ગુજરાતમાં લોકરક્ષક કેડરની 12,000 જેટલી જગ્યા માટેની લેખિત પરીક્ષા યોજાઈ રહી છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપાઈ અને SRPF જેવી જગ્યા માટે ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે.
આ પરીક્ષામાં રાજ્યના 7 મહાનગરો - અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગરમાં કુલ 825 પરીક્ષા કેન્દ્રો પર 2.47 લાખથી વધુ ઉમેદવાર હાજરી આપશે.
પોલીસ વિભાગે પૂર્વ તૈયારીના ભાગરૂપે પરીક્ષા માટે કુલ 26,000થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને જવાબદારી સોંપી છે, જેમાં 8000થી વધુ પોલીસ અધિકારીઓ અને 18000 શિક્ષણ વિભાગના અધિકારીઓનો સમાવેશ થાય છે.
પરીક્ષાના સમયે CCTVની દેખરેખ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેસ સ્ક્રીનિંગ જેવી કડક સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી છે. ઉમેદવારોને સવારના 7:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી છે, કારણ કે પરીક્ષા પહેલા ફિઝિકલ વેરિફિકેશન પ્રક્રિયા થશે. લેખિત પરીક્ષા સવારના 9:30થી 12:30 સુધી યોજાશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ 13 એપ્રિલ, 2025ના રોજ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) માટે લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં 472 જગ્યા માટે 1,02,935 ઉમેદવારોએ ભાગ લીધો હતો. હવે લોકરક્ષક કેડરની મોટી ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે પરીક્ષા લેવાઈ રહી છે.