કેજરીવાલના આગમનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું
આગામી સ્થાનિક ચૂંટણી પૂર્વે આપની કમર કસી; અમદાવાદ અને વડોદરામાં યોજાશે વિશાળ બૂથ સંમેલનો

કેજરીવાલનો ત્રણ દિવસીય ઝંઝાવતી પ્રવાસ

કેજરીવાલનો ત્રણ દિવસીય ઝંઝાવતી પ્રવાસ
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા ગુજરાતમાં ગાબડું પાડવા માટે આમ આદમી પાર્ટીએ (AAP) એડીચોટીનું જોર લગાવ્યું છે. પક્ષના સંગઠનને પાયાના સ્તરે મજબૂત કરવા માટે AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, જે દરમિયાન તેઓ રાજ્યના વિવિધ ઝોનના હજારો બૂથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરશે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ૧૭ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી સુધી ગુજરાતમાં ધામા નાખશે. પ્રાપ્ત વિગતો અનુસાર, આજે ૧૭મી જાન્યુઆરીના રોજ સાંજે કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે, જ્યાં પક્ષના ટોચના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
અગાઉ ડિસેમ્બર ૨૦૨૫માં પણ કેજરીવાલે ત્રણ દિવસીય પ્રવાસ ખેડીને કાર્યકરોમાં ઉત્સાહ ફૂંક્યો હતો. હવે, ચૂંટણીના એલાન પૂર્વે આ પ્રવાસને અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પક્ષના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આપ અત્યાર સુધીમાં ગુજરાતના ખૂણે ખૂણે ૧૮,૦૦૦થી વધુ નાની-મોટી સભાઓ કરી ચૂકી છે, જેનો મુખ્ય હેતુ ભાજપના શાસન સામે જનતામાં જાગૃતિ લાવવાનો છે.
ઝોન વાઈઝ સંમેલનોની વ્યૂહરચનાઆમ આદમી પાર્ટીએ ગુજરાતને ૭ ઝોનમાં વહેંચ્યું છે. કેજરીવાલ આ પ્રવાસ દરમિયાન બે મોટા ઝોન સંમેલનોમાં હાજરી આપશે:
૧. અમદાવાદ (મધ્ય ઝોન) - ૧૮ જાન્યુઆરી: પ્રવાસના બીજા દિવસે અમદાવાદ ખાતે મધ્ય ઝોનના કાર્યકર્તાઓનું મહાસંમેલન યોજાશે. આ સંમેલનમાં અમદાવાદ શહેર અને જિલ્લો, ગાંધીનગર, ખેડા અને સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા તમામ બૂથ સ્તરના કાર્યકરો હાજરી આપશે. કેજરીવાલ અહીં કાર્યકરોને 'બૂથ જીતો, ચૂંટણી જીતો'નો મંત્ર આપશે.
૨. વડોદરા (પૂર્વ ઝોન) - ૧૯ જાન્યુઆરી: ૧૯મી જાન્યુઆરીએ કેજરીવાલ સંસ્કારી નગરી વડોદરાની મુલાકાત લેશે. અહીં પૂર્વ ઝોનના બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરા શહેર અને જિલ્લો, આણંદ, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરના પાયાના કાર્યકર્તાઓ જોડાશે.
સંગઠન મજબૂતીકરણ પર ભારગુજરાતમાં ભાજપનું પેજ સમિતિનું મોડલ ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. તેને ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી હવે 'બૂથ કાર્યકર્તા મોડલ' પર કામ કરી રહી છે. કેજરીવાલનો મુખ્ય હેતુ કાર્યકરોને ચૂંટણીના રણમેદાન માટે તૈયાર કરવાનો અને તેમને જરૂરી વ્યૂહાત્મક માર્ગદર્શન આપવાનો છે. પક્ષના નેતાઓનો દાવો છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઝંખે છે અને AAP તે વિકલ્પ પૂરો પાડવા સજ્જ છે.
ત્રિપાંખિયો જંગ અને ભાવિ પડકારોસ્થાનિક ચૂંટણીઓમાં આ વખતે પણ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે તેવી પૂરેપૂરી શક્યતા છે. એક તરફ ભાજપ પોતાની સત્તા ટકાવી રાખવા માટે પેજ સમિતિઓ દ્વારા સંપર્ક વધારી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ પણ આંતરિક સંગઠનને બેઠું કરવા મથામણ કરી રહી છે. આ સ્થિતિમાં કેજરીવાલની આક્રમક રણનીતિ કેટલી કારગર નીવડે છે તે તો ચૂંટણીના પરિણામો જ કહેશે.
અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ માત્ર સંમેલનો પૂરતો સીમિત નથી, પરંતુ તે ગુજરાતના રાજકારણમાં પોતાની પકડ મજબૂત કરવા માટેનો એક મોટો સંદેશ છે. આગામી દિવસોમાં યોજાનારી મહાનગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓ ૨૦૨૭ની વિધાનસભાની પૂર્વતૈયારી સમાન ગણવામાં આવી રહી છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.