મોરબીથી શરૂ થયેલું ખેડૂત આંદોલન ગાંધીનગર પહોંચ્યું
ખેડૂતોની ટ્રેકટર રેલીથી રાજ્ય સરકારની ઉંઘ હરામ, હાઈ ટેન્શન વીજ થાંભલા મુદ્દે આંદોલન વકર્યુ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Gujarat Farmer Relly: ગુજરાતના મોરબી જિલ્લાના જેતપર ગામમાંથી શરૂ થયેલો ખેડૂતોનો વિરોધ હવે સમગ્ર રાજ્યના કૃષિ સમાજ માટે મોટા આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. ખેતરોમાંથી પસાર થતી હેવી વીજલાઈન, ખાનગી કંપનીઓ દ્વારા ઉભા કરવામાં આવતા વીજ પોલ, પૂરતા વળતરની માંગ, દેવામાફી અને MSP જેવા મુદ્દાઓને લઈને ખેડૂતો હવે આરપારની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યા છે. આજે ગાંધીનગરમાં યોજાનારી ટ્રેક્ટર રેલીને લઈને સમગ્ર રાજ્યમાં રાજકીય અને વહીવટી તંત્રમાં ચિંતા વધી છે. આ આક્રોશના ભાગરૂપે આજે ગાંધીનગર સુધી એક વિશાળ 'ખેડૂત અધિકાર યાત્રા' એટલે કે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના જેતપર ગામથી શરૂ થયેલી વિરોધની ચિંગારી હવે સમગ્ર રાજ્યમાં પ્રસરી ગઈ છે અને હજારો ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે.
શું છે સમગ્ર વિવાદ? ખેડૂતો રોષે ભરાયા?
ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે ખાનગી વીજ કંપનીઓ વિકાસના નામે તેમના ખેતરોમાં યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ હાઈટેન્શન (હેવી વીજલાઈન) ના થાંભલા ઊભા કરી રહી છે. ખેડૂતોની સંમતિ લીધા વિના કંપનીઓ જમીનમાં ઘૂસી જાય છે. ખેડૂતોનો આરોપ છે કે સ્થાનિક તંત્ર અને પોલીસને સાથે રાખીને ખેડૂતોને ડરાવવામાં-ધમકાવવામાં આવે છે. મોરબીના જેતપર ગામે વીજ કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરી કરાતા વિરોધ કરી રહેલા નિર્દોષ ખેડૂતો, મહિલાઓ અને બાળકો પર પણ લાઠીઓ વરસાવવામાં આવી હતી, જેણે આ આંદોલનમાં ઘી હોમવાનું કામ કર્યું છે. અમે વિકાસના વિરોધી નથી, પણ અમારી કિંમતી જમીનોનું યોગ્ય વળતર મળવું જ જોઈએ. પોલીસને આગળ ધરીને ખેડૂતોનો અવાજ દબાવી શકાય નહીં.
ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટરો સાથે એકઠા થશે
મળતી માહિતી મુજબ, કિસાન કોંગ્રેસ - કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત નેજા હેઠળ ખેડૂત અધિકાર ટ્રેક્ટર રેલી આજે 11 કલાકે ખેડૂતો શાંતિપુરા સર્કલથી કુચ કરીને ગાંધીનગર ખાતે 1111 ટ્રેક્ટરો સાથે એકઠા થશે. ટ્રેક્ટર માર્ચ રાજ્યની રાજધાની તરફ આગળ વધશે અને સરકાર સમક્ષ ખેડૂતોની માંગણીઓ સીધી રજૂ કરશે.રેલીમાં એ.આઈ.સી.સી. સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ, પાલ આંબલિયા, જયેશ પટેલ, મહેશ રાજકોટિયા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ યાત્રાના સંકલન અને આયોજનમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળશે. ખેડૂત અધિકાર રેલીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ આગેવાનો સંબોધન કરશે.
મોરબીના જેતપર ગામથી ઉઠ્યો વિરોધનો અવાજ
મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી પોતાની જમીનમાં વીજ પોલ ઉભા કરવાના વિરોધમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓ તેમની મંજૂરી વિના ખેતરોમાંથી વીજ લાઈન પસાર કરી રહી છે, જેના કારણે ખેતીની જમીનને નુકસાન પહોંચી રહ્યું છે અને યોગ્ય વળતર પણ આપવામાં આવતું નથી. આ મુદ્દે ઉપવાસ આંદોલનથી શરૂ થયેલી લડત હવે રાજ્યવ્યાપી બની રહી છે.
પોલીસ રોકે તે પહેલાં જ ખેડૂતોએ ચલાવી માસ્ટરસ્ટ્રોક
સત્તાવાર રીતે 15 જૂને ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી યોજાવાની હતી, પરંતુ ભૂતકાળના અનુભવને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ એક દિવસ અગાઉ જ કાફલા સાથે ગાંધીનગર તરફ કૂચ શરૂ કરી દીધી હતી. ખેડૂતોને આશંકા હતી કે નેતાઓને નજરકેદ કરવામાં આવી શકે છે અથવા ટ્રેક્ટર રેલીને રોકી શકાય છે. તેથી આગોતરું આયોજન કરીને તેમણે તંત્રને આશ્ચર્યમાં મૂકી દીધું હતું.
રાજ્યભરમાંથી ખેડૂતો જોડાયા
માત્ર મોરબી જ નહીં, પરંતુ સુરત, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, ટંકારા, માળીયા અને હળવદ સહિતના અનેક વિસ્તારોના ખેડૂતો પણ આ લડતમાં જોડાયા છે. દક્ષિણ ગુજરાતમાંથી પણ ટ્રેક્ટરો અને ચારચક્રી વાહનોના મોટા કાફલા ગાંધીનગર તરફ રવાના થયા છે.ખેડૂતો હાથમાં પ્લેકાર્ડ લઈને "જય જવાન, જય કિસાન"ના નારા સાથે સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે.
શું છે ખેડૂતોની મુખ્ય માંગણીઓ?
હેવી વીજલાઈન માટે યોગ્ય વળતર,ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન માટે બજારભાવ મુજબ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી રહી છે.ખેડૂતોના દેવા માફ કરવા,વધતા ખર્ચ અને ઘટતી આવક વચ્ચે ખેડૂતો પર દેવાનો બોજ વધી રહ્યો હોવાથી દેવામાફીની માંગ ઉઠી છે,પાકને MSPની કાનૂની ગેરંટી,ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળી રહે તે માટે MSPને કાનૂની દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે.ખાનગી કંપનીઓ અને સરકારી એજન્સીઓ દ્વારા જમીન સંપાદનમાં ખેડૂતોના હિતોનું રક્ષણ થાય તેવી માંગ છે.પશુપાલકોને અન્ય રાજ્યો જેવી સહાય
ગુજરાતના પશુપાલકોને પણ અન્ય રાજ્યોમાં મળતી સબસિડી અને લાભો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
ભરૂચમાં પોલીસ અને ખેડૂતો આમને-સામને
ભરૂચ જિલ્લામાંથી ગાંધીનગર જવા નીકળેલા ખેડૂતોને પોલીસે રોકતા સ્થિતિ તંગ બની હતી. કડકડીયા કોલેજ નજીક ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ખેડૂતો રસ્તા પર બેસી જતા પોલીસે લગભગ 10 ખેડૂતોની અટકાયત કરી હતી. આ ઘટનાએ ખેડૂતોમાં વધુ રોષ ફેલાવ્યો છે.
પાલ આંબલિયાની આગેવાનીમાં આંદોલન
ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો આ સમગ્ર આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, જો સરકાર ખેડૂતોની સમસ્યાઓ અંગે યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમો જાહેર કરવામાં આવશે.
કોંગ્રેસે પણ આપ્યું સમર્થન
ખેડૂતોની ટ્રેક્ટર રેલીને કોંગ્રેસનું સમર્થન હોવાનું સામે આવ્યું છે. ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.
શું ગાંધીનગરમાં સર્જાશે મહાસંગ્રામ?
ખેડૂતોના દાવા મુજબ હજારો ખેડૂતો અને 1111 ટ્રેક્ટરો ગાંધીનગર પહોંચવાના છે. જો આ સંખ્યા વાસ્તવિકતા સાબિત થાય તો છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાતનું સૌથી મોટું ખેડૂત આંદોલન બની શકે છે. વહીવટી તંત્ર માટે પણ આ એક મોટી કસોટી બની રહી છે.
બારડોલી સત્યાગ્રહની યાદ તાજી
ગુજરાતની ધરતી પર ખેડૂત આંદોલનોનો લાંબો ઇતિહાસ રહ્યો છે. વર્ષ 1928માં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં થયેલું બારડોલી સત્યાગ્રહ ખેડૂતોની એકતા અને સંઘર્ષનું પ્રતિક બન્યું હતું. આજે ફરી એકવાર ખેડૂતો પોતાના હક્ક અને અધિકારો માટે એકજૂટ થતા જોવા મળી રહ્યા છે.
સરકાર માટે મોટો પડકાર
એક તરફ રાજ્ય સરકાર વિકાસ અને રોકાણની વાત કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના પ્રશ્નો હવે રસ્તા પર આવી ગયા છે. જો ખેડૂતોની માંગણીઓ અંગે યોગ્ય અને ઝડપી નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બની શકે છે.મોરબીના જેતપર ગામમાંથી શરૂ થયેલી આ ચિંગારી હવે સમગ્ર ગુજરાતમાં ફેલાઈ ચૂકી છે. આજે ગાંધીનગરમાં યોજાનારી ટ્રેક્ટર રેલી માત્ર વિરોધ પ્રદર્શન નથી, પરંતુ ખેડૂતોના હક્ક, જમીન અને અસ્તિત્વની લડાઈ તરીકે જોવામાં આવી રહી છે. આગામી કલાકોમાં સરકાર અને ખેડૂતો વચ્ચે શું સમાધાન થાય છે તેના પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી