બોટાદની બબાલઃ AAPના નેતાઓ સહિત 85 લોકો સામે ફરિયાદ
કડદા પ્રથાના વિરોધમાં ત્રણ દિવસથી બંધ બોટાદ માર્કેટયાર્ડમાં ફરી હરાજી શરૂ, ખેડૂતોમાં રોષ

હડદડ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ, પોલીસ પર થયો હતો હુમલો

હડદડ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અજંપાભરી શાંતિ, પોલીસ પર થયો હતો હુમલો
બોટાદ માર્કેટયાર્ડમાં કડદા પ્રથાના વિરોધમાં શરૂ થયેલું આંદોલન રવિવારે મોટી બબાલમાં પરિણમ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા હડદડ ગામમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયુ હતું. પોલીસ ઉપર પથ્થરમારો કરાતાં ડીવાયએસપી સહિત પાંચ પોલીસ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના મામલે પોલીસે આમ આદમી પાર્ટીના નેતા પ્રવિણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધી છે.
બોટાદ માર્કેટયાર્ડમાં કપાસની ખરીદી વખતે વેપારીઓ દ્વારા કરાતી કડદા પ્રથા મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. આ વિરોધમાં આમ આદમી પાર્ટીએ ઝુકાવતાં છેલ્લાં ચાર દિવસથી આંદોલન શરૂ થયુ હતું. બે દિવસ અગાઉ બોટાદ માર્કેટયાર્ડમાં વિરોધ કરી રહેલાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે આમ આદમી પાર્ટીએ ખેડૂત મહાપંચાયત કરવાનો નિર્ણય કર્યો હતો.
બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયતમાં ભાગ લેવા જતાં આમ આદમી પાર્ટીના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી. જેના કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. પોલીસે મહાપંચાયત રોકવાની કોશિશ કરતાં ખેડૂતો રોષ ભરાયા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતાં મામલો વણસ્યો હતો. તેથી પોલીસને ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી.
પોલીસ પર પથ્થરમારો થતાં બોટાદ DySP મહર્ષિ રાવલ, LCB PI એ. જી. સોલંકી સહિત પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી છે. પથ્થરમારાની ઘટના બાદ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રવિણ રામ, રાજુ કરપડા સહિત 85 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને ગેરકાયદે મંડળીનો આરોપ લગાવાયો છે. આ કેસમાં અનેક લોકોની ધરપકડ થાય તેવી શક્યતા છે.
હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે. હડદડ ગામે પરિસ્થિતિ સામાન્ય છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાતા હડદડ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું તેમા મોટાભાગના ગામ બહારના લોકો હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. સ્થાનિક આગેવાને જણાવ્યું કે, પોલીસે ગામના કેટલાક નિર્દોષ લોકોને માર મારીને પકડ્યા છે તે વ્યાજબી નથી. નિર્દોષ લોકોને પકડયા છે તેને છોડવા તેમણે માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 250 જેટલા લોકોની ધરપકડ કરી છે. તેમને પાણી કે જમવાનું નથી અપાયું. નિમ્ન કક્ષાની રાજનીતિથી લોકોમાં રોષ છે. પોલીસને કહેવા માગું છું કે ભાજપના ઈશારે ક્યાં સુધી ચાલશો. હજારો પોલીસ કર્મચારી ગામડે ગામડે ગોઠવી દીધા છે. હિંસા કોઈ પણ જગ્યા પર છે તે સ્વીકાર્ય નથી. વેપારીઓને વિનંતી કે કૌભાંડ થાય તો જાણ કરે અમે નંબર જાહેર કરીશું. આજે અમે આ ઘટનાને લઈને કાળી પટ્ટી બાંધી કાળો દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. ખેડૂતો પર ગોળીબાર, ટીયરગેસ છોડશો એ નહિ ચાલે.
હડદડ ગામે સ્થિતિ વણસ્યા બાદ પોલીસે રૂટિન ચેકીંગ હાથ ધર્યું હતું. ખેડૂત મહાપંચાયતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણને પગલે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા હડદડ ગામે પહોંચ્યા હતા.
હડદડ ગામની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત વિરોધી કાળો દિવસ મનાવાયો છે. કાળી પટ્ટી ધારણ કરી આમ આદમી પાર્ટીના નેતાઓ, આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મગફળીના ટેકાના ભાવે 300 મણથી વધારે ખરીદવી તેમજ પાછોતરા વરસાદથી કપાસ મગફળીના પાકને થયેલા નુકશાનીનું સરવે કરી યોગ્ય વળતર ચૂકવવા રજૂઆત કરી છે.
બોટાદ કોટન યાર્ડમાં કપાસની આવક ફરીથી શરૂ થઈ છે. અચોક્કસ મુદતની કરાયેલી હડતાળ બાદ હરાજી શરૂ રાખવાની જાહેરાત થતાં ખેડૂતો કપાસ લઈ માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. વેપારીઓ, કમિશન એજન્ટો દ્વારા કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી. શાંતિપૂર્ણ માહોલમાં હરાજી થાય તેને લઈ ગેટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!