વડનગરના હાટકેશ્વર મંદિરમાં વહીવટદારની નિમણૂક
હાટકેશ્વર મહાદેવ મંદિરમાં જૂના ટ્રસ્ટીઓને કાઢી વહીવટદાર નિમાયા, રાત્રે 2 વાગે કબજો લીધો

AI જનરેટેડ

AI જનરેટેડ
હાટકેશ્વર મંદિર વિવાદમાં મોટો વળાંક
મહેસાણા જિલ્લાના વડનગર સ્થિત ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટને લઈને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં નવો વળાંક આવ્યો છે. જોઈન્ટ ચેરિટી કમિશનરે હાલના ટ્રસ્ટીઓની માન્યતા પર પ્રશ્ન ઉઠાવી તેમને તાત્કાલિક અસરથી હટાવવાનો આદેશ આપ્યો છે અને મંદિરના વહીવટ માટે વહીવટદારની નિમણૂક કરી છે.
મધરાતે પોલીસ સાથે તંત્ર પહોંચ્યું
આદેશના અમલ માટે ચેરિટી કમિશનર કચેરીના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે મોડી રાત્રે મંદિર પહોંચ્યા હતા. મોડી રાત્રે અંદાજે 2 વાગ્યે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન હાલના કહેવાતા ટ્રસ્ટીઓએ ઓફિસ અને અન્ય રૂમોને તાળા મારી દીધા હતાં. તેમ છતાં અધિકારીઓએ કાયદાકીય પ્રક્રિયા અનુસાર મંદિરના વહીવટનો કબજો સંભાળી લીધો હતો.
ગેરરીતિના આક્ષેપોથી મામલો કોર્ટ સુધી પહોંચ્યો
મંદિરના મુખ્ય પૂજારી અને વાંધેદાર જયંતભાઈ કે. પંડ્યાના જણાવ્યા મુજબ, વર્ષોથી કેટલાક લોકો ગેરબંધારણીય રીતે ટ્રસ્ટી બનીને વહીવટ ચલાવી રહ્યા હતા. આ મામલે નાગર સમાજના સભ્યોએ પણ ગેરવહીવટ અંગે રજૂઆત કરી હતી. ત્યારબાદ સમગ્ર વિવાદ ચેરિટી કમિશનરની કોર્ટ સુધી પહોંચ્યો હતો. ચેરિટી કમિશનરની કોર્ટમાં નાગરો પૈકીના સુભાષભાઈ ભટ્ટ, નીલકંઠભાઈ ધોળકિયા, જયેશભાઈ મહેતા અને ચેતનાબેન બુચ દ્વારા વહીવટમાં ગેરરીતિ અંગે અરજી કરવામાં આવી હતી. આ અપીલને માન્ય રાખીને જોઈન્ટ ચેરિટી કમિશનરે ગેરકાયદે ટ્રસ્ટીઓને નાબૂદ કરવા અને વહીવટદાર નીમવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અદાલતે સ્વીકાર્યું છે કે હાલના ટ્રસ્ટીઓ બંધારણ મુજબ આવ્યા નથી.
કોર્ટના નિર્ણયથી ટ્રસ્ટીઓની સત્તા સમાપ્ત
જોઈન્ટ ચેરિટી કમિશનરે અરજદારોની રજૂઆતોને માન્ય રાખીને હાલના ટ્રસ્ટીઓને કાયદેસર ન ગણાવી વહીવટદારની નિમણૂક કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટના અવલોકન મુજબ હાલના ટ્રસ્ટીઓની નિમણૂક બંધારણીય પ્રક્રિયા મુજબ થઈ નહોતી.
1993થી રેકોર્ડ પર ટ્રસ્ટી નહીં હોવાનો દાવો
કાનૂની પક્ષ રજૂ કરતા એડવોકેટ જય પંડ્યાએ જણાવ્યું હતું કે હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટમાં વર્ષ 1993થી કાયદેસર રીતે કોઈ ટ્રસ્ટી નોંધાયેલા નહોતા. અગાઉ ફેરફારની અરજીઓના આધારે કેટલાક લોકોએ વહીવટની સત્તા મેળવી લીધી હતી. પરંતુ હવે ચેરિટી કમિશનરના આદેશ બાદ તે વ્યવસ્થાનો અંત આવ્યો છે.
મોડી રાત્રે શરૂ થઈ કાર્યવાહી
12 જૂન, 2026ની સાંજે તાત્કાલિક અસરથી મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના નિરીક્ષકને વહીવટદાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ આદેશના અમલ માટે મોડી રાત્રે 2 વાગ્યે પોલીસ સુરક્ષા સાથે ટીમ મંદિર પહોંચી હતી. જો કે કહેવાતા ટ્રસ્ટીઓએ ચાવીઓ ન આપતાં સરકારી કામગીરીમાં અડચણ ઊભી થઈ હતી.
30 જેટલા પક્ષકારો આ કેસમાં સામેલ
પાટણના નાયબ ચેરિટી કમિશનર અને મહેસાણાના ઇન્ચાર્જ વી. એન. વસાવાએ જણાવ્યું હતું કે, વર્ષ 1993 પછીથી ટ્રસ્ટના સત્તાવાર રેકોર્ડમાં કોઈ કાયદેસર ટ્રસ્ટી નોંધાયેલા નહોતા. આ વિવાદમાં બેંક મેનેજરો સહિત લગભગ 30 પક્ષકારો સામેલ છે.
ટ્રસ્ટીઓને હાજર રહેવા સૂચના
અધિકારીઓએ હુકમની નકલ સંબંધિત વ્યક્તિઓના નિવાસસ્થાને પહોંચીને ચોંટાડી હતી. આ ઉપરાંત તમામ સંબંધિત ટ્રસ્ટીઓને 15 જૂનના રોજ ટ્રસ્ટ ઓફિસે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે જેથી આગળની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી શકાય.
છ મહિનામાં નવી ચૂંટણી યોજાશે
ચેરિટી વિભાગના જણાવ્યા મુજબ આગામી છ મહિનામાં નિયમો અનુસાર નવી ચૂંટણી યોજી કાયદેસર ટ્રસ્ટી મંડળની રચના કરવામાં આવશે. ત્યાં સુધી ચેરિટી કમિશનર કચેરીના અધિકારીઓ અને નિરીક્ષકો પોલીસ બંદોબસ્ત સાથે મંદિરના વહીવટની જવાબદારી સંભાળશે.
જૂના ટ્રસ્ટીઓ કોર્ટમાં પડકાર ફેંકી શકે
બીજી તરફ હાલના ટ્રસ્ટીઓ આ નિર્ણય સામે કાનૂની લડત લડવાની તૈયારીમાં હોવાનું માનવામાં આવે છે. જેના કારણે આગામી દિવસોમાં હાટકેશ્વર મંદિરનો મામલો ગરમાય તેવી શક્યતા છે.
હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઈતિહાસ
ઐતિહાસિક શહેર વડનગરમાં આવેલું હાટકેશ્વર મહાદેવ મંદિર સમસ્ત નાગર બ્રાહ્મણ સમાજના મુખ્ય આરાધ્ય દેવ છે. આશરે 2 હજાર વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ પૌરાણિક મંદિર તેની ભવ્ય સ્થાપત્યકળા અને ધાર્મિક મહત્વ માટે જાણીતું છે. આ મંદિરનો ઉલ્લેખ સ્કંદપુરાણના નાગરખંડમાં કરવામાં આવ્યો છે. પૌરાણિક કથા અનુસાર, બ્રહ્માજીએ ભગવાન શિવના લિંગની પાતાળમાં સુવર્ણજડિત સ્થાપના કરી હતી. ઇતિહાસકારો અને લોકવાયકા મુજબ, આ મંદિરનું નિર્માણ રાજા બાબુરાવે પોતાના પિતા અર્જુનની યાદમાં કરાવ્યું હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતના ઇતિહાસમાં તેને સલ્તનત કાળ સાથે પણ જોડવામાં આવે છે. આ મંદિર મારુ ગુર્જર સ્થાપત્ય શૈલીનું ઉત્તમ અને અદભુત ઉદાહરણ છે. મંદિરના પથ્થરો પર અતિસૂક્ષ્મ કોતરણી કરવામાં આવી છે. મંડોવર, મંડપ અને શૃંગાર ચોકીઓની વેદિકા પર નવગ્રહો, દેવ-દેવીઓ તેમજ રામાયણ અને મહાભારતના જીવન પ્રસંગો શિલ્પિત કરવામાં આવ્યા છે. અહીં આવેલું શિવલિંગ સ્વયંભૂ (પ્રાકૃતિક) માનવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી