સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી બારે મેઘ ખાંગા
હવામાન વિભાગે અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યુ

Megh Khanga for two days in Saurashtra and South Gujarat

Megh Khanga for two days in Saurashtra and South Gujarat
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી બારે મેઘ ખાંગા થયા છે. તેવામાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આગામી પાંચ દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થવાની તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે.
સૌરાષ્ટ્રમાં પોરબંદર, દ્વારકા, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં 139 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. માણાવદર તાલુકાના સણોસરા ડેમ ઓવરફ્લો થયો છે. અમરેલીના જાફરાબાદના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે.
દરિયા કિનારે ભારે પવન સાથે મોજા ઉછળી રહ્યા છે. દરિયો તોફાની બન્યો છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દ્વારકામાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી જળપ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત જિલ્લામાં સાંબેલાધાર વરસાદના પગલે પલસાણા નજીક નેશનલ હાઇવે નદીમાં ફેરવાયો હતો.
બત્રીસગંગા ખાડીના પાણી નેશનલ હાઇવે ઉપર ફરી વળ્યા હતા. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી હતી. નવસારી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ગીર પંથકમાંથી પસાર થતી શાહી, મચ્છુન્દ્રી, શાંગાવાળી, રૂપેણ નદીઓમાં પૂર આવ્યું હતું. જેને લઈ ઉના અને ગીર ગઢડાના 16 ગામોને એલર્ટ કરાયા છે.
કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ વરસાદ ખાબકતા કેટલાક સ્થળોએ પરિસ્થિતિ નાજુક બની છે. અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. ભારે વરસાદના પગલે દ્વારકા-સોમનાથ હાઈવે બંધ થયો છે. જામનગરનો રસોઈ ડેમ ઓવરફ્લો થતાં શહેરના પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. ઉપલેટાના લાઠ ગામમાં 2 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં 24 કલાકમાં 150 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ ઉમરગામમાં 8 ઈંચ, કામરેજ અને પલસાણમાં સવા 6 ઈંચ, સુરત શહેરમાં 6 ઈંચ, નિઝરમાં પોણા 6 ઈંચ, સુરતના મહુવામાં અને નવસારીમાં 5 ઈંચ વરસાદ વરસ્યો હતો.
24 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં બંગાળની ખાડીમાં સર્જાયેલુ લોપ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આગામી 24થી 48 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ સહિતના જિલ્લાઓમાં લોપ્રેશરની અસર વર્તાશે. 26 જુલાઈ સુધીમાં અમદાવાદ સહિત આજુબાજુના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની શક્યતા છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની ઘટ :
ગુજરાતમાં 22 જુલાઈ સુધીમાં ગત વર્ષની સરખામણીએ 195.46 મીમી એટલે કે 22.60 ટકા વરસાદની ઘટ વર્તાય છે. કચ્છમાં સરેરાશ વરસાદની તુલનામાં 51.19 ટકા, ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા, મધ્ય ગુજરાતમાં 24.04 ટકા, સૌરાષ્ટ્રમાં 59.67 ટકા, દક્ષિણ ગુજરાતમાં 45.11 ટકા વરસાદ વરસ્યો છે.
જ્યારે સમગ્ર રાજ્યમાં 40.62 ટકા વરસાદ વરસ્યો છે. ગત વર્ષે 22 જુલાઈ સુધીમાં કચ્છમાં 119.90 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.97 ટકા, મધ્ય ગુજરાતમાં 49.02 ટકા, સૌરાષ્ટ્રમાં 92.02 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 49.82 ટકા વરસાદ વરસ્યો હતો. સમગ્ર રાજ્યમાં 22 જુલાઈ સુધીમાં 63.22 ટકા વરસાદ વરસ્યો હતો. ગત વર્ષે 22 જુલાઈ સુધીમાં 554.11 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે આ વર્ષે 358.65 મીમી વરસાદ વરસ્યો છે.
તેથી 195.46 મીમી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ઘટ વર્તાઈ રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ