રાજ્યમાં 22 જૂનના રોજ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત આજે(25 જૂન) મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીની મત ગણતરી દરમિયાન અવનવા કિસ્સા જોવા મળ્યા છે. જેમાં રાજ્યની ચાર ગ્રામ પંચાયતોમાં ઉમેદવારોને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળીને સરપંચ જાહેર કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની ધાનોટ ગ્રામ પંચાયત ચૂંટણીમાં વોર્ડ નંબર-8ની મતગણતરીમાં બે ઉમેદવારોને સરખા મત મળતાં ટાઈ પડી હતી. વોર્ડ નંબર-8 ની મતગણતરી દરમિયાન ઠાકોર ડાયાજી કાનાજી અને ઠાકોર કાંતિજી ચેલાજીને 54-54 મત મળ્યા હતા. જેના કારણે ટાઈ પડી હતી. આ મડાગાંઠ ઉકેલવા ચિઠ્ઠી ઉછાળીને ડાયાજી કાનાજી ઠાકોરને વિજેતા જાહેર થયા હતા. જ્યારે સરપંચપદની ચૂંટણીમાં ડાયાજી ઠાકોરની પત્નીનો પરાજય થયો હતો.
પાટણ તાલુકાની ધારણોજ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર-7ના ઉમેદવારો જશીબેન બાબુભાઈ પટેલ અને રંજનબેન તેજાજી ઠાકોર વચ્ચે મત ગણતરીમાં ટાઈ પડી હતી. બંનેને 94-94 મત મળ્યાં હતા. તેથી પુનઃ મતગણતરી કરવામાં આવી હતી. પુનઃ મતગણતરી બાદ પણ ટાઈ રહેતા વિજેતા નક્કી કરવા માટે ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. ચિઠ્ઠી દ્વારા જશીબેન પટેલને વિજેતા જાહેર કરાયા હતા.
અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની પટેલઢુંઢા ગ્રામ પંચાયતના વોર્ડ-6ની મતગણતરી દરમિયાન બે ઉમેદવારો વચ્ચે ટાઈ પડી હતી. ચિઠ્ઠી ઉછાળી વોર્ડ સભ્ય રણજીત ડામોરને વિજેતા જાહેર કરાયા હતા. બંને ઉમેદવારોને 58-58 વોટ મળતાં ટાઈ પડી હતી.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની નાદરી ગ્રામ પંચાયતમાં સરપંચપદ માટે યોજાયેલી ચૂંટણીમાં હાર્દિક બારોટ અને પરેશ બારોટને 338-338 મત મળ્યા હતા. જેના કારણે ટાઈ પડી હતી. છેવટે ચિઠ્ઠી ઉછાળીને હાર્દિક બારોટને વિજેતા જાહેર કરાયા હતા.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ડભારી ગ્રામ પંચાયતની સરપંચપદની ચૂંટણીમાં ફરી એકવાર ટાઈ પડી હતી. ધર્મિષ્ઠા પટેલ અને નિમીષા પટેલને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળીને ધર્મિષ્ઠા પટેલને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ગ્રામ પંચાયતની ચૂંટણીનું અવનવું
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુર દેહ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખો કિસ્સો જોવા મળ્યો. જ્યાં પતિ અને પત્ની બંનેએ ઉમેદવારી નોંધાવી હતી. વહીદાબેન અબ્દુલ રસીદ પટેલ ૨૦૦૯ મત મેળવીને સરપંચ તરીકે વિજેતા બન્યા હતા. જ્યારે તેમના પતિ અબ્દુલ રસીદ પટેલ પણ વોર્ડ સભ્ય તરીકે ચૂંટાયા હતા.
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઈશ્વરીયા ગામે 80 વર્ષીય વૃદ્ધ મહિલા મોતીબેન ડાયાભાઈ સૌંદરવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે. મહેસાણા તાલુકાના પઢારિયા ગામમાં ચૂંટણીમાં રતનસિંહ ચાવડાનો માત્ર એક જ મતથી વિજય થયો હતો. આ પરિણામ પરથી "એક મતની કિંમત" શું હોય છે તે સ્પષ્ટ થઈ ગયું છે. વિસનગરના કંસારાકુઈ ગામમાં પ્રથમ વખત ગ્રામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઠાકોર અજમલજી તેજાજી ગામના પ્રથમ ચૂંટાયેલા સરપંચ જાહેર થયા છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામમાં સરપંચ બનવા બે વેવાણો વચ્ચે જંગ ખેલાયો હતો. જૂના ઉગલામાં 10 વર્ષથી સરપંચ તરીકે રાજ ભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરશીભાઈ ડાંગોદરાએ 606 મતે આખી પેનલ સાથે હરાવી દીધા હતા. જયાબેન નરશીભાઈ ડાંગોદરા પોતાની યુવા પેનલના તમામ 7 સભ્યો સાથે જીતી ગયા છે.