ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ મુદ્દે ફરી આંદોલનના એંધાણ!
ગુજરાતમાં દાયકાઓથી ચાલતી ફિક્સ પગાર પદ્ધતિ નાબૂદ કરવા કર્મચારીઓનું અલ્ટીમેટમ

કર્મચારીઓના આંદોલનને વિપક્ષના નેતાઓએ સમર્થન કરી સરકાર પર દબાણ લાવવા કર્યો પ્રયાસ

કર્મચારીઓના આંદોલનને વિપક્ષના નેતાઓએ સમર્થન કરી સરકાર પર દબાણ લાવવા કર્યો પ્રયાસ
ગુજરાતમાં ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માગણી સાથે કર્મચારીઓએ બે દિવસથી સોશિયલ મીડિયામાં આંદોલન શરૂ કર્યુ છે. કર્મચારીઓના આંદોલનને વિપક્ષના નેતાઓએ સમર્થન જાહેર કરતાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. #remove_fixpay_in_gujarat સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું છે. જો કે, આંદોલન શરૂ થવા પાછળનું કારણ શું છે અને શા માટે અચાનક મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે તે અંગે ચર્ચા શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફિક્સ પગારના 3.80 લાખ તેમજ કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ મળી 10.80 લાખ કર્મચારી છે.
ગુજરાતમાં ફિક્સ પગારનો મુદ્દો ઘણા વર્ષોથી ચર્ચામાં છે. અનેક રજૂઆત આંદોલન થયા, પણ હજુ સુધી તેનો ઉકેલ ઝાંઝવાના જળ જેવો છે. સમયાંતરે ફિક્સ-પે સ્કેલ વધારીને ફિક્સ પગારના કર્મચારીઓને સરકાર ખુશ કરવાનો પ્રયત્ન કરે છે. કરાર આધારીત અને ફિક્સ-પેથી ભરતી નાબૂદીની વિચારણાં પણ ચાલી રહી છે.
દર બજેટમાં તેના માટે અલગથી ફાળવણીની પણ વાત થાય છે. હજુ સુધી ફિક્સ-પેના કર્મચારીઓ માટે સોનાનો સૂરજ ઉગ્યો નથી. કર્મચારી મહામંડળે ફિક્સ પગારમાં વિસંગતતાઓ અંગે અનેક રજૂઆત કરી ત્યારે રાજ્ય સરકારને હવે આ નીતિ કરકસરના નામે પસંદ આવી ગઈ છે. ફિક્સ પગાર નાબૂદી અંગે સરકાર વિચારી શકતી હોય તો તેની અમલવારીમાં શું અડચણ છે.
રાજ્ય કર્મચારી મહામંડળે ફિક્સ પગારથી કર્મચારીઓનું શોષણ, વર્ગ-3 ના કર્મચારીઓને નજીવા પગારમાં નુકસાન તેમજ ફિક્સ પગારનો સમયગાળો કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ હોવાની મુખ્યમંત્રી અને મુખ્ય સચિવને અનેક વખત રજૂઆત કરી છે. ફિક્સ-પેના કર્મચારીઓ અન્ય સમકક્ષ જગ્યાએ જોડાય તો હાલના લાભ જોડાતા નથી. વર્ગ-1 અને વર્ગ-2ના કર્મચારીનો અજમાયશી બે વર્ષ જયારે વર્ગ-3 માં 1 વર્ષનો સમય છે. વર્ગ-3ના ફિક્સ પગારદારોનો અજમાયશી સમય 5 વર્ષનો છે.
કર્મચારીઓનું શોષણ
લાંબા સમયથી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ કામ કરતા કર્મચારીઓ અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે. તેમને કાયમી કર્મચારીઓની સરખામણીમાં ઓછો પગાર, ઓછા ભથ્થાં અને નોકરીની અસુરક્ષાનો સામનો કરવો પડે છે. આ પ્રથાથી કર્મચારીઓનું આર્થિક અને સામાજિક શોષણ થતું હોવાના આરોપ છે.
વિપક્ષ આ મુદ્દાને ઉઠાવીને કર્મચારીઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે. સરકારી ભરતી, પેપર લીક કાંડ અને બેરોજગારી જેવા મુદ્દાઓ યુવાનો અને નોકરીવાંચ્છુઓમાં પહેલેથી રોષ છે. ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથા તેમના અસંતોષમાં વધારો કરે છે. વિપક્ષે રોષને વાચા આપી સરકાર વિરુદ્ધ માહોલ બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
વિપક્ષના નેતાઓએ સમર્થન જાહેર કર્યુ
કોંગ્રેસ, આપ સહિતના વિપક્ષના નેતાઓએ ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને સમર્થન જાહેર કરીને સોશિયલ મીડિયામાં અભિયાન હાથ ધર્યુ છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણી, સાંસદ ગેનીબેન ઠાકોર, બીટીપી નેતા છોટુ વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ફિક્સ પગાર નાબૂદ કરોના ટ્રેન્ડમાં જોડાઈને સરકારને દબાણમાં લાવવા પ્રયાસ કર્યો છે.
તાજેતરમાં રાજ્યના વિવિધ સરકારી વિભાગોમાં કામ કરતા ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓએ પણ આ મુદ્દે આંદોલન કરવાની ચીમકી આપી છે. કર્મચારીઓના સંગઠનોએ સરકારને માગણીઓ સંતોષવા અલ્ટીમેટમ પણ આપ્યું છે.
ચોમાસુ સત્ર સમયે વિપક્ષ આ મુદ્દાને ગૃહમાં ઉઠાવીને સરકાર પર દબાણ લાવવા અને જનતાનું ધ્યાન ખેંચવા માંગે છે. તેથી વિપક્ષે ફિક્સ પગાર નાબૂદીના મુદ્દાને સોશિયલ મીડિયામાં ઉઠાવી સત્ર પહેલાં દબાણ ઊભું કરવાનો પ્રયાસ શરૂ થયો છે.
ફિક્સ પગાર, આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા એ લાંબા સમયથી ચાલતો સંવેદનશીલ મુદ્દો છે. હજારો યુવાનો સરકારી અને અર્ધસરકારી વિભાગોમાં કામ કરી રહ્યા છે. કાયમી નોકરીની આશામાં તેઓ ઓછા વેતનમાં અને અસુરક્ષિત વાતાવરણમાં કામ કરવા મજબૂર છે. ડિસેમ્બર-2025માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.
વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી
ગુજરાતમાં વર્ષ 1998-1999માં ફિક્સ પગારની નીતિ અમલમાં આવી. જે તે સમયે રાજ્ય સરકારનો હેતુ કરકસરનો હતો. 1998-1999માં પ્રાથમિક શિક્ષકોની ભરતીથી ફિક્સ પગારની નીતિ શરૂ થઈ હતી. ફિક્સ પગારની નીતિ તબક્કાવાર રાજ્ય સરકારના વિભાગોમાં દાખલ થઈ. વર્ષ 2000 થી 2004 સુધીમાં જુદા-જુદા વિભાગોમાં આ નીતિ લાગુ કરવામાં આવી. વર્ષ 2006થી વર્ગ-3 અને 4 ના કર્મચારીઓની નિમણૂંક ફિક્સ પગારથી કરવામાં આવે છે.
ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા એટલે શું?
રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી ભરતી કરવાની પ્રથા અમલમાં છે. ફિક્સ પગાર પ્રથા એટલે કર્મચારીની ભરતી રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવે છે અને અમુક ચોક્કસ સમયગાળા પછી તેમને કાયમી કરાય છે. કોન્ટ્રાક્ટ પ્રથા એટલે કે ખાલી જગ્યા પર 11 મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવે છે. આઉટસોર્સિંગ એટલે કોઈ એજન્સી મારફતે રાજ્ય સરકારને જરૂરી માનવ બળ પૂરું પાડવામાં આવે છે. ત્રણ પદ્ધતિથી સરકાર અત્યારે ભરતી કરી રહી છે.
ફિક્સ પગારદારોનો અજમાયશી સમયગાળો સૌથી વધુ ગુજરાતમાં..
એક અભ્યાસ મુજબ ફિક્સ પગારદારોનો અજમાયશી સમયગાળો સૌથી વધુ ગુજરાતમાં છે. ગુજરાતમાં 5 વર્ષ સુધી ફિક્સ પગારદારોને અજમાયશી રાખવામાં આવે છે. દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબમાં 3 વર્ષ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા, ઓડિશા, કર્ણાટક, તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, દિલ્હી, આસામ, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મણીપુર, અરૂણાચલપ્રદેશ, સિક્કિમ, જમ્મુ-કશ્મીર, પોંડિચેરી અને લદ્દાખમાં 2 વર્ષ, ગોવા, મેઘાલય અને ચંદીગઢમાં 1 થી 2 વર્ષ તેમજ પશ્ચિમ બંગાળમાં 1 વર્ષનો સમયગાળો છે. જ્યારે કેરલમાં હજુ સુધી ફિક્સ પગાર પદ્ધતિ અમલમાં નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!