અમદાવાદમાં ચોમાસાનો ઔપચારિક પ્રારંભ થયો નથી ત્યાં જ શહેરના રસ્તાઓ પર "ભૂવા રાજ" શરૂ થઈ ગયું છે. દરિયાપુર દરવાજા પાસે એક જ લાઈનમાં એકસાથે ત્રણ ભૂવા પડતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ડ્રેનેજ લાઇનના નબળા સમારકામ અને જમીન નીચે ચાલી રહેલા કામોની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. આ ઘટના તંત્રના પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓની પોકળતા છતી કરે છે.
એક જ લાઈનમાં ત્રણ ભૂવા...
દરિયાપુર દરવાજા જેવા વ્યસ્ત વિસ્તારમાં એક જ લાઇનમાં ત્રણ ભૂવા પડવા એ કોઈ સામાન્ય ઘટના નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, અગાઉ જે લાઈનો અને ચેમ્બરોનું કામ થયું છે, તેમાં ઘોર બેદરકારી અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. સહેજ વરસાદના ઝાપટાંમાં જ જો રસ્તાઓ આવા ભૂવા પડવા માંડે, તો ચોમાસું જામશે ત્યારે શહેરની શું હાલત થશે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ ભૂવાઓ વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ...
ભૂવા પડ્યા બાદ તંત્ર દ્વારા માત્ર બેરિકેટિંગ કરીને ભૂવાવાળી જગ્યા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કામચલાઉ સમારકામ કેટલો સમય ટકશે તે એક મોટો પ્રશ્ન છે. ડ્રેનેજ લાઇનના સમારકામમાં વારંવાર નબળી ગુણવત્તા શા માટે રાખવામાં આવે છે? શું કોન્ટ્રાક્ટરોને છૂટો દોર આપવામાં આવે છે? અને આ કામગીરી પર દેખરેખ રાખનારા અધિકારીઓની જવાબદારી શું?
આ પણ વાંચો : Ahmedabad : શાહીબાગમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોનો આબાદ બચાવ, તંત્રની બેદરકારી છતી!
પ્રી-મોન્સૂન પ્લાન માત્ર કાગળ પર?
દર વર્ષે ચોમાસા પહેલાં AMC દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવે છે. પરંતુ દરિયાપુરમાં પડેલા આ ભૂવાઓ દર્શાવે છે કે, આ પ્લાન માત્ર કાગળ પર જ રહે છે. જમીન નીચેના કામોની ગુણવત્તા જાળવવામાં જો તંત્ર નિષ્ફળ રહે, તો નાગરિકોની સુરક્ષા જોખમાય છે અને ટેક્સ પેયર્સના પૈસાનો દુર્વ્યય થાય છે. અમદાવાદમાં વરસાદની શરૂઆત સાથે જ પડેલા આ ભૂવાઓ એક ગંભીર ચેતવણી છે. તંત્રએ તાત્કાલિક અસરથી આ મામલે ગંભીરતા દાખવવી જોઈએ. માત્ર કામચલાઉ સમારકામ કરવાને બદલે, ડ્રેનેજ લાઇન અને જમીન નીચેના તમામ માળખાકીય કામોની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ થવી જોઈએ અને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ચોમાસામાં અમદાવાદની હાલત વધુ કફોડી બનશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો : Ahmedabad: વાસણા બેરેજના બે દરવાજા ખોલી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું