અમદાવાદ સાયબર ક્રાઇમનું સીક્રેટ ઓપરેશન
NEET વિવાદ વચ્ચે લાખોની ઠગાઈ કરનારા 3 ભેજાબાજો ઝડપાયા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
NEET Paper Leak Arrests: દેશભરમાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓને લઈને ભારે હોબાળો મચ્યો છે, ત્યારે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. સાયબર ક્રાઇમે અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડીને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરતા આંતરરાજ્ય રેકેટના કુલ 3 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે શખસો રાજસ્થાનના છે જેઓ સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર નકલી પેપરો વેચતા હતા, જ્યારે ત્રીજો આરોપી બિહારનો છે જે ફી રિફંડના નામે ડિજિટલ ઠગાઈ કરતો હતો.
ટેલિગ્રામ પર ચેનલો બનાવી 'ઓરિજિનલ પેપર'ના નામે લાખો પડાવતા
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે દેશભરમાં ચાલી રહેલા NEET પેપર લીક વિવાદનો ગેરકાયદેસર ફાયદો ઉઠાવવા માટે કેટલાક સાયબર ગુનેગારો સક્રિય થયા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે રાજસ્થાનના બે ભેજાબાજોએ ટેલિગ્રામ પર અલગ-અલગ ગ્રૂપ અને ચેનલો બનાવી રાખી હતી. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર લલચામણા મેસેજ મૂકીને વિદ્યાર્થીઓ અને વાલીઓને વિશ્વાસમાં લેતા હતા કે તેઓ લાખો રૂપિયાના બદલામાં NEETનું અસલ પેપર અને આન્સર કી પૂરી પાડશે.
પોલીસ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આરોપીઓ પાસે કોઈ અસલ પેપર નહોતું. તેઓ માત્ર ઉમેદવારો અને વાલીઓની મજબૂરી તેમજ ડરનો ફાયદો ઉઠાવી એડવાન્સમાં લાખો રૂપિયા પડાવી લેતા હતા. પૈસા મળી ગયા બાદ તેઓ વિદ્યાર્થીઓને કોઈ જૂના કે બોગસ પેપરો પધરાવી દઈને છેતરપિંડી આચરતા હતા. સાયબર ક્રાઇમની ટીમે ટેકનિકલ લોકેશન અને સર્વેલન્સના આધારે આ બંને શખસોને રાજસ્થાનથી દબોચી લીધા છે.
બિહારથી ઝડપાયો ત્રીજો ભેજાબાજ
આ જ ઓપરેશનના ભાગરૂપે સાયબર ક્રાઇમની એક અન્ય ટીમે બિહારથી એક શાતિર ગુનેગારની ધરપકડ કરી છે. આ આરોપી NEET પરીક્ષાની ફી રિફંડ કરાવવાના બહાને ઓનલાઈન ફ્રોડ આચરતો હતો. તે ખૂબ જ ચાલાકીપૂર્વક વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી તેમના ઓફિશિયલ લોગ-ઈન આઈડી (ID) અને પાસવર્ડ મેળવી લેતો હતો. ત્યારબાદ તેમના પર્સનલ ડેટા અને એકાઉન્ટ સાથે ચેડાં કરીને રિફંડની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી ડિજિટલ ઠગાઈ કરતો હતો. હાલમાં પોલીસ આ ત્રણેય આરોપીઓના બેંક એકાઉન્ટ્સ અને અન્ય કનેક્શન્સની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
NEET પરીક્ષાનું માળખું અને ચાલુ વર્ષનો વિવાદ
નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) એ ભારતમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સિસ જેવા કે MBBS, BDS, BAMS, BHMS અને નર્સિંગમાં પ્રવેશ મેળવવા માટેની એકમાત્ર રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષા છે. વર્ષ 2013થી શરૂ થયેલી આ પરીક્ષા દ્વારા AIIMS અને JIPMER સહિતની દેશની તમામ સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોની આશરે 1 લાખથી વધુ MBBS અને 27,000થી વધુ BDS બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવે છે.
આ વર્ષે 3 મેના રોજ દેશના 551 શહેરો અને વિદેશના 14 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાઈ હતી, જેમાં આશરે 23 લાખ ઉમેદવારો બેઠા હતા. 7 મેના રોજ પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવ્યા બાદ 12 મેના રોજ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષણ મંત્રાલય અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી 21 જૂનના રોજ રી-એક્ઝામ (ફરીથી પરીક્ષા) યોજવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. હાલમાં આ સમગ્ર પેપર લીક કૌભાંડની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ચલાવી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 12 થી વધુ સંડોવાયેલા લોકોની ધરપકડ થઈ ચૂકી છે. અમદાવાદ સાયબર ક્રાઇમે પકડેલા આ ત્રણ આરોપીઓ પાછળ અન્ય કોઈ મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે કે કેમ તે દિશામાં પૂછપરછનો ધમધમાટ શરૂ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી