ગુજરાતમાં RTO તંત્રની આડોડાઈથી દિવ્યાંગજનો પરેશાન!
વિકલાંગ વાહનોના રજિસ્ટ્રેશનમાં ‘CLASS OF VEHICLE’ ખોટું કરાતાં વીમા કવરથી રહે છે વંચિત
ઓલ ઈન્ડિયા હેન્ડીકેપ એસોસિએશને CM સહિત તંત્રને રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય
ઓલ ઈન્ડિયા હેન્ડીકેપ એસોસિએશને CM સહિત તંત્રને રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય
ગુજરાતમાં આરટીઓ તંત્રની આડોડાઈના કારણે અનેક દિવ્યાંગ વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. વિકલાંગ વાહનોના રજિસ્ટ્રેશનમાં ‘CLASS OF VEHICLE’ ખોટું દાખલ કરવામાં આવતાં વીમા કવરથી વંચિત રહે છે. જ્યારે દિવ્યાંગના 250 કિલોગ્રામ સુધીના વાહન ઉપર ટેક્સ મુક્તિ હોવા છતાં પણ ટેક્સ વસૂલવામાં આવી રહ્યો છે. આ બાબતે ઓલ ઈન્ડિયા હેન્ડીકેપ એસોસિએશને મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને સંબંધિત અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.
ઓલ ઈન્ડિયા હેન્ડીકેપ એસોસિએશનના પ્રમુખ સમીર કક્કડે બેનિફિટ ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું કે, વર્ષ 2025માં રજિસ્ટર થયેલાં વિકલાંગ વાહનોમાં ‘CLASS OF VEHICLE’ ખોટું દાખલ કરવામાં આવી રહ્યું છે. તેના કારણે અકસ્માત થાય તો દિવ્યાંગજનોને વીમા કવર મળતું નથી. જ્યારે પોલીસનો કાયદેસર ગુનો બને છે. અમે આ બાબતે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આરટીઓ તંત્ર ધ્યાને લેતું નથી.
તેમણે ઉમેર્યુ કે, અત્યાર સુધીમાં દિવ્યાંગજનોના 500 જેટલાં વાહનોના રજિસ્ટ્રેશન ‘CLASS OF VEHICLE’ ખોટી રીતે દાખલ થઈ ગયા છે. દરેક દિવ્યાંગજન સુધી અમે પહોંચી શકતાં નથી. પરંતુ જેની રજૂઆત મળે તેમને મદદ કરીએ છીએ.
કક્કડે વધુમાં જણાવ્યું કે, અમે દિવ્યાંગજનો પાસેથી ગેરકાયદે વસૂલાતા ટેક્સ બાબતે પણ રજૂઆતો કરી છે. સરકારના જાહેરનામા મુજબ પોતાના નામે તથા પોતાના ઉપયોગ માટે 250 કિલોગ્રામ સુધીના વાહન પર દિવ્યાંગજનને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં ગુજરાતની આરટીઓ કચેરી ટેક્સની વસૂલાત કરી રહી છે.
દિવ્યાંગજનોના વાહનોના નિયમોમાં વિસંગતતાના કારણે કેટલાક વાહન ડીલરો વેચાણ નહી કરીને દિવ્યાંગજનો સાથે ભેદભાવ રાખી રહ્યા છે. દિવ્યાંગજનને વાહન વેચાણ કરવાની પરવાનગી નહી હોવાનું તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે. તેના કારણે અનેક દિવ્યાંગજનો વાહનની સુવિધાથી વંચિત રહે છે. તેથી તેઓને એક સ્થળેથી બીજા સ્થળે જવામાં અનેક તકલીફોનો સામનો કરવો પડે છે.
રોષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, આ તમામ બાબતો અંગે છેલ્લાં એક વર્ષ દરમિયાન અમે અનેક વખત વાહન વ્યવહાર કમિશનર, મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને રજૂઆતો કરવા છતાં હજુ સુધી નિરાકરણ આવ્યુ નથી. દિવ્યાંગજનોને પડી રહેલી તકલીફો અંગે તાત્કાલિક નિરાકરણ આવે તેવી અમારી માંગ છે. જેથી આરટીઓ તંત્રની બેદરકારીના કારણે દિવ્યાંગ વાહનચાલકોનું ભવિષ્ય જોખમાય નહીં.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.