ખેડૂતો આનંદો: માવઠાંથી થયેલાં નુકસાનનો સરવે કરાશે
માવઠાથી અસરગ્રસ્ત 239 તાલુકામાં નુકસાન અંગે 7 દિવસમાં સરવે કરાવવા રાજ્ય સરકારનો આદેશ

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડેલા માવઠાથી થયેલું ખેતીને નુકસાન

રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં પડેલા માવઠાથી થયેલું ખેતીને નુકસાન
રાજ્યમાં તાજેતરમાં પડી રહેલા માવઠાના કારણે તૈયાર થયેલા ખરીફ પાકને નુકસાન થતાં ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં માવઠાથી થયેલા નુકસાનનો સરવે કરાવવા નિર્ણય કરાયો છે. જેના પગલે 33 જિલ્લાના 239 તાલુકામાં નુકસાન અંગે સરવે કરીને 7 દિવસમાં રાજ્ય સરકારને અહેવાલ કરવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકનું બ્રિફિંગ આપતાં જણાવ્યું કે, રાજ્યમાં અંદાજે 10 લાખ હેકટરથી વધુ વિસ્તારમાં કૃષિ પાકને નુકસાન થયાનું પ્રાથમિક અનુમાન છે. ડાંગર અને જુવારના પાકને સૌથી વધુ નુકસાન થયુ છે. કપાસ, સોયાબીન, ડાંગર, શેરડી સહિત અન્ય કૃષિ પાકોના ઉત્પાદનને નુકશાન થયું છે. સરકાર દ્વારા કૃષિ પાકના નુકસાનની સહાય માટે એડવાઇઝરી નોટ સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે.
રાજ્ય સરકારે અધિકારીઓને 7 દિવસમાં કૃષિ નુકસાનનો સરવે પૂર્ણ કરવાના આદેશ આપ્યા છે. આ સરવે ટેકનોલોજીના માધ્યમથી કરાશે. કૃષિ એપની સાથે ફિઝિકલ સર્વે પણ જરૂર હોય ત્યાં કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચ કેબિનેટ મંત્રીઓની એક સમિતિ બનાવીને તેમને અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન કરવા મોકલ્યા હતા. સમિતિએ મૂલ્યાંકન કરીને કેબિનેટ બેઠકમાં વિગતવાર બ્રીફિંગ રજૂ કર્યુ હતું.
જેમાં પ્રાથમિક અનુમાન મુજબ માવઠાથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતીલાયક જમીનને નુકસાન થયું છે. સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાપી, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને સુરતનો સમાવેશ થાય છે. સોયાબીન, કપાસ, શેરડી અને મગફળી જેવા મુખ્ય પાકોને નોંધપાત્ર નુકસાન થયું છે. સરકાર સંપૂર્ણ જમીની આકારણી પછી વ્યાપક પગલાં લેશે અને ટૂંક સમયમાં પેકેજની જાહેરાત કરવામાં આવશે.
પાક નુકશાની સરવેનો રિપોર્ટ આવ્યા બાદ સહાય જાહેર કરાશે. કેબિનેટ બેઠકમાં પાક નુકસાની અંગે અને સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. NDRF અને SDRF ના ધોરણો ઉપરાંતના વિશેષ રાહત પેકેજ અંગે પણ સરકારે વિચારણા કરી છે.
ટેકનોલોજીના ઉપયોગથી સરવેના આદેશ
રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનીનો સરવે શરૂ કરવા જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી છે. સરવેની કામગીરી સંદર્ભિત ઠરાવોની જોગવાઈઓ મુજબ શરૂ કરવાની રહેશે. જેમાં અસરગ્રસ્ત વિસ્તારોના તમામ સરવે નંબરોમાં ડિજિટલ સર્વે દિન-20માં પૂર્ણ કરાવવાનો રહેશે. ખેતી નિયામક સેટેલાઈટ ઈમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારનો પ્રાથમિક રિપોર્ટ મેળવીને દિન-12માં જિલ્લા કક્ષાએ મોકલી આપશે. સર્વેયર ટીમો દ્વારા દરેક સર્વે કરેલા અસરગ્રસ્ત સરવે નંબરના ફોટા જિઓ ટેગીંગ સાથે 'કૃષિ પ્રગતિ' મોબાઈલ એપ્લીકેશન પર અપલોડ કરવાના રહેશે. 'કૃષિ પ્રગતિ' એપ દ્વારા ખેડૂતો પોતે પણ નુકસાનની વિગતો અપલોડ કરી શકે છે. જેનો બહોળો પ્રચાર-પ્રસાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ સર્વેની કામગીરી માટે VCE અથવા CCC+ પાસ યુવાનોની મદદ લેવા માટે જોગવાઈ કરવામાં આવી છે.
દિવાળીના દિવસે 947 કરોડનું પેકેજ જાહેર કરાયું હતું
20 ઓક્ટોબર 2025ના રોજ રાજ્ય સરકારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પડેલા વરસાદને લઈ 5 જિલ્લાના 18 તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. જેના માટે SDRFની જોગવાઈ મુજબ 563 કરોડ અને રાજ્ય સરકાર દ્વારા 384 કરોડની વધારાની સહાય ઉમેરી 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. ઓગસ્ટ અને સપ્ટેમ્બર-2025માં થયેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવનાર છે.
જેમાં જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લામાં પાક નુકસાનીના અહેવાલો મળતાં જિલ્લા વહીવટીતંત્ર તરફથી 5 જિલ્લાના 18 તાલુકાનાં 800 ગામમાં સરવે કરી પાક નુકસાનીના અહેવાલો મોકલ્યા હતા. ખરીફ ઋતુમાં વાવેતર કરેલા દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન થયું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!