યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો
વધુ 4 અઠવાડિયાનો સમય આપતા કોર્ટે કહ્યું, ‘જેટલું મોડું કરશો એટલો દંડ વધશે’

યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો

યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટનો મોટો ઝટકો
Yusuf Pathan Land Dispute: પૂર્વ ભારતીય ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ યુસુફ પઠાણ વડોદરાના કથિત જમીન વિવાદ મામલે કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. ગુજરાત હાઈકોર્ટે જમીન ખાલસા કરવાના સિંગલ જજના ચુકાદા સામે યુસુફ પઠાણ દ્વારા કરાયેલી અપીલ પર સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે યુસુફ પઠાણને વધુ દસ્તાવેજો રજૂ કરવા માટે 4 અઠવાડિયાનો સમય આપ્યો છે, પરંતુ સાથે જ આકરી ટિપ્પણી કરતા ચેતવણી આપી છે કે, વર્ષ 2014 થી આ જમીન પર તેમનો અનધિકૃત કબજો હોવાથી તેઓ જેટલો સમય વધારે લેશે, તેટલો જ દંડનો આંકડો મોટો થતો જશે.
હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચ સમક્ષ યુસુફ પઠાણની અપીલ
અગાઉ હાઈકોર્ટના સિંગલ જજે યુસુફ પઠાણ વિરુદ્ધ ચુકાદો આપીને વડોદરા મહાનગરપાલિકા (VMC) ની જમીન ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને પડકારતા યુસુફે હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી છે. સુનાવણી દરમિયાન યુસુફ પઠાણ તરફથી સિવિલ એપ્લિકેશન રજૂ કરીને કોર્ટ પાસે વધારાનો સમય માંગવામાં આવ્યો હતો. તેમના વકીલે દલીલ કરી હતી કે, આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટરોને જમીન ફાળવણી કરવા અંગેની સરકારની જે ચોક્કસ પોલિસી છે, તેને તેઓ કોર્ટ સમક્ષ વિગતવાર રજૂ કરવા માંગે છે અને તે માટે તેમને સમયની જરૂર છે. હાઈકોર્ટે સમય આપવાની માંગ સ્વીકારી લીધી છે, પણ સ્પષ્ટ કર્યું છે કે દબાણના સમયગાળાના ભાડા અને દંડમાંથી તેમને કોઈ રાહત નહીં મળે.
શું છે સમગ્ર જમીન વિવાદ?
આ સમગ્ર વિવાદ વડોદરાના પોશ ગણાતા તાંદલજા વિસ્તારમાં આવેલા યુસુફ પઠાણના ઘરની નજીક શુભમ પાર્ટી પ્લોટ પાસેની આશરે 978 ચોરસ મીટર સરકારી જમીન સાથે જોડાયેલો છે. વર્ષ 2012 માં યુસુફ પઠાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) સમક્ષ આ પ્લોટ ખરીદવા માટે અરજી કરી હતી. તે સમયે વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભાએ પ્રસ્તાવ પસાર કરીને તેને બજાર ભાવે (માર્કેટ કિંમતે) યુસુફને આપવાની મંજૂરી આપી હતી અને અંતિમ મંજૂરી માટે ફાઈલ રાજ્ય સરકારને મોકલી હતી. વર્ષ 2014 માં રાજ્ય સરકારે કાયદાકીય પાસાઓનો હવાલો આપીને વડોદરા મનપાના આ દરખાસ્તને સત્તાવાર રીતે રદ્દ કરી દીધી હતી. જમીન ફાળવણીનો પ્રસ્તાવ રદ્દ થયો હોવા છતાં, યુસુફ પઠાણ દ્વારા તે પ્લોટની ફરતે બાઉન્ડ્રી વોલ (દિવાલ) બનાવી લેવામાં આવી હતી અને પશુઓ રાખવા માટે શેડ પણ ઊભો કરી દેવાયો હતો. જે બાદ વડોદરા મનપાએ જમીન ખાલી કરવા નોટિસ ફટકારી હતી.
સિંગલ જજના ચુકાદામાં કોર્ટે શું નોંધ્યું હતું?
વર્ષ 2024 માં યુસુફ પઠાણે વડોદરા મનપાની નોટિસ અને રાજ્ય સરકારના 2014 ના નિર્ણય સામે હાઈકોર્ટના સિંગલ જજ સમક્ષ અરજી કરી હતી. પઠાણનો દાવો હતો કે મ્યુનિસિપલ કોર્પોરેશન એક સ્વાયત્ત સંસ્થા છે, તેથી તેની જમીનની બાબતમાં રાજ્ય સરકારની મંજૂરીની અનિવાર્યતા નથી. જો કે, હાઈકોર્ટના સિંગલ જજે આ દલીલ ફગાવી દેતા નોંધ્યું હતું કે, અરજદાર પાસે આ પ્લોટના માલિકી હક કે કબજા અંગેનો કોઈ જ કાયદેસરનો ઓર્ડર કે એલોટમેન્ટ લેટર (ફાળવણી પત્ર) નથી. જાહેર હરાજીની કાયદેસરની પ્રક્રિયા ટાળીને સીધી જમીન મેળવવાનો આ પ્રયાસ હતો. કાયદેસરના દસ્તાવેજો વિના દિવાલ ચણી લેવી એ સીધેસીધું સરકારી જમીન પરનું દબાણ છે.
‘તમે અભણ નથી, ઇન્ટરનેશનલ ક્રિકેટર છો’ - હાઈકોર્ટે લીધો આકરો ઉધડો
અગાઉની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે યુસુફ પઠાણની કાયદાકીય સમજ પર સવાલો ઉઠાવતા ભારે ફિટકાર વર્ષાવ્યો હતો. અદાલતે રોષપૂર્વક કહ્યું હતું કે, "તમારી પાસે માત્ર સ્ટેન્ડિંગ કમિટીનો એક પ્રસ્તાવ હતો, કોઈ સત્તાવાર એલોટમેન્ટ થયું નથી અને તમે સરકારને એકપણ રૂપિયો ચૂકવ્યો નથી, તો પછી જમીન પર કબજો કઈ હેસિયતથી કર્યો? તમને કયા સરકારી અધિકારીએ આ જમીન સોંપી તેનું નામ આપો, જેથી અમે તેની સામે તપાસ શરૂ કરાવી શકીએ." અદાલતે વધુમાં કડક શબ્દોમાં ટકોર કરી હતી કે, "તમે કોઈ અભણ વ્યક્તિ નથી. એક આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડી પાસેથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિની આશા રાખી શકાય નહીં. ભલે તમે એ પ્લોટનો વ્યાપારીક ઉપયોગ ન કરતા હોવ, પરંતુ વર્ષ 2014 થી 2026 સુધી જમીન તમારા પ્રત્યક્ષ કબજામાં હોવાથી તમારે તેનું પૂરું ભાડું અને દંડ ચૂકવવો જ પડશે. જો તમે સ્વેચ્છાએ આ જમીન ખાલી નહીં કરો, તો કોર્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને બળપૂર્વક પઝેશન લેવાનો આદેશ કરશે." હવે આ કેસની આગામી સુનાવણી 4 અઠવાડિયા બાદ હાથ ધરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી