રાજ્યમાં સુરત સહિત અમદાવાદ વરસાદી આફત જોવા મળી છે. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે હજુ તો આ સિઝનનો પ્રથમ વરસાદ છે ત્યાં જ AMCની પોલ ખુલ્લી પડી છે.શહેરમાં વરસાદ શરૂ થવાની સાથે જ અલગ અલગ વિસ્તારમાં ભૂવા પડવાની સમસ્યાઓ પણ પ્રકાશમાં આવી છે.શહેરના દરિયાપુરમાં ભૂવો પડ્યા બાદ ન્યૂ વસ્ત્રાલ વિસ્તારમાં પણ ભૂવો પડ્યો હતો.ત્યાર બાદ હવે,લો ગાર્ડન ખાતે હેપી સ્ટ્રીટના પાર્કિગ એરિયામાં ભૂવો પડ્યો છે.મનપાએ પાર્કિગ એરિયામાં બ્લોક લગાવેલા હોવા છતાં ભૂવો પડ્યો છે.જો કે આ જગ્યા પર કોઈ વાહન પાર્ક કરેલું નહોતું જેથી મોટું નુકસાન ટળ્યું છે.
AMCએ બેરિકેટિંગ કરીને સમારકામ શરૂ કર્યું :
જો કે ભૂવો પડવાની ઘટના બન્યા બાદ હાલમાં AMCએ બેરીકેટ કરીને સમારકામ શરૂ કર્યું છે.ચાલુ વર્ષમાં ચોમાસા બાદ મકરબામાં 2,પાલડીમાં 2,વસ્ત્રાલમાં 1 અને હવે લો ગાર્ડન ખાતે ભૂવો પડ્યો છે.અનેક જગ્યાએ તંત્ર આવા ભૂવા પાડીને કામને અટકાવી રાખે છે.ઘણી એવી જગ્યા પણ છે જ્યાં તંત્રની બેદરકારી જોવા મળી રહી છે.ઘણી જગ્યાએ તો તંત્રએ બેરીકેટ પણ મૂક્યા નથી.જેનાથી રાતના સમયે અકસ્માતનો ભય વધારે જોવાં મળે છે.તમને જણાવી દઈએ કે ગઈકાલે અમદાવાદના ન્યૂ વસ્ત્રાલમાં મસમોટો ભૂવો પડ્યો હતો.શ્રીજી હાઈટ્સ પાસે 15 ફૂટ પહોળો અને ઊંડો મસમોટો ભૂવો પડતા સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે.છેલ્લા 8 મહિનાથી મંથરગતિથી ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી છે પણ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. નિકોલ વિસ્તારમાં પણ અનેક જગ્યા ભૂવા જોવા મળી રહ્યા છે. નિકોલમાં ભૂવાના કારણે પડેલા ટ્રાફિકની સમસ્યા વધારે પ્રમાણમાં જોવા મળે છે.
શહેરમાં વાઈટ ટોપિંગ રોડ બનાવવાને લઈને વિવાદ :
અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા બુદ્ધિ નું દેવાળું ફુક્યું હોય તેવા નિર્ણય કરી રહ્યું છે.ચોમાસાની સીઝન ચાલુ થઈ ગઈ હોવા છતાં 167 કરોડના ખર્ચે પશ્ચિમ ઝોનમાં 3 વાઈટ ટોપીંગ રોડ બનાવવા ટેન્ડર લાવવામાં આવ્યા છે.જેને લઇને વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે મહાનગર પાલિકા નાં સત્તાધીશો દ્વારા પહેલા અગાઉ જે વાયદા કર્યા હતા કે દરેક વોર્ડમાં 2 વાઈટ ટોપીંગ રોડ બનાવવામાં આવે તે હજી પૂર્ણ થયા નથી.ચોમાસામાં સારા ડામરના રોડ આપી શકતી નથી અને વાઈટ ટોપિંગ બનાવવાના વાયદા કરી રહ્યા છે.હદ તો ત્યારે થાય છે કે એક જ કંપની શ્રીજી ઈન્ફ્રાસ્પેસને 27થી 31 ટકા ભાવ વધારા સાથે કામ આપવામાં આવ્યા છે.એટલે કે ખર્ચનો અંદાજ 129 કરોડનો છે,જેની સામે 167 કરોડ કરોડના ટેન્ડર આપવામાં આવ્યા છે.ત્યારે આ મામલે હવે વિવાદ થયો છે હવે જોવાનું રહ્યું કે ભ્રષ્ટાચારને મંજૂરી આપે છે કે પછી સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામને મંજૂર કરવામાં આવે છે.