રાજકોટમાં ભાજપનો જૂથવાદ ડામવા અમિત શાહની બેઠક
લિલુબેન જાદવ અને રામ મોકરિયાના વિવાદ બાદ ગૃહમંત્રીએ કમાન સંભાળી
રાજકોટમાં જૂથવાદને ડામવાના પ્રયત્ન
રાજકોટમાં જૂથવાદને ડામવાના પ્રયત્ન
રાજકોટમાં ભાજપનો આંતરિક વિખવાદ ફરી ચરમસીમાએ પહોંચતો જોવા મળ્યો. જેને પગલે અમિત શાહે કમાન સંભાળી, મનપા ચૂંટણી પહેલા જૂથવાદ ડામવા બેઠકો શરુ કરી.
ગૃહમંત્રી અમિત શાહની રાજકોટની એક દિવસીય મુલાકાત સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બની છે. ચૂંટણી પહેલા ભાજપના આંતરિક જૂથવાદે જે રીતે માથું ઊંચક્યું છે, તેને જોતાં ખુદ ગૃહમંત્રીએ આ મામલો થાળે પાડવા માટે કમાન સંભાળી હોય તેમ લાગી રહ્યું છે. શાહે રાજકોટના સર્કિટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, શહેર અને જિલ્લા સંગઠનના આગેવાનો અને માર્કેટિંગ યાર્ડ સહિતના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ આંતરિક વિખવાદને ડામીને પક્ષમાં એકતા સ્થાપિત કરવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તાજેતરમાં બનેલી બે મુખ્ય ઘટનાઓએ આ જૂથવાદને સપાટી પર લાવી દીધો હતો, જેના કારણે કેન્દ્રીય નેતૃત્વએ સીધી દરમિયાનગીરી કરવી પડી છે.
શાસક પક્ષના નેતા લીલુબેન જાદવનો ભાવુક વિસ્ફોટ
આંતરિક વિખવાદની શરૂઆત રાજકોટના પુનિતનગર વિસ્તારમાં યોજાયેલા એક કાર્યક્રમથી થઈ હતી, જ્યાં મહાનગરપાલિકાના વોર્ડ ઓફિસ અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ ખુબ જ ભાવુક થઈ ગયા હતા. જાહેરમાં મંચ પરથી જ તેમણે લાગણીસભર અવાજે કહ્યું હતું કે, "મારી છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મને બદનામ કરવામાં આવી રહી છે." તેમના આ નિવેદને સૌને ચોંકાવી દીધા હતા અને પક્ષમાં અંદરોઅંદર બધુ બરાબર ન હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. લીલુબેન જાદવે મીનાબેન આચાર્ય સાથે મળીને ગૃહમંત્રી અમિત શાહને પત્ર પણ લખ્યો હતો અને અંગત રીતે મળવા માટે સમય માંગ્યો હતો. તેમણે સ્પષ્ટપણે આક્ષેપ કર્યો હતો કે, "અમારા ચોક્કસ લોકો જ અમને બદનામ કરી રહ્યાં છે." આ નિવેદન પક્ષના આંતરિક વર્તુળોમાં ભારે હડકંપ મચાવી ગયો હતો, કારણ કે સીધા પોતાના જ પક્ષના નેતાઓ પર બદનામીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાએ રાજકોટના સ્થાનિક રાજકારણમાં ભંગાણના સંકેતો આપ્યા હતા.
રામ મોકરિયાની પોસ્ટથી વિવાદનો વંટોળ
લીલુબેન જાદવના ભાવુક નિવેદન પહેલા પણ રાજકોટ ભાજપમાં વિવાદનો વંટોળ સર્જાયો હતો. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર કેટલીક પોસ્ટ કરી હતી જેના કારણે અનેક તર્ક-વિતર્ક સામે આવ્યા હતા. તેમણે લખ્યું હતું કે, "હાલાતો સે હારને વાલા મત સમજના, આજ હવા તેરી હૈ કલ તુફાન હમારા હોગા." એટલું જ નહીં, તેમણે "હાથી ચલે બાઝાર કુત્તે ભોંકતે હજાર" જેવી આક્રમક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટ્સમાં ભલે કોઈનું નામ નહોતું લીધું, પરંતુ તેનો ઇશારો રાજકોટના સ્થાનિક રાજકારણ તરફ જ હોવાનું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. મોકરિયાએ દિલ્હીથી અન્ય સાંસદો સાથેના ફોટો પણ પોસ્ટ કર્યા હતા, જે એક રીતે શક્તિ પ્રદર્શન સમાન ગણવામાં આવ્યું હતું. તેમની આ પોસ્ટ બાદ રાજકોટ ભાજપમાં હડકંપ મચી ગયો હતો અને આંતરિક જૂથવાદ વકર્યો હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો હતો.
શાહની સીધી દરમિયાનગીરીનું મહત્વ
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પક્ષમાં વકરી રહેલા આ જૂથવાદને તાત્કાલિક ડામી દેવો ભાજપ માટે અનિવાર્ય બન્યો છે. લિલુબેન જાદવ અને રામ મોકરિયા જેવા અગ્રણી નેતાઓના ખુલ્લા વિરોધથી પક્ષની છબીને નુકસાન પહોંચી રહ્યું હતું. આથી, કેન્દ્રીય નેતૃત્વએ આ મામલે ગંભીરતાથી નોંધ લીધી અને ખુદ ગૃહમંત્રીએ રાજકોટ આવીને બેઠક યોજી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ આંતરિક વિખવાદને કઈ રીતે શાંત કરવો, નેતાઓ વચ્ચેના મનભેદ અને મતભેદને દૂર કરી એકતા સ્થાપિત કરવી, અને આગામી ચૂંટણીઓમાં એક થઈને કેવી રીતે કામ કરવું તે અંગે ચર્ચા કરવાનો હતો.
ભાજપ હાઈકમાન્ડ જાણે છે કે જો સમયસર આ જૂથવાદને નિયંત્રણમાં નહીં લેવાય તો આગામી ચૂંટણીમાં તેના પરિણામો ભોગવવા પડી શકે છે. અમિત શાહની આ મુલાકાત એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે પક્ષમાં કોઈ પણ પ્રકારની વ્યક્તિગત જૂથબંધી ચલાવી લેવામાં નહીં આવે અને પાર્ટીની શિસ્તને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે ગૃહમંત્રીની બેઠક બાદ રાજકોટ ભાજપમાં ચાલી રહેલો વિખવાદ કેટલો અંકુશમાં આવે છે અને આગામી દિવસોમાં પક્ષ એકજૂથ થઈને કાર્ય કરી શકે છે કે કેમ. આ ઘટનાઓ પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે સ્થાનિક સ્તરે જૂથવાદ એ ભાજપ માટે એક મોટો પડકાર બની રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?