ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા બાળકોને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ-સ્માર્ટ ઈન્ટરેક્ટિવ બોર્ડ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારોની 7408 સરકારી પ્રાથમિક શાળાઓમાં 28,012 સ્માર્ટ વર્ગખંડો શરૂ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા 8035 પ્રાથમિક શાળા, 1064 માધ્યમિક શાળા અને 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળાઓ કાર્યરત છે.
આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ આદિજાતિ વિસ્તારોની સરકારી શાળાઓમાં 28 હજારથી વધુ સ્માર્ટ વર્ગખંડ નિર્માણ પામ્યા છે. 12 લાખથી વધુ વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને 2.5 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિના લાભ આપવામાં આવ્યા છે.
આદિજાતિ વિસ્તારમાં 8035 પ્રાથમિક શાળા, 1064 માધ્યમિક શાળા અને 509 જેટલી ઉચ્ચ શૈક્ષણિક શાળા કાર્યરત છે. આ ઉપરાંત 661 આશ્રમ શાળાઓ, 75 આદર્શ નિવાસી શાળાઓ અને 71 કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલયો પણ કાર્યરત છે. આદિજાતિ વિસ્તારોમાં 11 સાયન્સ, 11 કોમર્સ અને 23 આર્ટ્સ મળીને 45 કોલેજો, 175 સરકારી છાત્રાલયો અને 920 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો શરૂ કરાયા છે.
ધો-1 થી 8માં અભ્યાસ કરતા આદિજાતિના વિદ્યાર્થીઓને શાળાના ગણવેશ ગણવેશ સહાય યોજના હેઠળ 900ની આર્થિક સહાય આપવામાં આવે છે. દર વર્ષે અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને શાળા ગણવેશ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
આ ઉપરાંત, કન્યાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વિદ્યા સાધના યોજના હેઠળ દર વર્ષે 35 હજારથી વધુ વિદ્યાર્થિનિઓને સાયકલ સહાય આપવામાં આવે છે.
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હેઠળ 102 શાળાઓ કાર્યરત :
ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) એ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ સ્થાપિત કરવામાં આવેલી એક સ્વાયત્ત સોસાયટી છે. આ સોસાયટી હેઠળ હાલમાં ચાર પ્રકારની શાળાઓ ચલાવવામાં આવે છે.
જેમાં 44 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS), 43 કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS), 12 મોડલ સ્કૂલ અને 2 સૈનિક સ્કૂલોનો સમાવેશ થાય છે. GSTES કુલ 101 શાળાઓનું સંચાલન કરે છે અને લગભગ 35 હજાર જેટલા આદિવાસી વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે.
પાંચ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ કાર્યરત :
આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓને ઘરઆંગણે મેડિકલ શિક્ષણની તક મળે તે માટે વલસાડ અને દાહોદ જિલ્લામાં મેડિકલ કોલેજો કાર્યરત છે. પ્રત્યેક કોલેજમાં વિદ્યાર્થીઓ માટે 200-200 મેડિકલ બેઠક ઉપલબ્ધ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પાંચ જિલ્લાઓને નવી સરકારી મેડિકલ કોલેજની ભેટ આપી છે. નવસારી, નર્મદા અને પંચમહાલ જેવા આદિજાતિ જિલ્લામાં પણ મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. દરેક મેડિકલ કોલેજમાં 100 બેઠક ઉપલબ્ધ છે.
પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ઉચ્ચ શહેરી શિક્ષણ કેન્દ્રોમાં આદિવાસી વિદ્યાર્થીઓની સુવિધા માટે અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, રાજકોટ, વડોદરા, હિંમતનગર, જામનગર, પાટણ અને સુરતમાં 20 સમરસ હોસ્ટેલ બનાવવામાં આવી છે. સમરસ હોસ્ટેલમાં 30 ટકા બેઠકો આદિવાસી વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવી છે.
આદિજાતિ વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. વર્ષ 2023-24માં આદિજાતિના 12,84,404 વિદ્યાર્થીઓને પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 136.93 કરોડ, જ્યારે 2,49,518 આદિજાતિ વિદ્યાર્થીઓને પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ 718.44 કરોડની શિષ્યવૃત્તિ ચૂકવવામાં આવી છે.
વિદેશ ભણવા જવા માંગતા આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે રાજ્ય સરકાર લોન સુવિધા પણ આપે છે. વર્ષ 2023-24માં અનુસૂચિત જનજાતિના 48 વિદ્યાર્થીઓને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે 641.50 લાખની લોન આપવામાં આવી છે.