ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂનના રોજ યોજાશે. તેના પૂર્વે 25 જૂન, બુધવારના રોજ ભગવાન સરસપુર સ્થિત મામાના ઘરેથી પોતાના નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાનને આંખો લાગવા જેવી સ્થિતિ હોવાને કારણે આજે નેત્રોત્સવ વિધિની શરૂઆત કરવામાં આવી છે. આ સાથે-સાથે મંદિરની ધજાનું પણ નવીનીકરણ થયું છે.
સાધુ-સંતો માટે ભવ્ય ભંડારાનું આયોજન
દેશભરના વિવિધ શહેરોમાંથી આવતા સાધુ-સંતો માટે ભંડારાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. અંદાજે 20,000થી 25,000 ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે. પ્રસાદમાં નીચે મુજબના ભોજનના સમાવેશ થાય છે.
લોટના માલપુવા: 2000 નંગ
દૂધપાક: 3000 લિટર
બટાકાનું શાક: 1000 કિલો
ચણાનું શાક: 700 કિલો
ભાત: 1000 કિલો
કઢી: 10,000 લિટર
વરસાદના કારણે ભક્તોની સંખ્યા ઓછી
અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડતા, મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોની સંખ્યા થોડો ઓછી રહી હતી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના અગ્રણીઓ દર્શનાર્થે પધાર્યા હતા.
રથયાત્રા પૂર્વે પોલીસ રિહર્સલ અને સુરક્ષા તૈયારી
24 જૂનના રોજ રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા મેગા રિહર્સલ કરાયું હતું. અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિકની અધ્યક્ષતામાં રિહર્સલ યોજાઈ હતી, જેમાં 50થી વધુ વાહનો અને 20,000થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. રૂટ પર 400થી વધુ CCTV કેમેરા તેમજ વધારાના 150 CCTV મુકાયા છે. યાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે AI ટેક્નોલોજીનો પણ ઉપયોગ થયો છે.
મુખ્યમંત્રીએ સિનિયર અધિકારીઓ સાથે યોજી બેઠક
મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ, DGP, અમદાવાદ પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. સુરક્ષા, વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ અપાયું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ સહિત રાજ્યના 213થી વધુ સ્થળોએ યોજાતી રથયાત્રા જનઉમંગ અને ધાર્મિક ભાવનાનું પ્રતિબિંબ છે. આ તહેવાર શાંતિપૂર્વક ઉજવાય એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ તત્પર છે.