અમદાવાદના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડ, ઘોડા કેમ્પ નજીક બનેલી વિમાન દુર્ઘટના હૃદય કંપાવનારી અને અત્યંત કરુણ હતી. જોકે, આ ભયાનક ઘટનામાં એક મહત્વપૂર્ણ અને સદનસીબ બાબત એ છે કે, પ્લેન ક્રેશ જ્યાં થયું ત્યાંથી શહેરની સૌથી મોટી, ૧૨૦૦ બેડની સિવિલ હોસ્પિટલ માત્ર ૫૦૦ મીટર જ દૂર હતી. જો થોડે જ દૂર પ્લેન ક્રેશ થયું હોત, તો મૃતકો અને ઘાયલોની સંખ્યા અનેકગણી વધારે હોત અને પરિસ્થિતિને કાબુમાં લેવી લગભગ અશક્ય બની જાત.
કેવી રીતે ટળી મોટી હોનારત?
અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે ૧:૩૮ વાગ્યે એર ઇન્ડિયાનું પ્લેન ટેકઓફ થયાના થોડી જ મિનિટોમાં મેઘાણીનગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક બી.જે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટેની મેસ બિલ્ડીંગ અને પીજી રેસિડેન્ટ હોસ્ટેલ બિલ્ડીંગો પાસે ક્રેશ થયું હતું. આ ઘટના જ્યાં બની, ત્યાંથી અડધો કિલોમીટરના અંતરે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલનો વિશાળકાય કેમ્પસ આવેલો છે. આ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓ હાજર હોય છે.
જો પાંચથી દસ સેકન્ડનો પણ ફેર પડ્યો હોત અને પ્લેન ૧૨૦૦ બેડની હોસ્પિટલ બિલ્ડીંગ પર પડ્યું હોત, તો વિમાનના મુસાફરો ઉપરાંત હોસ્પિટલમાં હાજર સેંકડો દર્દીઓ અને સ્ટાફના જીવ પણ જોખમમાં મુકાયા હોત. આનાથી મૃત્યુઆંક અને ઘાયલોની સંખ્યા ભયાવહ રીતે વધી જાત, અને રાહત-બચાવ કામગીરી પણ અત્યંત પડકારજનક બની જાત. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકો પણ સારવાર હેઠળ હોવાથી, પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત.
સદનસીબ સંયોગો અને બચેલા વિસ્તારો
સદનસીબે, પ્લેન ક્રેશ ૧૨૦૦ બેડ હોસ્પિટલથી ૫૦૦ મીટર દૂર થયું. આ ઉપરાંત, બપોરના સમયે જ્યારે આ ઘટના બની, ત્યારે મેસ બિલ્ડીંગ અને હોસ્ટેલ બિલ્ડીંગોમાં વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોકટરોની સંખ્યા ખૂબ જ ઓછી હતી. ઘટના બન્યાની થોડી જ મિનિટો પહેલાં, આશરે ૧ વાગ્યાની આસપાસ, મોટાભાગના વિદ્યાર્થીઓ અને રેસિડેન્ટ ડોક્ટરો હોસ્પિટલમાં પોતપોતાની ફરજ પર ચાલ્યા ગયા હતા.
પ્લેન ક્રેશ જ્યાં થયું ત્યાં આસપાસ ઘોડા કેમ્પ અને એસઆરપીએફનો ખુલ્લો વિસ્તાર હોવાને કારણે પણ મોટી જાનહાનિ ટળી હતી. જો પ્લેન ત્યાંથી થોડા જ દૂર આવેલા વધુ ભીડભાડવાળા ચમનપુરા-અસારવા વિસ્તારમાં કે નરોડા-મેમ્કો નજીકના રહેણાંક વિસ્તારોમાં પડ્યું હોત, જ્યાં ટ્રાફિક અને વસ્તી ગીચ હોય છે, તો પરિણામ વધુ વિનાશક હોઈ શકત.
ક્રેશ સાઇટ નજીકના સરકારી સંસ્થાનો
પ્લેન ક્રેશનું ચોક્કસ સ્થળ જોઈએ તો, તે મેઘાણીનગર વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ઘોડા કેમ્પ ચાર રસ્તા પાસે આવેલી રક્ષા શક્તિ યુનિવર્સિટી અને તેની નજીક આઈસીએમઆર-એનઆઈઓએચ (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ - નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓક્યુપેશનલ હેલ્થ) બિલ્ડીંગ પાસે છે. આ સમગ્ર વિસ્તાર સરકારી બિલ્ડીંગો જેવી કે રક્ષા શક્તિ યુનિવર્સિટી, એચઆરપી ક્વાર્ટર્સ-બિલ્ડીંગ, અને સિવિલ હોસ્પિટલથી ઘેરાયેલો છે. આ સંસ્થાઓથી નજીક હોવા છતાં, મોટી હોનારત ટળી તે ખરેખર રાહતની વાત છે.