ભારત સરકારે વેપાર નીતિમાં એક મહત્વપૂર્ણ બદલાવ લાવતાં બાંગ્લાદેશથી રેડીમેડ કપડાં, પ્રોસેસ્ડ ફૂડ અને અન્ય કેટલીક ચીજવસ્તુઓને જમીન બંદરો (Land Ports) મારફતે આયાત પર તરત અસરથી લાગુ પડતો પ્રતિબંધ લાદ્યો છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત વિદેશ વેપાર મહાનિદેશાલય (DGFT) એ બાંગ્લાદેશથી રેડીમેડ કપડાં, પ્રોસેસ્ડ ફૂડ જેવા કેટલાક ઉત્પાદનોના આયાત પર જમીન બંદરો દ્વારા પ્રતિબંધ લગાવતી એક જાહેરનામું બહાર પાડ્યું છે.
DGFT દ્વારા જાહેર કરાયેલી સૂચના અનુસાર, "આ પ્રકારના પ્રતિબંધો ભારતમાંથી પસાર થનારા બાંગ્લાદેશી માલ પર લાગુ પડશે નહિ, પરંતુ તેવા માલ જે નેપાળ અને ભૂતાન માટે બાંગ્લાદેશમાંથી આવે છે, તેના પર લાગુ પડશે."
સૂચનામાં આગળ જણાવાયું છે કે, "બાંગ્લાદેશથી તમામ પ્રકારના રેડીમેડ કપડાં કોઈપણ જમીન બંદર મારફતે આયાત થશે નહિ. જોકે, તેમનું આયાત ફક્ત ન્હાવા શેવા અને કોલકાતા બંદરો મારફતે જ મંજૂર રહેશે."
અન્ય પ્રતિબંધો ફળ કે ફળના સ્વાદવાળા અને કાર્બોનેટેડ પીણાં, પ્રોસેસ્ડ ફૂડ વસ્તુઓ, કપાસ અને કપાસના દોરાનો વેસ્ટ, પ્લાસ્ટિક અને PVC પરથી બનેલો તૈયાર માલ, તેમજ લાકડાનાં ફર્નિચર પર પણ લાગુ થાય છે.
આ તમામ વસ્તુઓને આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમના કોઈપણ જમીન કસ્ટમ સ્ટેશન (LCS) અથવા ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ (ICP) મારફતે આયાત કરવાની મંજૂરી મળશે નહિ. તેમજ પશ્ચિમ બંગાળના ચાંગરાબાંધા અને ફુલબારી LCSમાંથી પણ આવા માલની આયાત ન કરવાની સ્પષ્ટ મનાઈ છે. જાહેરનામામાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, માછલી, LPG, ખાદ્ય તેલ અને ક્રશ્ડ સ્ટોનના આયાત પર આ પ્રતિબંધ લાગુ નથી.
મહત્વનું છે કે, આ વર્ષે એપ્રિલ મહિનામાં બાંગ્લાદેશ સરકારે તેમના નેશનલ રેવન્યૂ બોર્ડ (NBR) દ્વારા જાહેર કરેલી સૂચના પ્રમાણે જમીન બંદરો દ્વારા ભારતમાંથી યાર્ન (સૂત્ર) ના આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. બાંગ્લાદેશના આ પગલાંના જવાબરૂપે ભારતે પણ હવે આ પગલું ભર્યું છે. અત્યારસુધીમાં, ભારત બાંગ્લાદેશ માટે ટ્રાન્સ-શિપમેન્ટ સુવિધા પણ સમાપ્ત કરી ચુક્યું છે.
ભારત, ચીન પછી બાંગ્લાદેશનો બીજો સૌથી મોટો વેપાર ભાગીદાર છે. નાણાંકીય વર્ષ 2022-23 દરમિયાન બાંગ્લાદેશ અને ભારત વચ્ચેનો વેપાર લગભગ 16 બિલિયન ડોલર હતો. ઉદ્યોગના આંકડાઓ પ્રમાણે, બાંગ્લાદેશે ભારતમાંથી લગભગ 14 બિલિયન ડોલરના માલ આયાત કર્યા જ્યારે ભારતને કરેલો નિકાસ માત્ર 2 બિલિયન ડોલર જેટલો રહ્યો.