મહેસાણાના ગીલોસણની મહિલા સરપંચ 19 વર્ષની નીકળી!
આખરે પોલ પકડાઇ ગઈઃ 19 વર્ષની વય હોવા છતાં મહિલા સરપંચે 21 વર્ષ બતાવી હતી
કાર્યવાહીથી બચવા સરપંચે રજૂ કરેલો મહેસાણા મનપાનો જન્મનો દાખલો ખોટો નીકળ્યો
કાર્યવાહીથી બચવા સરપંચે રજૂ કરેલો મહેસાણા મનપાનો જન્મનો દાખલો ખોટો નીકળ્યો
મહેસાણાના ગીલોસણના મહિલા સરપંચની ઉંમરના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. 19 વર્ષની ઉંમર હોવા છતાં સરપંચ બની ગયેલી અફરોજબાનુ પરમારે સરકારી કાર્યવાહીથી બચવા મહેસાણા મનપાનો 21 વર્ષ ઉંમર હોવાનો જન્મનો દાખલો ખોટો હોવાનો ખુલાસો થયો છે. ખોટી વિગતના આધારે જન્મનો દાખલો મેળવ્યો હોવાથી જન્મ-મરણ રજિસ્ટ્રારે જન્મ પ્રમાણપત્ર રદ કરી દીધું છે. જેના કારણે મહિલા સરપંચને ક્લીનચીટ આપનાર વહીવટીતંત્ર જ્યાં હતું ત્યાં આવીને ઉભું છે. આ ખુલાસા બાદ તંત્રએ સરપંચને હોદ્દા ઉપરથી દૂર કરી ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.
જૂન-2025માં યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ખોટા એકરારનામાને આધારે ફોર્મ ભરી ગીલોસણ ગામના સરપંચ તરીકે અફરોજબાનુ પરમાર ચૂંટાયા હતા. તેમના એલસીમાં લખેલી જન્મ તારીખ અંગે તંત્રને જાણ થઈ હતી કે, સરપંચ માટેની નિયત ઉંમર 21 વર્ષ છે. અફરોજ 19 વર્ષની ઉંમરે સરપંચ બની ગઈ છે. તેથી તાલુકા વિકાસ અધિકારીએ તપાસ અહેવાલ પ્રાંત અધિકારીને કર્યા બાદ કલેક્ટરના આદેશથી સરપંચ સામે ખોટું એકરારનામું કરવા બદલ કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અફરોજબાનુએ જુલાઈ મહિનામાં મહેસાણા મનપાનો 5 સપ્ટેમ્બર 2003ના રોજ જન્મ થયો હોવાનો જન્મ તારીખનો દાખલો રજૂ કર્યો હતો. જેના કારણે સમગ્ર મામલો ઠંડો પડ્યો હતો. વહીવટીતંત્રના ચોપડે પણ સરપંચને ક્લીનચીટ મળી ગઈ હતી. અચાનક રજૂ કરાયેલા જન્મ તારીખના દાખલા મામલે અધિક કલેક્ટર જસવંત જેગોડાએ આપેલા તપાસના આદેશને પગલે વહીવટીતંત્રએ મહેસાણા મનપાના જન્મ મરણ વિભાગના સબ રજિસ્ટ્રાર સુરેશભાઈ ચૌધરીનું નિવેદન લીધું હતું. તેમણે ડોક્યુમેન્ટની તપાસ કરતાં અફરોજના પિતાએ અરજદાર તરીકે જન્મની તારીખ અને તેનું નામ લખીને દાખલો માગ્યો હતો તે હકીકતમાં અફરોજબાનુનો નહીં પરંતુ તેના ભાઈનો હતો.

અફરોજબાનુના અરજદાર પિતાએ નામ લખીને જન્મ તારીખ લખી આપેલી હોવાથી મનપાના જન્મ મરણ વિભાગે નામમાં જન્મ સમયે બાબો કે બેબીના બદલે તારીખને આધારે દાખલો કાઢીને આપ્યો હતો અને તે દાખલો વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરાયો હતો. જો કે, આ દાખલો ખોટો હોવાનું જાણવા મળતાં મનપાના જન્મ મરણના રજિસ્ટ્રાર ડો.સુહાગ શ્રીમાળીએ અફરોજબાનુનો જન્મનો દાખલો રદ કરી દીધો છે.
હવે, ખોટા દાખલાને આધારે નાની ઉંમર હોવા છતાં સરપંચ બની ગઇ હોવાની કાર્યવાહી તંત્ર દ્વારા શરૂ કરીને બંધ કરવામાં આવી હતી. તે મંગળવારે ફરીથી શરૂ કરી અધિક કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને અફરોજબાનુ સામે કાર્યવાહી કરવા લેખિત સૂચના આપી છે. જેના કારણે આગામી દિવસોમાં સરપંચપદનું ફોર્મ ભરવાથી લઈને જન્મ તારીખનો દાખલો ખોટી તારીખને આધારે મેળવી રજૂ કરવા સુધી સંપૂર્ણ ખોટું કરનાર મહિલા સરપંચ સામે પોલીસ ફરિયાદ થવાની શક્યતા છે.

શું હતો સમગ્ર મામલો?
સરકારે નાની ઉમરના સરપંચોના સન્માન માટે તંત્ર પાસે વિગતો મંગાવતા અફરોજબાનુ 19 વર્ષની ઉંમરમાં સરપંચ બની હોવાનો ઘટસ્ફોટ થયો હતો. તેથી વહીવટીતંત્રએ તેની સામે કાર્યવાહી શરૂ કરી હતી. તેના પિતાએ જન્મના દાખલા માટે મનપામાં અરજી કરી હતી. જેમાં બાળકનું નામ અફરોજબાનુ લખ્યું હતું અને જન્મ તારીખ 5 સપ્ટેમ્બર 2003 જે તેમના મોટા બાળક એટલે કે અફરોજબાનુના મોટા ભાઈની લખી હતી. મહાનગરપાલિકાએ અફરોજબાનુનું નામ લખી 5 સપ્ટેમ્બર 2003નો જન્મ તારીખનો દાખલો 15 જલાઈના રોજ ઇસ્યુ કર્યો હતો. મનપાએ અફરોજબાનુનું નામ લખી 5 સપ્ટેમ્બર 2003નો જન્મ તારીખનો દાખલો 15 જુલાઈ-2025ના રોજ ઈસ્યુ કર્યો હતો.
મહાનગરપાલિકામાં બાળકના જન્મ સમયે નોંધણી થાય છે તેમાં બાળક તરીકે બાબો કે બેબી લખવામાં આવે છે અને જન્મ તારીખ તેમજ ક્યાં કઈ હોસ્પિટલમાં જન્મ થયો તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. જન્મ સમયે બાળકનું કોઈ નામ હોતું નથી. ત્યારબાદ સગા સંબંધી દ્વારા જન્મ તારીખનો દાખલો મેળવવા નામ અને જન્મ તારીખ લખીને દાખલાની માંગણી કરવામાં આવે છે. મહિલા સરપંચની વયનો વિવાદ વકર્યા બાદ શાંત થઈ ગયો હતો. તેવામાં 21 વર્ષનો દાખલો રજૂ કરતાં શંકાના આધારે કલેક્ટરે સોંપેલી તપાસમાં મહિલા સરપંચનો ભાંડો ફટી ગયો છે.
જવાબદારો સામે કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ
મહેસાણા મનપામાંથી જન્મ તારીખનો ખોટો દાખલો નીકળ્યો હોવાથી મ્યુનિસિપલ કમિશનરને ખોટા દાખલા મામલે જવાબદાર મનપાના કર્મચારીઓ સામે અને ખોટા એકરારનામાને લઈ સરપંચ બની ગયેલી તેમજ જન્મ તારીખનો ખોટો દાખલો રજૂ કરનાર મહિલા સરપંચ સામે કાર્યવાહી કરવા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારીને આદેશ કર્યો છે. મનપાની જન્મ મરણ શાખા તરફથી ઈસ્યુ કરાયેલો જન્મ તારીખનો દાખલો કોઈએ જાણી જોઈને કૃત્ય કર્યું છે કે ભૂલથી થયું છે અંગે મનપા કમિશનર રવિન્દ્ર ખટાલેએ તપાસ હાથ ધરી છે.
જન્મ તારીખ મોટા બાળકની અને નામ નાના બાળકનું લખાવ્યું હતું
મહેસાણા મનપાના જન્મ મરણ રજિસ્ટ્રાર ડો. સુહાગ શ્રીમાળીએ જણાવ્યું કે, જન્મના દાખલા માટે અફરોજબાનુના પિતાએ જે ફોર્મ ભર્યું હતું. તેમાં નામ અફરોજબાનુનું આપ્યું હતું અને જન્મ તારીખ તેમના બે વર્ષ મોટા બાળકની લખી હતી. તેના આધારે જન્મ તારીખનો દાખલો આપ્યો હતો. પરંતુ સબ રજીસ્ટ્રારને શંકા જતાં તેમણે તપાસ કરી હતી. જેમાં ખબર પડી કે જન્મ તારીખ મોટા બાળકની છે અને નામ નાના બાળકનું આપ્યું હોવાથી જન્મ તારીખનો દાખલો રદબાતલ કરાયો છે.
ફોર્મ મંજૂર કરનાર અધિકારીને સજાના બદલે મજા
ગીલોસણ સરપંચપદના ફોર્મ ચકાસતી વખતે અફરોજબાનુનું ફોર્મ મંજૂર કરનાર મહેસાણા તાલુકા પંચાયતના ચૂંટણી અધિકારી નયનભાઈની મોટા વિવાદ પછી કાર્યવાહી કરવાના બદલે ડીડીઓએ તેમની વિજાપુર વતનમાં બદલી કરી હતી. હવે ચૂંટણી અધિકારી દ્વારા કાર્યવાહીનો આદેશ કરાયો છે ત્યારે ડીડીઓ તેમની સામે પગલાં ભરે છે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.