અમદાવાદ: તાલીમ અને તકોથી વંચિત મહિલાઓ
બાંધકામ ક્ષેત્રે વધતું ઓટોમેશન, ઘટતી મહિલા કામદારોની સંખ્યા

મહિલા કામદારો

મહિલા કામદારો
'આજીવિકા બ્યૂરો' અને 'વર્ક ફેર એન્ડ ફ્રી' દ્વારા અમદાવદામાં એક સહભાગી કાર્ય સંશોધન કરવામાં આવ્યું છે. બાંધકામ ઉદ્યોગ ભારતના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. બાંધકામ ક્ષેત્રે વધતા ઑટોમેશનના કારણે મહિલા કામદારોને મળતી રોજગારીની તકો સતત ઘટતી જોવા મળી રહી છે. ઓટોમેશન અને ઔદ્યોગિકરણના જેવા પરિવર્તનોને કારણે મહિલા કામદારોના જીવન પર પડતી અસરો વિશે વધુ વિગતે જાણીએ આ અહેવાલમાં...
કૃષિ ક્ષેત્ર પછી બાંધકામ ક્ષેત્ર એ રાષ્ટ્રનું બીજું સૌથી વધુ રોજગાર આપનારું ક્ષેત્ર છે. ભારત રોજગાર એહવાલ, 2024 મુજબ બાંધકામ ઉદ્યોગનો જીડીપીમાં 9 ટકા જેટલો ફાળો આપે છે. 70.60 લાખ મહિલાઓ સહિત 6.80 કરોડ કામદારોને રોજગારી પૂરું પાડે છે. બાંધકામ ક્ષેત્રમાં મહિલા કામદારોએ કામદાર બળનો અભિન્ન હિસ્સો છે. જ્યારે મહિલાઓને મળતું ઓછું વેતન, અનિશ્ચિત ભૂમિકાઓ અને મહિલાઓને ઓછું આંકી સામાજિક- લિંગ અસમાનતમાં થતો વધારો એ સમાજની મુખ્ય સમસ્યા છે
આજીવિકા બ્યૂરો અમદાવાદ અને વર્ક ફેર એન્ડ ફ્રી બેંગલોર દ્વારા સંયુક્ત રીતે એક સંશોધન કરવામાં આવ્યું છે. અભ્યાસ મહિલા કામદારોને રોજગારી મેળવવામાં પડતી મુશ્કેલીઓ, તેમની ખતમ થતી પરંપરાગત ભૂમિકાઓ અને તક અને તાલીમથી તેમને વંચિત રાખી સામાજિક લિંગ અંતરમાં વધારો થવા બાબતની છે. અભ્યાસમાં ઓટોમેશન અને ઔદ્યોગિકરણન જેવા અન્ય કારણોથી મહિલા કામદારોની રોજગારી પર ઊંડો અસર જોવા મળ્યો છે.ડિસેમ્બર 2023 થી ફેબ્રુઆરી 2025 સુધી 13 લોકોની ટીમે અમદાવાદ અને ગાંધીનગરના બાંધકામ કરતા એકમો પર આધારિત અભ્યાસ કરવામાં આવ્યો છે.
મહિલા કામદારોની રોજગારીમા ઘટાડાના મુખ્ય તારણોવર્ષ 2010 ના દશકથી અમદાવાદમાં ઓટોમેશન અને ઔધ્યોગિક બાંધકામનું પ્રમાણ વધ્યું છે અને કોવિડ-19 પછી પ્રીકાસ્ટ બાંધકામમાં તેજી આવી છે. પ્રીફેબ અને મોડ્યુલર બાંધકામ, BIM, ડ્રોન અને IoT ઉપકરણો લોકપ્રિય થઈ રહ્યા છે, જ્યારે રોબોટિક્સ, 3ડી પ્રિન્ટિંગ, ડિજિટલ ટ્વિન્સ અને AI પર હજુ પણ પ્રયોગો થઈ રહ્યા છે. આ બદલાવ બિલ્ડિંગ બાંધકામ અને માળખાગત પ્રોજેક્ટસમાં એકસરખા નથી, પરંતુ તેનાથી સાઈટ પર શ્રમની માંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
મહિલા કામદારોનું વિસ્થાપન - ઊંચી ઈમારતો અને મૂડી-પ્રધાન પ્રોજેક્ટ્સ, દૂરના પુરુષ સ્થળાંતરિત કામદારો પર ઘણા વધુ નિર્ભર થઈ રહ્યા છે, જેનાથી આદિવાસી ભીલ અને મહિલા કામદારો ઉપેક્ષિત થઈ રહ્યા છે, જેમણે ઐતિહાસિક રીતે આ ઉદ્યોગને ટકાવી રાખ્યો છે. મહિલા કામદારો—જે મુખ્યત્વે આદિવાસી/અનુસૂચિત જનજાતિ સમુદાયોમાંથી આવતી સ્થળાંતરિત કામદારો છે—તેઓ આવક અને આજીવિકા સુરક્ષામાં અત્યંત અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે. તકનીકી પરિવર્તન, જેમ કે નવું ફોર્મવર્ક, પ્રીકાસ્ટ અને સાઈટની બહારનું બાંધકામ, શ્રમ-આધારિત પ્રક્રિયાઓને ઘટાડે છે અને મહિલા કામદારોને અસમાન રીતે પ્રભાવિત કરે છે.
મશીનોના વધતા ઉપયોગ (ક્રેન, હોઈસ્ટ, પંપ)થી લોડિંગ/અનલોડિંગ અને ઈંટો, રેતી, સિમેન્ટ લઈ જવા-લાવવાનાં કામોમાં રોકાયેલી મહિલાઓની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. કોંક્રિટ ઉત્પાદનમાં ઑટોમેશન (બેચિંગ પ્લાન્ટ અને ટ્રાન્ઝિટ મિક્સર) આવવાથી, બાંધકામ સ્થળ ઉપર કોંક્રિટનું મિશ્રણ કરવાના અને તેને લાવવા-લઈ જવાની “સહાયક” ભૂમિકાઓમાં 80 ટકાનો ઘટાડો થયો છે, જે ભૂમિકા મુખ્યત્વે મહિલા કામદારો દ્વારા નિભાવવામાં આવે છે. ફોર્મવર્કમાં નવી શોધ (એલ્યુમિનિયમ/મિવાન, સ્ટીલ, મિશ્રિત રચનાઓ)ને કારણે ચણતર તથા પ્લાસ્ટરમાં સહાયરૂપ થવાનું સ્લેબ ચક્ર 20થી ઘટીને 8 દિવસનું થયું તેના કારણે સાઈટ પર કામ કરતા શ્રમિકોમાં 40-50 ટકાનો ઘટાડો થયો; તેમાં મહિલાઓની ભાગીદારી ઘટી; આ કામ ખાસ એજન્સીઓને આપવામાં આવે છે, જેઓ તેમના પોતાના પ્રશિક્ષિત પુરુષ-કામદારો પૂરા પાડે છે.
માટીની ઈંટોને બદલે AAC બ્લૉક્સ ચલણમાં આવવાથી પારિવારિક શ્રમ તરીકે ઈંટો ઢાળવી, લાવવી-લઈ જવી, સૂકવવી અને ભઠ્ઠીઓમાં ઈંધણ ભરવાનાં કામને બદલે, શહેરના બહારના વિસ્તારોમાં યાંત્રિક બ્લૉક ફેક્ટરીઓમાં કામ થવા લાગ્યું છે. તેમાં બહુ ઓછી મહિલાઓ કામ કરે છે, અને તેમને ઓછું વેતન આપીને, લોડિંગ અને સફાઈ જેવાં કામો સુધી જ સીમિત રાખવામાં આવે છે. પ્રીકાસ્ટ ટેકનિક અપનાવવાના કારણે, ચણતર તથા પ્લાસ્ટરમાં સહાયક સાઈટ પર કામ કરતાં મહિલા-કામદારોની સંખ્યામાં 80 ટકાનો ઘટાડો થયો છે. હવે ચણતર અને પ્લાસ્ટર જેવાં વધુ મહેનતવાળાં કાર્યો નાબૂદ થયાં, જ્યાં મહિલાઓને સામાન્ય રીતે “સહાયક” તરીકે રાખવામાં આવતી હતી. મહિલાઓને સાઈટની બહારની ફેક્ટરીઓમાં સફાઈની ભૂમિકા સુધી સીમિત રાખવામાં આવી રહી છે.
કુશળ અને ઉભરતી ભૂમિકાઓમાંથી મહિલાઓને બહાર રાખવામાં આવે છે. વર્ષોના અનુભવથી મેળવેલું જ્ઞાન હોવા છતાં, મહિલાઓને “કુશળ” અથવા “જોખમી” ગણાતી ભૂમિકાઓમાંથી વ્યવસ્થિત રીતે બહાર રાખવામાં આવે છે. મશીન ચલાવવાનું કામ અને નવી ટેકનોલૉજીની તાલીમ, પુરુષો માટે આરક્ષિત છે, જેનાથી કામમાં થતા ભેદભાવને બળ મળે છે. મહિલા કામદારો ઓછા વેતનવાળી, બીજા દરજ્જાની ભૂમિકાઓ સુધી સીમિત રહે છે, જેમાં તેમની કોઈ પ્રગતિ થતી નથી.
મહિલાઓને સુપરવાઈઝરો અને ઠેકેદારો દ્વારા સતત 'મહિલા હોવાથી આ કામ ના કરાય' જેવા ઠપકા આપવામાં આવે છે અને તેમને નવા તકનીકી કૌશલ્યો શીખવાની તકથી વંચિત રાખવામાં આવે છે.
મહિલાઓને વેતન આપવામાં સતત અસમાનતા થતી હોય છે. મહિલાઓ તેમના જેવું જ કામ કરતા પુરુષ “સહાયકો”ની સરખામણીએ 10-20 ટકા ઓછું કમાય છે અને “કુશળ શ્રમિકો” પુરુષોની સરખામણીએ 40-50 ટકા ઓછું કમાય છે. મજૂરી સામાન્ય રીતે પુરુષ શ્રમિકને આપવામાં આવે છે, જેનાથી મહિલાઓનો શ્રમ દેખાતો નથી અને તેમને ઓછી મજૂરી મળે છે. મોટાભાગની જગ્યાએ લઘુતમ વેતનથી ઓછું વેતન આપવાના કારણે આર્થિક અસુરક્ષા રહે છે.
મહિલાઓને “બોજ” તરીકે જોવી અને કામે રાખવાની પસંદગી- પ્રક્રિયામાં ભેદભાવ રાખવામાં આવતો હોય છે. રોજગાર આપનારા અને શ્રમ ઠેકેદારો ઘણીવાર મહિલા કામદારોને બાળકોની સંભાળ અને સુરક્ષાની જવાબદારીઓને કારણે નિયમોના હિસાબે બોજ તરીકે જુએ છે. “જોડી” પ્રણાલી, પુરુષોને “કુશળ” શ્રમિક તરીકે માન્યતા આપે છે, અને મહિલાઓને “સહાયક”ની ભૂમિકામાં રાખે છે. એકલનારી અને વિધવા મહિલાઓને નિયુક્તિમાં સ્પષ્ટ ભેદભાવનો સામનો કરવો પડે છે
કાળજીનો ભાર અને સંસ્થાકીય રીતે મહિલાઓને બહાર રાખવી કારણકે મહિલાઓ રાજ્ય કે રોજગાર આપનારના સહયોગ વિના, અવેતન ઘરેલું અને કાળજી સંબંધી કાર્યોનો ભાર ઉઠાવે છે, જેનાથી તેમની ભાગીદારી મર્યાદિત થાય છે. ઠેકેદારી (કૉન્ટ્રાક્ટ) પ્રથાનાં ઘણાં સ્તરો શ્રમિકો અને મુખ્ય રોજગાર આપનાર વચ્ચેનું અંતર વધારે છે, જેનાથી વેતન, સુરક્ષા અને કલ્યાણ માટેનું ઉત્તરદાયિત્વ નબળું પડે છે. આ અદ્રશ્યતા, મહિલાઓને તેમના અધિકારો, ફરિયાદ નિવારણ અને તેમના શ્રમની માન્યતાથી પણ વંચિત કરે છે.
બાંધકામ ક્ષેત્રે મહિલાઓ માટેના જરૂરી બદલાવો....નવી ટેકનોલૉજીઓ અને કુશળ વ્યવસાયોમાં મહિલા કામદારોને તાલીમ આપવી અને તેમને તકનીકી તથા સુપરવાઈઝરની ભૂમિકાઓમાં પ્રવેશવા સક્ષમ બનાવવાં. આમ કરવાથી તેમની આવકમાં વધારો થશે અને શ્રમ-સમૂહનો વિસ્તાર થશે
મોટાભાગના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં જાહેર રીતે ભંડોળ પૂરું પાડવામાં આવે છે, તેથી સરકાર મહિલાઓના રોજગાર માટે લક્ષ્યો નિર્ધારિત કરી શકે છે અને તેનું પાલન થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરી શકે છે.
ઘોડિયાઘર, સ્વચ્છતા અને ફરિયાદ નિવારણ સાથે સામાજિક સુરક્ષા અને કામની જગ્યા સુરક્ષિત હોવાનું સુનિશ્ચિત કરવી
મહિલાઓ માટે સમાનતા અને સુરક્ષા ઉપાયો બંધારણમાં અને શ્રમ કાયદાઓમાં સમાવિષ્ટ છે. આ અધિકારોને વાસ્તવિકતામાં બદલવા અને મહિલા શ્રમ બળની ભાગીદારી વધારવા માટે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
આજીવિકા બ્યૂરો અને વર્ક ફેર એન્ડ ફ્રી દ્વારા તંત્રને અને બાંધકામ ક્ષેત્રે કામ કરતા એકમો સમક્ષ છે માંગ. જેમાં જેન્ડર રિસ્પોન્સિવ તાલીમ અને ઓન જોબ તાલીમ આપી નવી ટેક્નોલોજી સાથે મહિલાઓનું જોડાણ કરાવવું, મહિલા શ્રમિક માટે માતૃત્વતા સુરક્ષાની ગેરેંટી, કામની જગ્યાએ યોગ્ય સુરક્ષા અને યોગ્ય વેતન આપવાજેવી બાબતોનો સમાવેશ થાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!