રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ, પલસાણા તાલુકામાં 10 ઇંચ વરસાદ, નવસારી ખેરગામ તાલુકામાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના વિસાવદર તાલુકામાં 8 ઇંચ, સુરત જિલ્લાના કામરેજ અને બારડોલી તાલુકામાં 8-8 ઇંચ, દેવભૂમિ દ્વારકાના દ્વારકા તાલુકામાં 8 ઈંચ વરસાદ નોંધાયા છે. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં અને તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં 7-7 ઇંચ વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પરથી જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યમાં ચાલુ સિઝનનો 48 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 71 ટકા, દક્ષિણ ગુજરાતમાં 57 ટકા, ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 25 ટકા મોસમનો સરેરાશ વરસાદ વરસ્યો છે.
10 તાલુકામાં 6 ઇંચ, 6 તાલુકામાં 5, ઇંચ, 10 તાલુકામાં 4 ઇંચ, 12 તાલુકામાં 3 ઇંચ, 13 તાલુકાઓમાં 2 ઇંચ, 14 તાલુકામાં દોઢ ઇંચ, 10 તાલુકામાં 1 ઇંચ અને 21 તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.
માંગરોળના વાંકલ ગામમાં 21 લોકોને રેસ્ક્યૂ કરાયા :
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં SDRFની ટીમે 21 લોકોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા. વાંકલ ગામે પસાર થતી ભુખી નદીના કિનારે બોરીયા પુલ પાસે બજેટ ફળિયામાં રાત્રે 2 કલાકે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વહેલી સવારે SDRFની ટીમે 10 મહિલા, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યકિતઓ તથા પશુઓને રેસ્કયુ કરીને સલામત સ્થળે લઈ જવાયા હતા.
બીલીમોરામાં 30 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા :
નવસારી જિલ્લાના બીલીમોરા તાલુકામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના 30 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા હતા. દેસરા રામજી મંદિર, કુંભારવાડની આસપાસ રહેતા નાગરિકોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. બીલીમોરા નગરપાલિકા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે 30 લોકોને દેસરા સ્કૂલમા સહી સલામત રીતે ખસેડ્યા હતા.