અમદાવાદમાં આગામી 27 જૂન, 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન થવાનું છે. આ પવિત્ર ઉત્સવની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પોલીસ વિભાગે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અને રૂટની તપાસ માટે બુલેટ માર્ચનું આયોજન કર્યું હતું. આ બુલેટ માર્ચ રથયાત્રાના સમગ્ર રૂટ પર યોજાયું, જેમાં 100થી વધુ પોલીસકર્મીઓએ ભાગ લીધો હતો.
બુલેટ માર્ચની શરૂઆત અને રૂટ
જગન્નાથ મંદિર ખાતે સેક્ટર 1ના જેસીપી અને મંદિરના મહંત દ્વારા લીલી ઝંડી બતાવીને બુલેટ માર્ચનો પ્રારંભ કરવામાં આવ્યો. આ માર્ચ રાત્રે 10:30 વાગ્યે જગન્નાથ મંદિરથી શરૂ થઈ, જમાલપુર, ખાડિયા, પાંચકુવા, કાલુપુર, સરસપુર, પ્રેમદરવાજા, દરિયાપુર, દિલ્હી ચકલા અને માણેકચોક થઈને પરત મંદિરે પહોંચી. આ રૂટ પર 100 જેટલા બુલેટ બાઈક સાથે પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ જવાનોએ પેટ્રોલિંગ કર્યું. સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને સુરક્ષાને લગતી તમામ વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી.
સુરક્ષા અને સંવેદનશીલ સ્થળોની તપાસ
ઝોન 3ના ડીસીપી વિશાખા ડબરાલે જણાવ્યું કે, રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજવા માટે પોલીસે વ્યાપક આયોજન કર્યું છે. બુલેટ પેટ્રોલિંગ દ્વારા રૂટના તમામ સંવેદનશીલ સ્થળોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી. જો કોઈ શંકાસ્પદ બાબત જણાય તો તેની તાત્કાલિક ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, રૂટ પર જરૂરી સુધારાઓ અને વધારાની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે.
કોમી એકતા માટે એકતા મેચ
રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે પોલીસ દ :8: વારા સમાજના વિવિધ વર્ગો વચ્ચે એકતા જાળવવા માટે એકતા મેચનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત અલગ-અલગ સમુદાયના લોકો વચ્ચે ભાઈચારો વધે તે માટે ક્રિકેટ મેચ રમાડવામાં આવશે. આ ઉપરાંત, રૂટ પર આવેલા 20 મહોલ્લાઓમાં મિટિંગ્સનું આયોજન કરી સ્થાનિક લોકો સાથે સંકલન સાધવામાં આવશે. આગામી દિવસોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને રિહર્સલ પણ હાથ ધરવામાં આવશે.
અમદાવાદની 148મી રથયાત્રા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પોલીસ વિભાગે સુરક્ષા અને સંકલનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બુલેટ માર્ચ, એકતા મેચ અને મહોલ્લા મિટિંગ્સ જેવા પગલાંઓથી શહેરમાં કોમી એકતા અને સુરક્ષાનું વાતાવરણ સુનિશ્ચિત કરવામાં આવશે.