ઝેરી કફ સિરપથી બાળકોના મોતનું ગુજરાત કનેક્શન?
શેપ ફાર્મા પ્રા.લિ. અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિ. કંપનીને મધ્યપ્રદેશ સરકારે પાઠવી નોટિસ

ઝેરી કફ સિરપનો કાચો માલ ગુજરાતની કંપનીઓમાંથી સપ્લાય થયાનો ચોંકાવનારો ખુલાસો

ઝેરી કફ સિરપનો કાચો માલ ગુજરાતની કંપનીઓમાંથી સપ્લાય થયાનો ચોંકાવનારો ખુલાસો
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપથી 18 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા છે. મધ્યપ્રદેશમાં 14 અને રાજસ્થાનમાં 4 મોત થયા છે. આ મામલે શરૂ કરાયેલી તપાસમાં જીવલેણ કોલ્ડ્રિફ કફ સિરપ તમિલનાડુની શ્રીસન કંપનીમાં બન્યાનો ખુલાસો થયો હતો. આ કફ સિરપમાં કિડની માટે નુકસાનકારક DEG(ડાયથિલીન ગ્લાયકોલ) નું પ્રમાણ 48.6% મળી આવ્યું છે. તેના કારણે બાળકોની કિડની ફેઈલ થતાં મોત થયાનો ખુલાસો થયો છે.
તપાસના ધમધમાટ વચ્ચે કફ સિરપનો કાચો માલ ગુજરાતની બે કંપનીઓએ સપ્લાય કર્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મધ્યપ્રદેશ સરકારે ગુજરાતની બંને કંપનીઓને નોટિસ પાઠવી ખુલાસો માંગતા રાજ્યના આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.
ઝેરી કફ સિરપની તપાસના ધમધમાટ વચ્ચે ચોંકાવનારો ખુલાસો થયો છે. કોલ્ડ્રિફ કફ સિરપ માટેનું રો-મટિરિયલ ગુજરાતની ફેક્ટરીથી મોકલાયાનું સામે આવ્યું છે. ડોક્ટરોએ લખેલા બાળકોને પ્રિસ્ક્રિપ્શનમાં કોલ્ડ્રિફ અને નેક્સટ્રોસ ડીએસ કફ સિરપ લખી હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું. તેથી મધ્યપ્રદેશના આરોગ્ય વિભાગે જબલપુરમાં કટારિયા ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુટર્સમાં દરોડા પાડ્યા હતા.
મધ્ય પ્રદેશ સરકાર દ્વારા 13 કંપનીઓના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની બે કંપનીઓના સેમ્પલમાં વાંધાજનક મળ્યું હતું. કોલ્ડ્રિફ કફ સિરપનો જથ્થો તમિલનાડુથી જબલપુર આવ્યાનો ખુલાસો થયો હતો. તેથી તમિલનાડુ સરકારે શ્રીસન ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા પાડ્યા હતા. તમિલનાડુ સરકારની તપાસમાં કોલ્ડ્રિફ કફ સિરપમાં 48.6% DEG (ડાયથિલીન ગ્લાયકોલ) નું પ્રમાણ મળી આવ્યું હતું. તમિલનાડુ સરકારે સિરપ પર પ્રતિબંધ મૂકી મધ્યપ્રદેશ સરકારને રિપોર્ટ મોકલ્યો હતો.
મધ્યપ્રદેશ સરકારના આરોગ્ય વિભાગે રાજકોટ હાઈવે ઉપર આવેલી શેપ ફાર્મા પ્રા. લિ. અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ લિ.ને નોટિસ પાઠવી નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે. ગુજરાતની બંને કંપનીઓમાંથી સપ્લાય થયેલા ડ્રગ્સમાં DEGનું પ્રમાણ વધારે મળ્યું છે. નિર્ધારિત 0.1 ટકાની સામે શેપ ફાર્માના રો-મટિરિયલમાં DEGનું પ્રમાણ 0.616 ટકા અને રેડનેક્સ ફાર્માસ્યુટિકના રો-મટિરિયલમાં DEGનું પ્રમાણ 1.342 ટકા મળ્યું છે. કફ સિરપથી બાળકોના મોત મામલે ગુજરાતની બંને કંપનીઓ શંકાના ઘેરામાં આવી ગઈ છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ત્રણ દિવસ પહેલાં નિવેદન આપીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કફ સિરપના કારણે બાળકોના મોત મામલે ગુજરાતમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, કોલ્ડ્રિફ કફ સિરપનું ગુજરાતમાં વેચાણ થયું નથી. જ્યારે ખાનગી મેડિકલ સ્ટોરમાં કોલ્ડ્રિફ કફ સિરપ મળે છે કે કેમ તે દિશામાં તપાસ કરવા આદેશ આપ્યો હતો.
આરોગ્ય મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સરકારે 529 જેટલા કફ સિરપ ઉત્પાદકોની તપાસ શરૂ કરી છે. ગુજરાતમાં બાળકોને કફ સિરપ કેવી રીતે આપવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભારત સરકારે જારી કરેલી માર્ગદર્શિકા અનુસાર ગુજરાત સરકાર પણ માર્ગદર્શિકા બહાર પાડશે.
કફ સિરપમાં ગ્લિસરીન(ગ્લિસરોલ) કે પ્રોપિલિન ગ્લાયકોલ(પીજી)નો ઉપયોગ કફ કે તાવની દવાના દ્રાવક તરીકે કરવામાં આવે છે. નાના બાળકો ગોળી ગળી ન શકે તેથી આ દવાને દ્વાવકમાં ઓગાળીને આપી શકાય તે માટે તેને સિરપમાં ફેરવવામાં આવે છે. મધ્યપ્રદેશના બાળકોના મૃત્યુના કેસમાં કોલ્ડ્રિફ કફ સિરપમાં ડાય ઇથાઇલ ગ્લાયકોલ દ્રાવક તરીકે વપરાયું હોવાનું જણાયું છે. ડાય ઇથાઇલ ગ્લાયકોલ કે ડીઇજીનો ઉપયોગ પેઇન્ટ, બ્રેક ફ્લુઇડ, પ્લાસ્ટિક કે અન્ય ઘટ્ટ પ્રવાહી જામી ન જાય તે માટે ઉપયોગ કરાય છે. કફ સિરપ બનાવતી કંપનીએ ઉત્પાદન કિંમત ઘટાડવાના આશયથી પીજીના બદલે સસ્તું ડીઇજી ઉપયોગમાં લીધું હોવાની આશંકા છે.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના નિર્દોષ બાળકોના જીવ લેનાર કફ સિરપનો કાચો માલ ગુજરાતમાં બન્યો હોવાનું બહાર આવતાં ફાર્માસ્યુટિકલ કંપનીઓ અને સરકારના મોનિટરીંગ સામે સવાલ ઉઠ્યા છે. શેપ ફાર્મા અને રેડનેક્સ ફાર્માસ્યુટિકલ જેવી અનેક કંપનીઓ અમદાવાદ શહેર નજીક ધમધમી રહી છે. આ કંપનીઓમાં બની રહેલી દવાઓની યોગ્ય તપાસ થાય છે કે કેમ તે અઁગે રાજ્ય અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગો પણ શંકાના ઘેરામાં આવી ગયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!