ભુજના માધાપરમાં 40 બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર
છાશ પીવાના કારણે બાળકોને થઈ ઝેરી અસર,મધરાતે દોડધામ

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Bhuj: કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના માધાપર ગામમાં બટુક ભોજનના કાર્યક્રમ બાદ 30થી વધુ બાળકોની તબિયત બગડતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. માધાપરના ઐશ્વર્યાનગર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 3થી 13 વર્ષના બાળકોને ઊલટી અને અન્ય તકલીફો શરૂ થતાં મધરાતે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.
મળતી માહિતી મુજબ, બટુક ભોજન દરમિયાન બાળકોને દાળ-ભાત, સેવ-બુંદી અને છાશ પીરસવામાં આવ્યા હતા. ભોજન લીધાના થોડા સમય બાદ અનેક બાળકોને ઊલટી, બેચેની અને પેટ સંબંધિત તકલીફો શરૂ થઈ હતી. એક પછી એક બાળકોની તબિયત બગડતાં પરિવારજનોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
મધરાતે હોસ્પિટલમાં ખસેડાયા બાળકો
બાળકોની તબિયત અચાનક બગડતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. મધરાત સુધીમાં 30 થી વધુ બાળકો સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે.ડોક્ટરો દ્વારા બાળકોને જરૂરી સારવાર અને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર નજર રાખી હતી.
બહારથી મંગાવેલા દહીંના કારણે આખી ઘટના ઘટી
પ્રાપ્ત વિગતો અનુસાર, બટુકભોજનના રસોડામાં છાશ બનાવવા માટે મોટી માત્રામાં દહીં બહારથી (બજાર કે ડેરીમાંથી) લાવવામાં આવ્યું હતું. વાતાવરણમાં અતિશય ગરમી અને ભેજના કારણે ક્યાં તો આ દહીં લાંબો સમય ફ્રિજ વગર બહાર ખુલ્લું રહ્યું હતું અથવા તે પહેલેથી જ વાસી હતું. આ દહીંમાંથી બનાવેલી છાશ જેવી જ બાળકોને પીરસવામાં આવી, તેના થોડા જ સમયમાં એક પછી એક બાળકોને પેટમાં સખત દુખાવો, ચક્કર આવવા અને સામૂહિક ઉલ્ટી-ઝાડાની ભયાનક અસરો શરૂ થઈ ગઈ હતી. એકસાથે આટલા બધા બાળકોની તબિયત બગડતાં જ મંદિરમાં હાજર આયોજકો અને વાલીઓના હોશ ઊડી ગયા હતા.
છાશને લઈને પ્રાથમિક શંકા
પ્રાથમિક માહિતી અનુસાર, ભોજનમાં પીરસાયેલી છાશના કારણે બાળકોની તબિયત બગડી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે ફૂડ પોઈઝનિંગનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે સ્પષ્ટ થયું નથી.આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના નમૂનાઓ એકત્ર કરવાની અને તેની તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લેબોરેટરી રિપોર્ટ બાદ જ બાળકોની તબિયત બગડવાનું ચોક્કસ કારણ જાણી શકાશે.
આરોગ્ય વિભાગની ટીમ મેદાનમાં
ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં ડોર-ટુ-ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓ ઘેરઘેર જઈને અન્ય કોઈ વ્યક્તિને સમાન લક્ષણો જોવા મળ્યા છે કે નહીં તેની માહિતી મેળવી રહ્યા છે.અધિકારીઓ દ્વારા બાળકોના પરિવારજનોને પણ જરૂરી તકેદારી રાખવા અને કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે.
જી.કે. જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર શરૂ
ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિકોએ ખાનગી વાહનો અને એમ્બ્યુલન્સ મારફતે તમામ 40 બાળકોને તાત્કાલિક ભુજની સરકારી જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતોની ટીમે પરિસ્થિતિ સંભાળીને તાત્કાલિક ઇમરજન્સી સારવાર શરૂ કરી દીધી હતી. સદનસીબે, સમયસર તબીબી સારવાર મળી જતાં તમામ બાળકોની સ્થિતિ હાલ પૂરતી સ્થિર અને જોખમથી બહાર હોવાનું હોસ્પિટલના સત્તાધીશોએ જણાવ્યું છે. બીજી તરફ, આરોગ્ય વિભાગ અને ફૂડ ઇન્સ્પેક્ટરોની ટીમ પણ સેમ્પલિંગની પ્રક્રિયા માટે સક્રિય થઈ છે.
હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર
હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા મુજબ સારવાર હેઠળ રહેલા તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે અને કોઈ બાળક ગંભીર સ્થિતિમાં નથી. સમયસર સારવાર મળી જતાં મોટી મુશ્કેલી ટળી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.આ ઘટનાએ ફરી એકવાર સામૂહિક ભોજન કાર્યક્રમોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે સવાલો ઊભા કર્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને રિપોર્ટ આવ્યા બાદ જરૂરી પગલાં લેવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી