અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ અંતિમ તબક્કામાં
સ્ટેશનનું મોટાભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું, તે આધુનિકતા અને સંસ્કૃતિનો સમન્વય

અમદાવાદ બુલેટ ટ્રેન

અમદાવાદ બુલેટ ટ્રેન
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી હતી અને પ્રગતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણતાને આરે છે અને તે હાલના અમદાવાદ રેલવે સ્ટેશન સાથે સંપૂર્ણપણે સંકલિત થશે. આ પ્રોજેક્ટમાં સાબરમતી સુધીના બ્રિજનો પણ સમાવેશ છે, જેની કામગીરી નોંધપાત્ર રીતે આગળ વધી છે. વધુમાં, અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 10ની બાજુમાં 3 નવા પ્લેટફોર્મ ઉમેરવામાં આવી રહ્યા છે, જે સ્ટેશનની એકંદર ક્ષમતામાં મોટો વધારો કરશે અને મુસાફરોને બહેતર સુવિધાઓ પૂરી પાડશે.
શહેરના ઉત્સવમય વાતાવરણને કરે છે પ્રતિબિંબિત
આ ભવ્ય બુલેટ ટ્રેન સ્ટેશન હાલના પશ્ચિમ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 10, 11 અને 12 ઉપર આશરે 38,000 ચો.મી.ના વિશાળ વિસ્તારમાં આકાર લઈ રહ્યું છે. આ સ્ટેશનની ડિઝાઈન અમદાવાદની ઓળખ સમા પતંગોત્સવ અને ઐતિહાસિક સ્થાપત્યમાંથી પ્રેરણા લે છે. સ્ટેશનની છત અને ફેસડે સેંકડો પતંગોના કેનવાસ જેવું દ્રશ્ય રજૂ કરે છે, જે શહેરના ઉત્સવમય વાતાવરણને પ્રતિબિંબિત કરે છે. આ ઉપરાંત, તેની છત પર સિદ્દી સૈયદની જાળીની જટિલ કોતરણીથી પ્રેરિત પેટર્ન જોવા મળે છે, જે શહેરના ઐતિહાસિક વારસાની ઝલક આપે છે અને આધુનિકતા સાથે પરંપરાનો સુમેળ સાધે છે, જેનાથી અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન એક અનોખું આકર્ષણ બની રહેશે.
આ પણ વાંચો: સાબરમતી બુલેટ ટ્રેનનું નિર્માણાધીન સ્ટેશન ભડભડ સળગી ઉઠ્યું
બુલેટ ટ્રેન સ્ટેશન મલ્ટિમોડલ કનેક્ટિવિટીનું ઉત્તમ ઉદાહરણ
મુસાફરો માટે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન મલ્ટિમોડલ કનેક્ટિવિટીનું ઉત્તમ ઉદાહરણ બનશે. તે ફૂટ ઓવર બ્રિજ દ્વારા પશ્ચિમ રેલવે સ્ટેશન સાથે જોડાશે. વધુમાં, લિફ્ટ, સીડી અને એસ્કેલેટર દ્વારા GMRCLના કાલુપુર મેટ્રો સ્ટેશન સાથે સીધું જોડાણ ધરાવશે, જે મુસાફરોને સીમલેસ ટ્રાન્ઝિટ પૂરી પાડશે. આ સ્ટેશન અમદાવાદ એરપોર્ટથી આશરે 10 કિલોમીટર અને ગીતા મંદિર સેન્ટ્રલ બસ સ્ટેન્ડથી 3.5 કિલોમીટરના અંતરે આવેલું છે. સ્ટેશનની ઊંચાઈ જમીન સ્તરથી 33.7 મીટર હશે અને તેમાં 2 પ્લેટફોર્મ હશે. આ બુલેટ ટ્રેન સ્ટેશન આધુનિક વેઇટિંગ લાઉન્જ, સ્વચ્છ રેસ્ટ રૂમ, બાળકો માટે નર્સરી, રિટેલ આઉટલેટ્સ, તેમજ કાર, બસ અને ઓટો માટે અલગ પાર્કિંગ લોટ જેવી સુવિધાઓથી સજ્જ હશે.
સ્ટેશન બિલ્ડિંગનું ટ્રેક ફ્લોર સુધીનું કામ પૂર્ણ
પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો, સ્ટેશન બિલ્ડિંગનું ટ્રેક ફ્લોર સુધીનું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં, MEP પ્રાથમિક સપોર્ટ ફિક્સિંગ સહિતના આંતરિક કાર્યો પ્રગતિમાં છે. ફેસડે મોક-અપ વર્ક અને RC ટ્રેક બેડ નાખવાનું કામ પણ ચાલી રહ્યું છે, જે પ્રોજેક્ટની ગુણવત્તાયુક્ત અને ઝડપી પ્રગતિ સૂચવે છે. અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન ભારતના હાઈ-સ્પીડ રેલ નેટવર્કમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બનવા તરફ અગ્રેસર છે, જે માત્ર પરિવહનનું કેન્દ્ર જ નહિ, પરંતુ શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિક પણ બનશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વિજયાદશમીના પર્વે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા પોલીસ દ્વારા શસ્ત્ર પૂજન કરાયું. હથિયારો, પેટ્રોલિંગ વાહનો, અશ્વ અને ડોગ સ્ક્વોડની પૂજા સાથે પોલીસ જવાનોએ નાગરિકોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!