આણંદના ગામડી ગામમાં 60 વર્ષ જૂની પીવાના પાણીની ઓવરહેડ ટાંકી જર્જરીત થતા હવે ગમે તે સમયે ધરાશાયી થઈ શકે છે.ત્યારે જો અચાનક આ જર્જરીત ટાંકી ધરાશાયી થાય તો જાનહાનિ થવાની ભીતિને લઈને સ્થાનિક લોકો દ્વારા જર્જરીત ટાંકી ઉતારી લેવાની માગ કરવામાં આવી રહી છે.
ઓવરહેડ ટાંકીની ઉપર જવાનો દાદર પણ તૂટી ગયો :
તમને જણાવી દઈએ કે આણંદના ગામડી ગામમાં પ્રજાપતિ વાસ નજીક ગ્રામ પંચાયત દ્વારા 60 વર્ષ પૂર્વે બનાવેલી પીવાના પાણીની 25,000 લીટરની ક્ષમતા ધરાવતી ઓવરહેડ ટાંકી જર્જરીત થઈ ગઈ છે.જેના કારણે ઓવરહેડ ટાંકી ધરાશાયી થાય તો દુર્ઘટના સર્જાવાની ભીતિ રહેલી છે.ઓવરહેડ ટાંકીના પીલ્લરો ખવાઈ ગયા છે અને પ્લાસ્ટર પણ ઉખડી જતા લોખંડના સળિયા બહાર દેખાઈ રહ્યા છે.ઓવરહેડ ટાંકીની ઉપર જવાનો દાદર પણ તૂટી ગયો છે અને ટાંકીમાં ઠેર ઠેર તિરાડો પણ પડી ગઈ છે.જેના કારણે ટાંકી ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે.
ટાંકીની આસપાસ છે રહેણાંક વિસ્તાર :
જર્જરીત ઓવરહેડ ટાંકીની બાજુમાં શોપિંગ સેન્ટરની દુકાનો અને નજીકમાં પ્રજાપતિ વાસ અને તળપદા વાસ આવેલા છે.જો ઓવરહેડ ટાંકી ધરાશાયી થાય તો નજીકના રહેણાંક વિસ્તાર અને દુકાનો પર પડે તો મોટી જાનહાનિ સર્જાવાની ભીતિ રહેલી છે.જેથી સ્થાનિક રહિશો દ્વારા જર્જરીત ઓવરહેડ ટાંકી તાત્કાલિક ઉતારી લેવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.