વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર તાજેતરમાં ભારત અને ફિલિપાઈન્સના યુવકના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનાઓ માર્ચ-મે પર્વતારોહણ સિઝન દરમિયાન નોંધાઈ છે. બંને પર્વતારોહકો બોધરાજ ભંડારી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ટીમનો હિસ્સો હતા.
ડેથ ઝોનમાં ભારતીય પર્વતારોહકનું મૃત્યુ
45 વર્ષીય ભારતીય પર્વતારોહક સુબ્રત ઘોષે 8849 મીટર ઊંચા એવરેસ્ટ શિખરને સફળતાપૂર્વક સર કર્યા બાદ 'ડેથ ઝોન' તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપ પરથી નીચે આવતા મૃત્યુ નિપજ્યું હતું. આ વિસ્તાર (8000 મીટર ઉપર) ઓક્સિજનના ઘાટ અને ભારે થાકને કારણે પર્વતારોહકો માટે અત્યંત જોખમભર્યો ગણાય છે. ફિલિપાઈન્સનો પર્વતારોહક ચોથા હાઈ કેમ્પ સુધી પહોંચ્યો હતો, પરંતુ વધુ થાકી જવાથી પોતાના ટેન્ટમાં આરામ કરતા સમયે તેમનું મૃત્યુ થયું હતું.આ ઘટના બુધવારની મોડી રાત્રે બની હતી.
એવરેસ્ટ પર પર્વતારોહણનું જોખમ
નેપાળ સરકારે આ સિઝન માટે 459 પર્વતારોહકોને પરમિટ આપ્યા છે. અત્યારસુધીમાં 100 જેટલા પર્વતારોહકોએ શિખર સર કર્યું છે.
હિમાલયન ડેટાબેઝ મુજબ, છેલ્લાં 100 વર્ષમાં માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ દરમિયાન ઓછામાં ઓછા 345 મૃત્યુ થયા છે.
પર્વતારોહણ આવકનો મુખ્ય સ્ત્રોત
પર્વતારોહણ અને પર્યટન નેપાળ માટે મુખ્ય આવક અને રોજગારીનો સ્ત્રોત છે, છતાં નેપાળ હજુ પણ દુનિયાના સૌથી ગરીબ દેશોમાંનો એક છે. ખરાબ હવામાન અને ઓક્સિજનની અછત એવરેસ્ટ જેવા શિખરો પર સૌથી મોટો ખતરો છે.