ગુજરાતનું શિક્ષણ મોડેલઃ નામ બડે દર્શન ખોટે!
પાયાનું શિક્ષણ આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ, કચ્છમાં 40 ટકા, દ્વારકામાં 50 ટકા શિક્ષકોની ઘટ

શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાતો હોવાના ભાજપ સરકારના બણગા સામે વરવી વાસ્તવિકતા

શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાતો હોવાના ભાજપ સરકારના બણગા સામે વરવી વાસ્તવિકતા
ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ જેવા તાયફા કરીને ભાજપ સરકાર ગુણવત્તાયુક્ત શિક્ષણના બણગાં ફૂંકતી હોય છે. પરંતુ, ગ્રાઉન્ડ લેવલે વાસ્તવિક પરિસ્થિતિ અલગ હોય છે. કરોડો રૂપિયા ખર્ચ કરવા છતાં પાયાનું શિક્ષણ આપવામાં રાજ્ય સરકાર નિષ્ફળ નિવડી છે. જેના કારણે પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અને શિક્ષકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત દેશમાં પાછળ ધકેલાઈ રહ્યું છે.
સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળા લગાવીને શિક્ષણનો વેપલો કરવા ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી રહી છે. રાજ્યની 1606 પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. નવી શિક્ષણ નીતિ મુજબ 25 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક હોવા જોઈએ. તેના બદલે 29 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષક ભણાવી રહ્યા છે. કચ્છ જિલ્લામાં 40 ટકા અને દ્વારકા જિલ્લામાં 50 ટકા શિક્ષકોની ઘટ છે. તો કેવી રીતે ભણશે ગુજરાત?
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મુદ્દે હોબાળો
કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શિક્ષકોની ઘટ મામલે કોંગ્રેસે હોબાળો કર્યો હતો. શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ સમયે શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.
રાજ્યમાં સૌથી વધુ શિક્ષકોની ઘટ કચ્છ જિલ્લામાં
રાજ્યમાં સૌથી વધારે કચ્છ જિલ્લામાં 50 ટકા શિક્ષકોની ઘટ છે. આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટે થોડા દિવસો અગાઉ આંદોલન શરૂ કર્યુ છે. કચ્છ જિલ્લામાં 4700 જેટલા શિક્ષકોની ઘટ સામે 4000 યુવાનો નોકરીની રાહ જોઈ રહ્યા છે. તેઓ પીટીસી, ટેટ અને ટાટ પાસ થયેલાં હોવાથી સ્થાનિક યુવાનોને પ્રાથમિકતા આપવા માંગ ઉઠી છે. બીજી તરફ શિક્ષકોની ઘટના કારણે શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ગામડે ગામડે થઈ રહેલા આંદોલનોથી મામલો વણસી રહ્યો છે. શિક્ષકોની ઘટના આંદોલનમાં સરપંચો, સામાજિક આગેવાનો અને નાગરિકો જોડાયા છે.
15 ઓગષ્ટથી શિક્ષકોની ઘટ મુદ્દે આંદોલન કરાશે
આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ કે, રાજય સરકાર શાળા પ્રવેશોત્સવો કરી સૌ ભણે અને સૌ આગળ વધે તેવી વાતો કરે છે. કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે. કચ્છ જિલ્લામાં 1645 પ્રાથમિક શાળામાં 100 જેટલી શાળામાં એકપણ શિક્ષક નથી. જ્યારે 150 શાળામાં માત્ર એક શિક્ષક કાર્યરત છે. જિલ્લામાં 4700 શિક્ષકોની ઘટ છે. જેવી સીધી અસર બાળકોના પાયાના ભણતર પર પડી રહી છે. રાજય સરકારે કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતીની જાહેરાત કરી હતી. પરંતુ ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ નથી. 12 ઓગસ્ટ સુધી શિક્ષકોની ઘટ બાબતે કાયમી સમાધાન નહીં મળે તો 15 ઓગષ્ટથી કચ્છમાં આંદોલનની શરૂઆત કરવામાં આવશે.
શિક્ષણ, આરોગ્ય અને પંચાયત વિભાગની પણ તેવી જ હાલત
કચ્છ જિલ્લો કર્મચારીઓની ભરતીનો જિલ્લો બન્યો છે. કચ્છમાં કોઈપણ સરકારી વિભાગમાં ભરતી થઈ થોડા સમયમાં જિલ્લા ફેર બદલી કરાવી કર્મચારીઓ વતનની વાત પકડી લે છે. શિક્ષકો બાદ પંચાયત સેવાની આંતર જિલ્લા બદલીઓનું કેન્દ્ર બની છે.
રાજ્યમાં કુલ 1433 કર્મચારીઓની બદલીમાંથી કચ્છના 132 એટલે કે 10 ટકા કર્મચારીએ વતનમાં બદલી કરાવી છે. જેમાં ફિમેલ હેલ્થ વર્કર, ગ્રામસેવક, જુનિયર ફાર્માસિસ્ટ, તલાટી સહિતના કર્મચારીની બદલી થઈ છે. 45 ફિમેલ હેલ્થ વર્કર, 28 ગ્રામસેવક, 11 જુનિયર ક્લાર્ક, 13 તલાટીઓની કચ્છ બહાર બદલી થઈ છે.
કચ્છમાં નિમણૂક લઈ કર્મચારી વતનમાં બદલી કરાવી જતાં રહેતાં હોવાથી તમામ વિભાગોમાં મોટી ઘટ રહે છે. તેના કારણે વહીવટી કામો ઉપર તેની વિપરીત અસર થાય છે. આરોગ્ય વિભાગમાં એક સાથે 45 ફિમેલ હેલ્થ વર્કરની બદલીથી જિલ્લામાં આરોગ્ય સેવાને ગંભીર અસર થશે.
તેવી જ રીતે 5 થી વધુ ગામો સંભાળતા 28 ગ્રામસેવકની બદલીથી ખેતીવાડી વિભાગની કામગીરીને અસર થશે. નવી ભરતી નહિ આવે ત્યાં સુધી હવે બદલીની તમામ જગ્યા પર અન્ય કર્મચારીને "ચાર્જ સોંપાશે. આ બદલીના કારણે શિક્ષણ, આરોગ્ય, પંચાયત સહિતના વિભાગોને માઠી અસર થઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની પણ કચ્છ જેવી હાલત
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી શિક્ષકોની ઘટ નિવારવા માગણી કરી છે. પાલ આંબલિયાએ બેનિફિટ ન્યૂઝને જણાવ્યુ કે, દ્વારકા જિલ્લામાં મંજૂર મહેકમ મુજબ 50 ટકા શિક્ષકની ઘટ છે. કુલ 3150 ના મહેકમ સામે 1550 શિક્ષકની ઘટ છે. જ્યારે 250 શિક્ષકોની આંતર જિલ્લા બદલી થઈ છે. કુલ 3150 પૈકી 1600 શિક્ષકમાંથી 800 શિક્ષક પાસે સરકારી કામગીરી કરાવવામાં આવી રહી છે. શાળામાં શિક્ષક જ ન હોય તો કેવી રીતે ભણશે ગુજરાત?, વ્યાયામ શિક્ષક જ ન હોય તો કેવી રીતે ખેલશે ગુજરાત ?, ગુજરાતના શિક્ષણ મોડેલની આ વરવી વાસ્તવિક્તા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!