ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, કરોડોના ધંધા પર સંકટ
કમોસમી વરસાદથી પરિક્રમા રૂટ કાદવ-કીચડથી ભરાયો, ભાવિકોની સલામતીને ધ્યાને લઈ નિર્ણય

ગિરનારની લીલી પરિક્રમાના રૂટના રસ્તાઓ ઉપર કાદવ કીચડ

ગિરનારની લીલી પરિક્રમાના રૂટના રસ્તાઓ ઉપર કાદવ કીચડ
જૂનાગઢમાં દર વર્ષે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદના કારણે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર અને સાધુ-સંતોની બેઠકમાં સર્વસંમતિથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સતત વરસેલા વરસાદને કારણે 36 કિલોમીટરનો પરિક્રમા રૂટ કાદવ-કીચડથી ભરાઈ ગયો છે, જેના પગલે ભાવિકોની સલામતીને ધ્યાને રાખીને આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
સાધુ-સંતો અને અધિકારીઓની ઉપસ્થિતીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ હવે માત્ર પ્રતીકાત્મક પરિક્રમા યોજાશે, જેમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો ભાગ લેશે. ઇન્દ્રભારતી બાપુએ ભાવિકોને સંદેશ આપ્યો કે તેઓ પોતાના ઘરમાં જ આસ્થાપૂર્વક પરિક્રમા કરે અને માતા-પિતાના આશીર્વાદથી ધાર્મિક નિયમો પાળે.
રૂટ પર કાદવ અને કીચડનું સામ્રાજ્ય
પરિક્રમા રૂટ પર ભારે વરસાદના કારણે કાદવ અને કીચડના ઢગલા જોવા મળી રહ્યા છે. રસ્તાઓ તૂટી ગયેલા છે અને ભારે વાહનો ફસાઈ જવાની સ્થિતિમાં છે. ભાવિકોની સલામતી જોખમાય તેવી સ્થિતિને જોતા તંત્રએ આ વર્ષ માટે પરિક્રમા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
જંગલમાં રોકાણ કરનારા માટે મુશ્કેલી
જંગલમાં ભીનાશ અને ઠંડીના કારણે રાત્રિ રોકાણ કરનાર ભાવિકો માટે અગવડતા ઉભી થઈ છે. સૂકા લાકડાનો અભાવ હોવાથી ભોજન બનાવવામાં મુશ્કેલી પડે છે, જેને કારણે અન્નક્ષેત્રોને પણ ભારે તકલીફો ભોગવવી પડી રહી છે.
અર્થતંત્રને મોટો ફટકો
ગિરનારની લીલી પરિક્રમા અને શિવરાત્રી મેળો જૂનાગઢના અર્થતંત્ર માટે કરોડો રૂપિયાનું બૂસ્ટર છે. આ વર્ષે પરિક્રમા રદ થવાથી દાણાપીઠના વેપારીઓ, હોટેલ વ્યવસાયીઓ, અન્નક્ષેત્રો અને નાના કારીગરોને મોટું આર્થિક નુકસાન થશે. હજારો કિલો અનાજ અને ખાદ્ય સામગ્રીનો સ્ટોક તૈયાર રાખનાર વેપારીઓ હવે ભારે નુકસાનમાં જશે.
ભાવિકો અને વેપારીઓ નિરાશ
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ પરિક્રમામાં ભાગ લે છે. પરંતુ વરસાદી માહોલ અને માર્ગની ખરાબ હાલતને કારણે આ વર્ષે તેઓ નિરાશ થયા છે. અનેક વેપારીઓ અને સેવાધારી મંડળો જે આ મેળાથી વાર્ષિક આવક મેળવે છે, તેઓ પણ આર્થિક મુશ્કેલીમાં છે.
ધાર્મિક મહત્વ અને ઈતિહાસ
ગિરનાર પરિક્રમા માત્ર યાત્રા નથી, પરંતુ આસ્થા અને આધ્યાત્મિક શક્તિનો પ્રતીક છે. આ યાત્રા કારતક મહિનામાં યોજાય છે અને પાંચ દિવસ ચાલે છે. ભવનાથથી શરૂ થઈ બોરદેવી સુધીની આ પરિક્રમા હજારો વર્ષોથી શ્રદ્ધાળુઓ માટે પુણ્યનું કારણ રહી છે.
આ વર્ષે ભલે પરિક્રમા મોકૂફ રાખવામાં આવી હોય, પરંતુ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર ભાવિકોની સલામતી અને સુવિધાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
પરિક્રમા ક્યારે શરૂ થાય છે?
દર વર્ષે કારતક સુદ એકાદશી (દેવઉઠી એકાદશી)થી શરૂ થઈ કારતક પૂર્ણિમા (દેવ દિવાળી)ના દિવસે પરિક્રમા પૂર્ણ થાય છે. લીલી પરિક્રમા પાંચ દિવસ ચાલે છે. ગીર જંગલનો માર્ગ વન વિભાગ દ્વારા વર્ષમાં 5 થી 7 દિવસ માટે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લો મુકાય છે. આ પરિક્રમા લગભગ 36 કિલોમીટર લાંબી હોય છે. જે પગપાળા પૂર્ણ કરવાની હોય છે. પરિક્રમાની શરૂઆત જૂનાગઢના ભવનાથ મંદિરથી થાય છે. યાત્રામાં ત્રણ મુખ્ય મુશ્કેલ ચઢાણ આવે છે. જેને 'ઘોડી' કહેવામાં આવે છે. જેમાં ઇટવા ઘોડી, માળવેલા ઘોડી, નળપાણી ઘોડી.
શું છે લીલી પરિક્રમાનો ઈતિહાસ?
એક માન્યતા પ્રમાણે, ભગવાન શ્રીકૃષ્ણના સમયથી પર્વતોની પરિક્રમાની શરૂઆત થઈ હતી. ભગવાન શ્રીકૃષ્ણએ પર્વતની પૂજા અને પર્વતને ઈશ્વર સ્વરૂપ માની એની પ્રદક્ષિણા કરવાનું કહેલું. એક માન્યતા પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાને શ્રાપ મુક્તિ માટે ગિરનારની પરિક્રમા કરેલી. પુરાતનકાળમાં ગિરનારની પરિક્રમાના યાત્રિકો દેવ દિવાળીના રોજ ભવનાથ તળેટી ખાતે રાતે રોકાતા હતા. બીજા દિવસે ઝીણા બાવાની મઢી, સરકડિયા હનુમાન, સૂરજકુંડ, પાટનાથ થઈ માળવેલા પહોંચી રાતવાસો કરતા હતા. ત્રીજા દિવસે સવારે શ્રવણવડ, વાસંતીનાગ હેમાજળિયા કુંડ થઇ બોરદેવી માતાજીની જગ્યામાં રાત રોકાઈને ચોથે દિવસે બોરદેવીથી ભવનાથ પહોંચી પરિક્રમા પૂરી કરતા.
જ્યારે અર્વાચીનકાળમાં યાત્રિકો કારતક સુદ અગિયારસના દિવસે ભવનાથ ખાતે દર્શન કરી અડધી રાતે યાત્રા શરૂ કરતા. ઝીણા બાવાની મઢીએ પહોંચી રાત રોકાય છે. બીજા દિવસે સરકડિયા હનુમાન, સૂરજકુંડ થઈ માળવેલાની જગ્યામાં પહોંચીને રાતવાસો કરે છે અથવા તો ઝીણા બાવાની મઢીથી માળવેલાની ઘોડી ચઢી સીધા માળવેલાની જગ્યાએ પહોંચે છે. ત્રીજા દિવસે શ્રવણવડ, વાસંતીનાગ, નળપાણીની જગ્યામાં થઇ બોરદેવી ખાતે રાત રોકાય છે. ચોથે દિવસે દૂધવન ખોડિયાર ઘોડી ચઢી ભવનાથ તળેટીમાં પરિક્રમા પૂર્ણ કરે છે. મધ્ય યુગમાં લાંબા ગાળા સુધી પરિક્રમા બંધ રહેલી, એ કાળમાં સોમનાથ પર અનેક આક્રમણો થયાં હતાં અને જૂનાગઢ-સોમનાથ તરફ જવાના મુખ્ય માર્ગમાં જૂનાગઢ આવતું હોવાના કારણે પરિક્રમા બંધ થઈ ગઈ હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!