BLO કામગીરીના ભારથી શિક્ષણકાર્ય ખોરંભે ચડ્યું
મતદાર યાદી સુધારણા માટે શિક્ષકોને 90 દિવસ સુધી SIR કામગીરી સોંપાતા શિક્ષણ અસરગ્રસ્ત

BLO કામગીરીમાં શિક્ષકોની વ્યસ્તતા

BLO કામગીરીમાં શિક્ષકોની વ્યસ્તતા
ગુજરાતમાં ચાલી રહેલી મતદાર યાદી સઘન સુધારણાની કામગીરી દરમિયાન શિક્ષકોને BLO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પરંતુ આ કામગીરી શિક્ષણ પ્રણાલીને ગંભીર અસર પહોંચાડી રહી છે. રાજ્યમાં બીજું શૈક્ષણિક સત્ર કુલ 144 દિવસનું હોવા છતાં, શિક્ષકોને 90 દિવસ સુધી BLOની કામગીરીમાં જોડવામાં આવ્યા છે.
શૈક્ષિક મહાસંઘના દાવા મુજબ, BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો જો સમયસર હાજરી આપે નહીં તો તેમની સામે ધરપકડના વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યા છે. જેના કારણે શિક્ષકો શિક્ષણ કાર્ય છોડી મતદાર યાદીની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે.
શિક્ષકોને 1000 થી 1500 મતદારો ફાળવાયા :
દરેક શિક્ષકને 1000 થી 1500 મતદારો ફાળવવામાં આવ્યા છે. BLOને ઘર-ઘર જઈ ફોર્મ આપવું, સમજાવવું, ભરાવવું અને સ્કેન કરીને અપલોડ કરવું પડે છે. ઘણાં કિસ્સામાં એક જ ઘરે ચાર-ચાર વખત જવું પડે છે. ફોર્મમાં ભૂલો સુધારવા અને નાગરિકોની વિગતો શોધવાની જવાબદારી પણ શિક્ષકોએ જ ઉઠાવવાની હોય છે.
આટલી જવાબદારીને કારણે શિક્ષણકાર્ય ખોરંભે ચડી ગયું છે. વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે અને શાળાઓમાં વર્ગો ભેગા કરીને પાઠ ભણાવવામાં આવી રહ્યા છે.
શાળાઓમાં શિક્ષકોની અછતથી શિક્ષણ પર અસર :
ઘણી શાળાઓમાં BLO કામગીરી માટે મોટાભાગના શિક્ષકો ગ્રાઉન્ડ પર જતા રહે છે. જેના કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓના શિક્ષણમાં વિલંબ થઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતો હોવાની પણ માહિતી મળી છે.
શિક્ષણકાર્ય માટેના 144 દિવસમાંથી 90 દિવસ શિક્ષકો ચૂંટણી કામગીરીમાં લગાડાતા હવે પ્રશ્ન એ છે કે વિદ્યાર્થીઓ પોતાના કોર્સ પૂરા કેવી રીતે કરશે?
શિક્ષકો સામે ધરપકડના વોરંટથી રોષ :
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રવક્તા રાકેશ ઠાકરે જણાવ્યું છે કે BLO તરીકે શિક્ષકો નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે છતાં કેટલીક જગ્યાએ ધરપકડના વોરંટ બહાર પાડવામાં આવ્યા છે. સરકારને શિક્ષકોના સ્વમાનનો વિચાર કરીને આ મુદ્દે યોગ્ય નિર્ણય લેવા માગ કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે BLO કામગીરીમાં ફોટા, ડોક્યુમેન્ટ અને ફોર્મ ચકાસણીની જવાબદારી પણ શિક્ષકોની છે, છતાં તેમને ઓનલાઈન કામગીરી માટે જરૂરી સાધનો કે ઇન્ટરનેટ સુવિધા આપવામાં આવી નથી. શિક્ષકો પોતાનો મોબાઇલ ઉપયોગ કરીને કાર્ય કરે છે છતાં નોટિસ આપવામાં આવે છે, જે અયોગ્ય છે.
15 નવેમ્બરે શૈક્ષિક મહાસંઘ રાજ્યના તમામ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી અધિકારીઓને આવેદનપત્ર આપશે અને શિક્ષકો પરનો અસંમત ભાર હટાવવાની માંગ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?