આનંદો..2026 સુધીમાં 14 હજાર પોલીસકર્મીની ભરતી થશે!
PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થશે, હાઇકોર્ટે પોલીસ ભરતી કેલેન્ડર માગ

ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાતમાં આગામી વર્ષ 2025-26માં 14 હજાર પોલીસકર્મીઓની ભરતી કરાશે. હાલમાં પ્રથમ ફેઝમાં 11 હજાર કરતાં વધુ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જ્યારે 25,660 પૈકી બાકીની ખાલી 14,283 જગ્યાઓ ઉપર બીજા ફેઈઝમાં ભરતીની જાહેરાત કરીને સપ્ટેમ્બર-2026માં પૂર્ણ કરવામાં આવશે તેમ સરકારી વકીલે ગુજરાત હાઈકોર્ટની સુનાવણી દરમિયાન જણાવ્યું છે. આ અંગે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ યોજાશે.
સરકારી વકીલે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં પાંચ પોલીસ ટ્રેનિંગ સેન્ટર છે અને બે નવા બની રહ્યા છે. તેની 2500ની કેપેસિટી છે. જેમાં વધુ 500ની ક્ષમતાનો ઉમેરો થશે. નિર્માણાધિન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતાં. હાઇકોર્ટે સરકારને પોલીસ બેડામાં સીધી ભરતીનું દર વર્ષે નિયમિત કેલેન્ડર બહાર પાડવા સૂચન કર્યું હતું. અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે રાજ્યમાં પોલીસ બેડામાં 25,660 જેટલી ખાલી જગ્યાઓ ઉપર સીધી કરવામાં આવશે. જે પૈકી પહેલા ફેઝમાં 11 હજાર કરતાં વધુ પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તેની શારીરિક કસોટી પૂર્ણ થઈ છે. આ જગ્યાઓ માટે 10 લાખ ઉમેદવાર નોંધાયા હતા. જ્યારે 25,660 પૈકી બાકીની ખાલી જગ્યાઓ 14,283 ઉપર બીજા ફેઝની ભરતીની જાહેરાત અને ભરતી સપ્ટેમ્બર, 2026 માં પૂર્ણ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી છે. સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે વર્તમાન પોલીસ ભરતી ફેઝ 01 સીધી ભરતી પ્રક્રિયામાં PSI ભરતીની 50 હજાર જવાબવહી તપાસવામાં આવી રહી છે. જેનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર મહિનામાં જાહેર થશે. હાઇકોર્ટે સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદ્દા અલગ અલગ ભરતી કરવાની જગ્યાએ એક સાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે.
આગામી સમયમાં કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની ભરતીમાં આ પ્રકારે પરીક્ષા યોજાઈ શકે છે. જેલ સિપાહી માટે કેટલીક લાયકાત અલગ હોય છે. પરંતુ પરીક્ષામાં પ્રેફરન્સ આપીને કોમન ભરતી યોજી શકાય તેમ છે. આગામી સમયમાં બીજા ફેઝની ભરતી પ્રક્રિયા શરૂ કરવા જાહેરાત બહાર પાડવામાં આવશે. કોર્ટ મિત્રે કહ્યું હતું કે વર્તમાન ભરતી પ્રક્રિયામાં PSI અને કોન્સ્ટેબલની ભરતી સાથે કરવામાં આવી હતી. જેમાં કોન્સ્ટેબલનું સિલેક્ટ લિસ્ટ ઓક્ટોબર-2025માં બહાર પાડ્યું છે. જ્યારે PSIનું સિલેક્ટ લિસ્ટ નવેમ્બર 2025માં બહાર પાડવામાં આવશે.
કોર્ટે કહ્યું હતું કે, પહેલા ઊંચી પોસ્ટનું પરિણામ બહાર પાડો પછી નીચી પોસ્ટનું બહાર પાડો. કારણ કે નીચી પોસ્ટમાં સિલેક્ટ થયા બાદ ઉમેદવાર ઊંચી પોસ્ટમાં સિલેક્ટ થાય તો નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી પડે છે. પહેલા જ ઊંચી પોસ્ટમાં સિલેક્ટ ન થયાનું ખબર પડે તો આજના જમાનામાં રોજગારી બધાને જોઈતી હોવાથી તેઓ નોકરી જતી કરતા નથી. વર્તમાન ભરતીમાં કોન્સ્ટેબલની 10 હજાર અને PSIની 485 જગ્યાઓ છે.
હાઇકોર્ટની સુનાવણી દરમિયાન પોલીસ વિભાગમાં શરૂઆતમાં પ્રમોશનલ ભરતીમાં 10 હજાર જગ્યાઓ ખાલી હતી. પરંતુ હાઈકોર્ટના નિર્દેશોથી પ્રમોશનલ ભરતી પ્રક્રિયા ઝડપી કરાતા 10 ઓક્ટોબરે 1297 પ્રમોશનલ જગ્યા ખાલી રહી છે. છેલ્લા 90 દિવસમાં 3168 જગ્યાઓ પ્રમોશનથી ભરાઈ છે. પોલીસ વિભાગમાં ભરતી વર્ષ ફેબ્રુઆરી મહિનાથી શરૂ થાય છે. અત્યારે વર્ષ 2024-25 ની ભરતી ચાલી રહી છે. હાઇકોર્ટે વર્ષ 2025-26નું પોલીસ ભરતી કેલેન્ડર માંગ્યું હતું.
ગત સુનાવણીમાં સરકારી વકીલે હાઇકોર્ટને જણાવ્યું હતું કે, PSI બિનહથિયારી અને કોન્સ્ટેબલની શારીરિક કસોટી પૂર્ણ થઈ ચૂકી છે. તેના પરિણામ અનુક્રમે ફેબ્રુઆરી અને માર્ચમાં જાહેર થયા હતા. PSI પેપર 02 લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી છે. આ પરીક્ષા એપ્રિલમાં લેવામાં આવી હતી. જેમાં 50 હજાર ઉમેદવારોની જવાબવહી તપાસવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ લિસ્ટ નવેમ્બરમાં જાહેર કરાશે. પેપર ચેકીંગમાં મોડું થઈ રહ્યું છે, તેનું કારણ તજજ્ઞો જલ્દી મળતા નથી. ફેઈઝ-01 સમાપ્ત થતા ફેઈઝ 02 કોન્સ્ટેબલની સીધી ભરતીની જાહેરાત થશે. પ્રમોશનલ ભરતીમાં એક વર્ષ પહેલા 7725 જગ્યાઓ ખાલી હતી. જેમાં પ્રમોશનથી 6589 પોસ્ટ ભરાઈ ચૂકી છે. જ્યારે બાકી 36 પોસ્ટ ખાલી છે અને બિન હથિયારી PSIની 313 પ્રમોશનલ પોસ્ટ માટે 26 જૂને જાહેરાત બહાર પાડવામાં આવી છે.
હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે, સમયસર કેલેન્ડર ભરતી પ્રક્રિયા હાથ ધરાય તો જગ્યાઓ ખાલી ન રહે અને પ્રમોશન માટે યોગ્ય ઉમેદવારો મળી રહે. કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે આ અરજીથી પોલીસ ભરતી બોર્ડ બન્યું અને તેને કાયમી સભ્યો પણ મળ્યા છે. સરકારી વકીલે કહ્યું હતું કે પોલીસમાં સર્વિસ સંબંધી કેસો ટાળવા પણ કોર્ટ મિત્ર સાથે ચર્ચા કરીને કેટલાક નિયમોમાં ફેરફારની શક્યતાઓ ચકાસવામાં આવી રહી છે. બિન હથિયારી PSI, રિઝર્વ હથિયારી પોલીસ કર્મચારીઓ અને ઇન્ટેલિજન્સ ઓફિસર પ્રમોશનલ પોસ્ટ ખાલી છે.
અગાઉની સુનાવણી સમયે સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે પોલીસ બેડામાં ફેઝ 01 ની 11,373 જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં PSIની ફિઝિકલ ટેસ્ટનું પરિણામ 17 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યું હતું. કોન્સ્ટેબલની ભરતીમાં ફિઝિકલ ટેસ્ટનું 12 માર્ચે પરિણામ જાહેર થયું છે. જેની લેખિત પરીક્ષા 15 જૂને છે. PSI ની પરીક્ષામાં 30 એપ્રિલના રોજ પરિણામ જાહેર થયું હતું. હવે તેની ભરતી સબજેક્ટીવ પરીક્ષાના લેવલ ઉપર છે.
વર્તમાનમાં બહાર પડાયેલી 11 હજાર પોલીસ કર્મચારીઓની ભરતીમાં PSIની માત્ર 475 જગ્યા છે, તો તેની ભરતી માટે કોન્સ્ટેબલ જેટલો લાંબો સમય લેવો જોઈએ નહિ. જેથી હાઇકોર્ટે સરકાર પાસે દરેક કેડર માટે વિગતવાર પોસ્ટ મુજબ તારીખ કે સ્ટેજ પ્રમાણે ભરતી કેલેન્ડર માંગ્યું હતું. જેમાં ભરતીના સમય અને સ્ટેજની ચોક્કસ ખબર પડે. અગાઉ પોલિસ વિભાગમાં છેલ્લા એક મહિનામાં 1029 પોસ્ટ પ્રમોશનથી ભરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્તમાનમાં મોટી સંખ્યામાં ખુલ્લી ભરતી થઈ રહી છે. હાઇકોર્ટે અગાઉ નવા સ્ટેટ લેવલ ટ્રેનિંગ સેન્ટર બનાવવા સૂચન કર્યુ હતું. રાજ્યમાં પાંચ ટ્રેનિંગ સેન્ટર ઉપરાંત છઠ્ઠું ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. તે જાન્યુઆરી 2026 માં બની જતાં 2500 જવાનોને ટ્રેનિંગ આપી શકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!