ગુજરાત પ્રતિબંધિત દવાઓ અને ડ્રગ્સનું હબ બની રહ્યુ હોય તેમ એક પછી એક કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. રાજ્યમાં ઔદ્યોગિક વિસ્તારોમાં પ્રતિબંધિત દવાઓ બનાવવાનો કારોબાર શરૂ થયો છે. તાજેતરમાં કસ્ટમ વિભાગ અને ભુજ પોલીસે ટ્રેમાડોલનું આખું કન્સાઇનમેન્ટ પકડ્યુ હતું.
ભરૂચના અંકલેશ્વર પાસેની એક ફેક્ટરીમાંથી પ્રતિબંધિત ટ્રેમાડોલ દવાઓનું ઉત્પાદન થઈ રહ્યાનો પર્દાફાશ કર્યો હતો. ભરૂચ પોલીસને સાથે રાખીને હાથ ધરાયેલા ઓપરેશનમાં 31 કરોડનું રો-મટિરિયલ લિક્વિડ ફોર્મમાં મળ્યુ હતું.
આ કેસમાં બાતમીના આધારે છત્રાલની એક ફેક્ટરીમાં ટ્રેમાડોલનું ઉત્પાદન કરતાં 3 શખ્સોને એટીએસએ ઝડપી લીધા છે. 3 શખ્સો પૈકી એક શખ્સ ડ્રગ્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ હોવાનું સામે આવ્યું છે.
ગુજરાતમાં દવાની આડમાં પ્રતિબંધિત ડ્રગ્સનું ઉત્પાદન થતુ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. ભારતમાં પ્રતિબંધિત અને આતંકી પ્રવૃતિ કરનારા લોકોને અપાતી ટ્રેમાડોલ મેડિસિનના ઉત્પાદનનો એટીએસએ પર્દાફાશ કર્યો છે.
આ મેડિસિન વ્યક્તિને ઊંઘવા દેતી નથી અને તેઓ કલાકો સુધી જાગી શકે છે. ખાસ કરીને દવાનુો ઉપયોગ પેઇનકિલર તરીકે થાય છે. આ મેડિસિન હવે ડ્રગ્સમાં રૂપાંતરિત થઈ ગઈ છે. તેનું ઉત્પાદન કરીને વિદેશથી કરોડો રૂપિયા કમાવવા માટેનું રેકેટ ચાલી રહ્યુ છે.
છત્રાલની ફેક્ટરીમાંથી ઉત્પાદન કરી આફ્રિકમાં મોકલાતુ હતુ :
ભરૂચના અંકલેશ્વરની એક ફેક્ટરીમાં ટ્રેમાડોલ દવાનું રો-મટિરિયલ ભેગું કરવામાં આવતું હતુ. ત્યારબાદ એને લિકવિડ ફોર્મમાં તૈયાર કરવામાં આવતું હતું. ભરૂચથી રો-મટિરિયલ સરખેજ પાસે લાવવામાં આવતું હતું.
જ્યાં લિકવિડ ફોર્મને સૂકવવમાં આવતું હતું. સરખેજથી સૂકવેલું મટિરિયલ છત્રાલની ફેક્ટરીમાં લઈ જઈને તેની ટેબલેટ બનાવી પેકિંગ કરાતુ હતું. છત્રાલથી ટ્રેમાડોલ પેકિંગ આફ્રિકા મોકલવામાં આવતું હતુ. ટ્રેમાડોલની હેરાફેરી માટે પોર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.
એટીએસને મળેલા ઈનપુટના આધારે રેકેટનો પર્દાફાશ :
ટ્રેમાડોલ દવાનું ઉત્પાદન અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવે છે અને તેનું પેકિંગ બીજી જગ્યાએ કરાવી આફ્રિકન દેશોમાં મોકલવામાં આવે છે. ગુજરાત એટીએસે આરોપીઓની ધરપકડ કરી ઇન્ટરનેશનલ રૂટની તપાસ શરૂ કરી છે.
અગાઉ આફ્રિકન દેશમાં ટ્રેમાડોલ દવા ગઇ હોવાની શક્યતાએ અન્ય એજન્સીએ એલર્ટ બની તપાસ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે સેન્ટ્રલ એજન્સીઓને પ્રતિબંધિત વસ્તુઓ પર કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. જેના આધારે ગુજરાત એટીએસને ઇનપુટ આપવામાં આવતા હોય છે.
ભરૂચના અંકલેશ્વરના ડ્રગ્સ મામલે વધુ 2 શખ્સોની ધરપકડ :
ભરૂચના અંકલેશ્વરની ફેક્ટરીમાંથી ઝડપાયેલા ડ્રગ્સ મામલે વધુ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસે કેવલ ગોંડલિયા, આનંદ પટેલ અને અંકિત પટેલની ધરપકડ કરી છે. આ પ્રકરણમાં કેવલ ગોંડલિયા ડ્રગ્સ રેકેટનો માસ્ટરમાઈન્ડ હોવાનુ સામે આવ્યું છે.
આનંદ પટેલ અને અંકિત પટેલ છત્રાલની ફેક્ટરીમાં દવાનું પેકિંગ કરી આફ્રિકામાં સપ્લાય કરતા હતા. બંને શખ્સો હાઈડોઝ ટ્રેમાડોલ દવાના ઉત્પાદન અને ડ્રગ્સ રેકેટમા સંડોવાયેલા છે. આફ્રિકન દેશોમાં દવાની આડમાં ડ્રગ્સ સપ્લાય થતું હતું. ઝડપાયેલા શખ્સોની પૂછપરછમાં સપ્લાય રૂટ બહાર આવે એવી શક્યતા છે.