રામ મોરીનું 'મહોતું': સ્ત્રીજીવનના અજવાળા-અંધારા
કાંગસડીથી લઈ રાણી સુધીની સ્ત્રીજીવનની સફરનો રસ્તો કંડારતું આ 'મહોતું' પુસ્તક ખરેખર વાંચવા

મહોતું

મહોતું
માત્ર 22 વર્ષની યુવાવયે, અત્યંત પ્રતિભાશાળી લેખક રામ મોરી દ્વારા રચિત 14 વાર્તાઓનો સંગ્રહ એટલે 'મહોતું'. અનેક એવોર્ડ્સ અને સન્માનોથી નવાજાયેલી રામ મોરીની કલમ આ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના એક અનોખા અને ઊંડા લોકમાં લઈ જાય છે. આ પુસ્તકની ટેગલાઈન "સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપનકથાઓ" તેના સારને સચોટ રીતે વ્યક્ત કરે છે.

વાસ્તવિકતાનો કઠોર અહેસાસ
'મહોતું' સંગ્રહની વાર્તાઓ તમે સમજી શકશો, પરંતુ તેની અંદર ઘૂંટાયેલા ઘેરા વાસ્તવને સ્વીકારવું કદાચ તમારા માટે મુશ્કેલ બની રહેશે. આ કથાઓમાં એવી લોહીલુહાણ કરી મૂકે તેવી વાસ્તવિકતા સમાજ સામે દાંતિયા કરી ઊભી છે. એકવીસમી સદીમાં પણ સ્ત્રીઓ કેવી વિષમ પરિસ્થિતિઓમાં જીવે છે, તેની કરુણતા અહીં મૂંગા રહીને પણ ગોકીરો મચાવે છે. અહીં ગ્રામ્ય, નગર અને મહાનગરની સ્ત્રીઓની એવી કથાઓ છે, જે એવા ખૂણાઓની અને એવી પીડાઓની વાત કરે છે, જેની ચર્ચા કદાચ હજી સુધી થઈ જ નથી.
આ કથાઓમાંથી પસાર થતાં તમને અનુભવાશે કે સ્ત્રી માસ્ટર ગ્રેજ્યુએટ હોય કે અંગૂઠાછાપ, આધુનિક ટેક્નોલોજી વચ્ચે જીવતી હોય કે ડુંગરાની ટૂક પર રહેતી હોય, મેગામોલમાંથી શોપિંગ કરતી હોય કે ગુજરી બજારમાંથી હટાણું કરતી હોય, કિટ્ટી પાર્ટી કરતી હોય કે જીવંતિકા માતાના વ્રતના પારણા કરતી હોય – આ બંને અવસ્થામાં જીવતી સ્ત્રીઓ વચ્ચે કોઈ ભેદ નથી. સ્ત્રી એ માત્ર સ્ત્રી છે, જેને કોઈ એક નામ નથી, કોઈ એક સંબંધ નથી, કોઈ ગોત્ર નથી કે કોઈ જાત નથી!
શીર્ષકનું ઊંડું રૂપક
પુસ્તકનું શીર્ષક 'મહોતું' સ્ત્રીઓને રસોડામાં વપરાતાં મસોતાનું રૂપક આપે છે. ઇલિયાસ શેખ આ શીર્ષક અંગે કહે છે કે મહોતું એ સ્ત્રીનું પ્રતીક છે. જેમ મહોતાનું સ્થાન રસોડામાં, તેમ સ્ત્રીનું સ્થાન પણ રસોડામાં. મહોતું જેમ ગરમ તપેલાંને ઉઠાવે, તેમ સ્ત્રી 'તપેલા' પુરુષોને સહે. મહોતું ગમે તેટલું ધોવાય તોય મેલું, દાઝેલું અને ચીંથરેહાલ જ હોય. સ્ત્રીને આ તમામ વાતો એટલી જ લાગુ પડે છે, એટલે આ શીર્ષક અત્યંત યોગ્ય ઠરી આવે છે.
સજીવ પાત્રરચના
'મહોતું' વાર્તાની કાંગસડી, ભાવુડી, હરસુડી હોય કે 'એકવીસમું ટિફિન' વાર્તાની નીતુ કે નીતુની મમ્મી – દરેક પાત્ર પોતાના મનોભાવ સાથે જબરું પ્રવેશે છે. 'બળતરા'ના કાળીબહેન, જશી, હંસાબા, 'ગરમાળો, ગુલમહોર અને ખખડેલું બસસ્ટોપ'ની કાવ્યા, મેડમ, 'નાથી'ની હર્ષા, નાથી વગેરે તમામ વાર્તાના સ્ત્રીપાત્રોને રામ મોરીએ બખૂબી ગૂંથ્યા છે. વાંચતી વખતે એવું લાગે જાણે રામ આ બધું જીવીને લખતા હોય.
સંવાદો અને વર્ણનની તાકાત
કેટલાક સંવાદો અને કેટલીક પંક્તિઓ જીવનભર યાદ રહી જાય તેવા છે.
"આ અજવાળા હવે મને દઝાડતા હતા."
"હું તો બાળોતિયાની બળેલ.. પિયરમાં પોરો નહીં ને સાસરે સુખ નહીં."
"બળેલાને બળતા હું વાર લાગે?"
"બીજાની આંખો વધુ સ્પષ્ટ જોવી ન પડે એ માટે મેં મારી આંખો પર ગોગલ્સ પહેરી લીધા."
"હશે બાપા! અસતરી અવતાર.. બાંધી મૂઠી લાખની."
"દખ તો બેન કોને નથી પડતા, પણ ઈ બધું જીરવી જાય એનું નામ માણસ."
ગ્રામ્ય અને શહેરી બંને સંસ્કૃતિના તાદૃશ વર્ણનો અહીંની વાર્તાઓમાં પ્રાપ્ત થાય છે. ઘરમાં કે ઘરબહાર સ્ત્રીઓની માનસિકતા અને પરિસ્થિતિ બંનેના વર્ણનો રસપ્રદ છે.
આકર્ષક લેખનશૈલી
ક્યાંક ગામઠી, ક્યાંક શહેરી, પણ રસાળ અને તરબોળ કરી દેતી રામ મોરીની લેખનશૈલી વાચકને પહેલી વાર્તા વાંચે તો છેલ્લી વાર્તા વાંચવા સુધી પુસ્તક મૂકી ન શકવા મજબૂર કરી દે છે. લેખકની શૈલી જનસામાન્યને અનુકૂળ આવે તેવી છે.
અહીંની વાર્તાઓમાં પરંપરા અને આધુનિકતાનો અદ્ભુત સમન્વય છે. "ના કોઈ ઉમંગ હૈ, ના કોઈ તરંગ હૈ, મેરી જિંદગી હૈ કયા, ઈક કટી પતંગ હૈ.." ગીત જેવી સ્ત્રી પાત્રોની સ્થિતિ એ આ પુસ્તકનું હાર્દ છે. રામ મોરીની વાર્તા નાયિકા ગામમાં રહે છે, પણ વાતો દીપિકા અને ઐશની કરે છે, ટીવી પર સિરિયલો જોવે છે, ભણે છે, પોતાના માટે બોલી શકે છે, જાતીય સતામણી સામે ખુલી શકે છે, પોતાનામાં થતાં હોર્મોનલ ફેરફાર માટે ખુલીને બોલે છે. પરંતુ હજી એ પૂરી સ્વતંત્ર થઈ નથી, એ બધા જ દબાવ, સદીઓ જૂની સમાજ રચના સામે જૂજે છે. અને એમ કરતાં, એ ક્યાંય ખોવાઈ જાય છે, પોતાના અસ્તિત્વના લીસોટા પણ છોડ્યા વગર.
'વાવ' જેવી વાર્તા રૂંવાડા ઊભા કરી દે તેવી છે – કેવી વાક્યરચના! કેવી થીમ! કેવું કન્ક્લુઝન! આ બધું તમારે મન ભરીને માણવું હોય, તમારા મનની વાતો આમાંની એકેય બહેનપણીને કહેવી હોય તો વાંચવું પડે 'મહોતું'.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ