રાજ્યના ખેડૂતોને સમૃદ્ધ અને સ્વનિર્ભર બનાવવા રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર અને ઉત્પાદન વધ્યું છે. બાગાયતી ઉપજનો બગાડ અટકાવવા અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોતાના ઉત્પાદનો સંગ્રહ કરી શકે તે માટે 10 હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા નવી યોજના બનાવી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે યોજના અંગે જણાવ્યું કે, બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકારે નવી યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ 5 હજાર મેટ્રિક ટનથી મોટા અને 10 હજાર મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા એકમ દીઠ ખર્ચના મહત્તમ 50 ટકા સહાય, મહત્તમ રૂપિયા 379 લાખ સુધીની સહાય આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડિટ લીંક બેક એન્ડેડ સબસીડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ યોજના માટે રાજ્ય સરકારે ૫૦ કરોડની રકમ ફાળવી છે.
મંત્રીએ ઉમેર્યું કે, બાગાયતી પાક ઝડપથી બગડી જતા હોવાથી, કાપણી પછી પાકનો સંગ્રહ કરવો આવશ્યક છે. કોલ્ડ સ્ટોરેજમાં બાગાયતી પાકોની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેતી હોવાથી ખેડૂતો ઉપજના પોષણક્ષમ ભાવ મેળવી આર્થિક નુકશાનથી બચી શકે છે. અગાઉ રાજ્ય સરકારે બાગાયતી પાકના સંગ્રહ માટે 5 હજાર મેટ્રિક ટન સુધીની ક્ષમતાવાળા કોલ્ડ સ્ટોરેજ ઉભા કરવા સહાય આપવામાં આવી હતી. પરંતુ બાગાયતી ખેતીનો વ્યાપ અને ઉત્પાદન વધવાના કારણે નવી યોજના અંતર્ગત કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ ક્ષમતામાં વધારો કરાયો છે.
યોજનાનો અમલ થવાથી રાજ્યમાં વાર્ષિક બાગાયતી પેદાશોના સંગ્રહ માટે 1.25 લાખ મેટ્રિક ટન સંગ્રહ ક્ષમતાની માળખાકીય સુવિધાઓ ઉભી કરી શકાશે. શાકભાજી, ફળ, મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકો ઉપરાંત પ્રોસેસ્ડ શાકભાજી અને ફળ પાકોની સંગ્રહ ક્ષમતામાં વધારો થશે.