારીઓ અથવા કર્મચારીઓને 1,14,91,600 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જેમાંથી 1,07,81,850 રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
માહિતી આયોગ માત્ર ભલામણ કરી શકે
છેલ્લાં 20 વર્ષમાં થયેલી 21.29 લાખથી વધુ RTI અરજીની સામે 1,37,350 અપીલ અથવા ફરિયાદ માહિતી આયોગ સુધી પહોંચી છે. હાલમાં આયોગ પાસે 1,248 અરજીઓ પડતર છે. 3 મહિનામાં બીજી અપીલની સુનાવણી થાય છે. 20 વર્ષમાં આયોગે 74 અધિકારી અથવા કર્મચારી સામે શિસ્તભંગના પગલા લેવા સંબંધિત વિભાગોને ભલામણ કરી છે. પરંતુ તે મામલે શું કાર્યવાહી થઈ છે તેની માહિતી ઉપલબ્ધ નથી. ગુજરાત માહિતી આયોગમાં બે દાયકા દરમિયાન 22 નિવૃત સરકારી અધિકારીઓની આયુક્ત તરીકે નિમણૂક કરવામાં આવી છે. પત્રકાર, સામાજિક કાર્યકર્તા કે અન્ય ક્ષેત્રમાંથી કોઈને પણ આજદિન સુધી સરકારે માહિતી કમિશનર તરીકે નિમણૂક આપી નથી.
અન્ન પુરવઠા અને ઉદ્યોગ, ખાણ વિભાગની વેબસાઈટ વિવાદમાં
ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તેમજ ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગની સરકારી વેબસાઈટો ચર્ચામાં છે. બંને વિભાગોમાં થતાં વ્યાપક ગોટાળા અને ભ્રષ્ટાચાર સમયાંતરે મીડિયામાં ચમકતા રહે છે. અન્ન અને નાગરિક પુરવઠાની વેબસાઈટ ખુલતી નહી હોવાની વ્યાપક ફરિયાદો છે. આરટીઆઈ લિન્ક રાખવામાં આવ છે. પરંતુ સક્રિય જાહેરાત, વેબસાઈટ અપડેટની તારીખ અને બજેટ તેમાં જોવા મળતા નથી. ઉદ્યોગ અને ખાણ વિભાગની વેબસાઈટ પર આરટીઆઈ લિન્ક છે. પરંતુ તે ખુલતી નહી હોવાની તેમજ સક્રિય જાહેરાત તેમજ બજેટની માહિતી ઉપલબ્ધ નહી હોવાની ફરિયાદ છે.
આરટીઆઈ કાયદો શું છે?
ભારતનો ઐતિહાસિક અને મહત્ત્વનો સૂચનાના અધિકારનો કાયદો છે. માહિતી અધિકારના કાયદાથી સરકારી કામકાજમાં પારદર્શિતા આવી શકે છે. આ કાયદા હેઠળ સામાન્ય નાગરિકો પણ સરકારે કરેલી કામગીરીનો હિસાબ માગી શકે છે.
આરટીઆઈ કાયદો એવાં સંગઠનોને લાગુ પડે છે જે સંવિધાન કે સરકારી કાયદા કે પછી અધિસૂચના હેઠળ રચાયાં હોય. એવાં સંગઠનો પણ સામેલ છે જેમને પ્રત્યક્ષરૂપે કે અપ્રત્યક્ષરૂપે સરકારી નાણાકીય સહાય મળતી હોય. આરટીઆઈમાં રાષ્ટ્રીય સુરક્ષા જેવા અપવાદોને બાદ કરતા નાગરિકો દ્વારા માહિતી માગવામાં આવી હોય તે ઉપલબ્ધ કરાવવી પડે છે.
આ કાયદામાં એક જોગવાઈ છે. આ જોગવાઈ મુજબ મંગાયેલી માહિતી વ્યક્તિગત હોય અને તેનું સાર્વજનિક રીતે એટલે કે જાહેર હિતનું મહત્ત્વ ન હોય તો તેને આપવાનો ઇન્કાર કરી શકાય છે. આ પ્રકારની માહિતી સાર્વજનિક હિત માટે છે એવું લાગે તો જ આવી માહિતી આપવામાં આવે છે. જસ્ટિસ એ. પી. શાહની આગેવાની હેઠળની ગોપનીયતા કાયદા પરની 2012માં રચાયેલી સમિતિએ ભલામણ કરી હતી કે, આરટીઆઈ કાયદા હેઠળ આપવામાં આવતી માહિતીમાં ગોપનીયતાનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!