નર્મદા ડેમના 23 દરવાજા ખોલ્યા, 27 ગામોને એલર્ટ
24 કલાકમાં ડેમની જળસપાટીમાં 40 સેમીનો વધારો થતાં વડોદરા, ભરૂચ અને નર્મદાના 27 ગામોને એલર્ટ
નર્મદા ડેમ
નર્મદા ડેમ
નર્મદા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉપરવાસમાંથી ભારે પાણીની આવકના કારણે આ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 દરવાજા 2.50 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 135.94 મીટર પર પહોંચી ગઈ છે, જે ઓવરફ્લોથી માત્ર 2.74 મીટર દૂર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટીમાં 40 સેમીનો વધારો થતાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 27 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ઓમકારેશ્વર ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાયું
ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્વર ડેમમાંથી પણ મોટા પ્રમાણમાં પાણી છોડાઈ રહ્યું છે. સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે RBPH અને કેનાલ મારફત કુલ 4.46 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ઉપરવાસમાંથી પાણીની આવક 4,99,918 લાખ ક્યૂસેક છે. આ કારણોસર, નર્મદા નદી હાલ 2 કાંઠે વહી રહી છે, જેનાથી ભરૂચમાં ગોલ્ડનબ્રિજ નજીક નદીનું જળસ્તર 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ગયું છે.
ચાણોદ ઘાટના 95 પગથિયાં ડૂબ્યા
નદી કિનારે આવેલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા સૂચના આપવામાં આવી છે. નદીની જળસપાટી વધતાં ગોરા ઘાટ અને ચાણોદના મલ્હાર ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાણોદ ઘાટના 95 પગથિયાં પણ ડૂબી ગયા છે. નર્મદા આરતી, લેસર શો અને વોટર શો માટેના કરોડો રૂપિયાના સાધનો સમયસર હટાવી લેવામાં આવ્યાં છે, જેથી નુકસાન અટકાવી શકાય. હાલમાં, આ કાર્યક્રમો બંધ છે અને ચોમાસું પૂરું થયા બાદ ફરીથી શરૂ કરવામાં આવશે. પ્રવાસીઓ માટે હાલ ઊંચાઈ પરના પાર્કિંગ સ્ટેન્ડ ખાતે આરતીની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
છ વાર ડેમના દરવાજા ખોલ્યા
નર્મદા ડેમ, જેને ગુજરાતની જીવાદોરી કહેવામાં આવે છે, તે 2017માં પૂર્ણ થયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થયું હતું. 2019માં તે પહેલીવાર છલોછલ ભરાયો હતો અને ત્યારથી લઈને 2025 સુધીમાં છઠ્ઠી વાર તેના દરવાજા ખોલવામાં આવ્યા છે. જોકે, 2021માં વરસાદ ઓછો હોવાને કારણે ડેમ સંપૂર્ણ ભરાયો નહોતો. આ વર્ષે ડેમ એક મહિનો વહેલા છલોછલ ભરાઈ ગયો છે. આ ડેમ ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે પાણી અને વીજળીનો મુખ્ય સ્ત્રોત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.