Mumbai :
મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. માત્ર 6 કલાકમાં 12 ઈંચ વરસાદ પડતાં જનજીવન પ્રભાવિત બન્યું છે, અનેક ટ્રેનો રદ્દ કરી દેવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની વિવિધ ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકમાં મુંબઈમાં હળવાથી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈના અનેક વિસ્તારોમાં NDRFની વિવિધ ટીમો તૈનાત :
મુંબઈમાં વરસાદથી કોઈ ગંભીર દુર્ઘટના ન સર્જાય તે માટે મહાનગરપાલિકા અગાઉથી એલર્ટ મોડમાં જોવા મળી રહી છે. NDRFની વિવિધ ટીમોને થાણે, વસઈ, મહાડ, રત્નાગિરી, કોલ્હાપુર, સાંગલી,સતારા ઘાટકોપર, કુર્લા અને સિંઘુદુર્ગમાં તૈનાત કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ટ્રેનો પ્રભાવિત
BMC અનુસાર ગત રાત્રિના મુંબઈ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 300 મિમીથી વધારે વરસાદ નોંધાયો છે. મધ્ય રેલ્વેએ જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે કેટલીક ટ્રેનો પણ રદ્દ કરી દેવામાં આવી છે. વિલ પાર્લે બાજુ પશ્ચિમી એક્સપ્રેસ હાઈવે પર વરસાદને કારણે ટ્રાફિક જામના સામાચાર પણ સામે આવ્યા છે. ભારે વરસાદને કારણે માટુંગા રોડ અને દાદર વચ્ચે પાણી રેલ્વે ટ્રેકની ઉપર ભરાઈ ગયું હોવાથી લોકલ ટ્રેનો પણ પ્રભાવિત થઈ છે.
આજે પડી શકે છે ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગના અહેવાલ અનુસાર મુંબઈ, પુણે સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 9 અને 10 જુલાઈએ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.