AMC એ કતલખાના અંગે કરેલી દરખાસ્ત પરત લેવી પડી
બજેટમાં કતલખાના માટે ₹32 કરોડની જોગવાઈ કરતાં ભાજપના ધારાસભ્યે વિરોધ કર્યો હતો

શહેરમાં જૈન સમાજના મેયર હોવા છતાં કતલખાનાની દરખાસ્તને લઈ ભારે વિરોધ થયો હતો

શહેરમાં જૈન સમાજના મેયર હોવા છતાં કતલખાનાની દરખાસ્તને લઈ ભારે વિરોધ થયો હતો
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ₹17,108 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં વિકાસના કામો કરતા એક જોગવાઈએ રાજકીય ગરમાવો લાવી દીધો છે. બજેટમાં નવા અદ્યતન સ્લોટર હાઉસ (કતલખાના) માટે ફાળવવામાં આવેલા ₹32 કરોડનો શાસક પક્ષમાં વિરોધ શરૂ થયો છે. એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કરતાં એએમસીએ નિર્ણય પરત લેવાની ફરજ પડી છે.
એએમસી કમિશનર બંશાનિધિ પાની દ્વારા બજેટ રજૂ થયા બાદ મેયરના બંગલે બેઠક યોજાઈ હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. બજેટમાં દક્ષિણ ઝોનના શાહવાડી-બહેરામપુરા વિસ્તારમાં નવા હાઈટેક સ્લોટર હાઉસની દરખાસ્ત જોઈને ભાજપના ધારાસભ્યો રોષે ભરાયા હતા.
એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કરતાં જણાવ્યું કે, મૂંગા પશુઓના વધ માટે સ્લોટર હાઉસનું બજેટ ફાળવવામાં આવે તે કદાપિ સહન કરી શકાય નહીં. અમે આ નિર્ણય સાથે જરાય સંમત નથી. પક્ષના દબાણ અને લોકલાગણીને માન આપીને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દરખાસ્ત રદ કરવાની બેઠકમાં બાંહેધરી આપી હતી.
એએમસીના બજેટમાં સૂચિત પ્રોજેક્ટ આધુનિક બનાવવાની યોજના હતી. જેમાં ટી.પી. 32 (શાહવાડી - બહેરામપુરા) ખાતે અંદાજે 15,882 સ્ક્વેર મીટર જગ્યા ફાળવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. પશુઓ માટે 24x7 ડોક્ટર, એન્ટીમોર્ટમ રૂમ, ચિલિંગ ફેસિલિટી અને એસી વાહનોની વ્યવસ્થા કરાશે તેવી માહિતી આપવામાં આવી હતી.
દરખાસ્તમાં બ્લડ ટ્રીટમેન્ટ માટે રેન્ડરિંગ પ્લાન્ટ અને એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ(ETP)ની પણ જોગવાઈ કરવામાં આવી હતી. આ સ્લોટર હાઉસ સુપ્રીમ કોર્ટ અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ આધુનિક સુવિધા ઊભી કરવાની યોજના હતી.
અગાઉ સંકલન સમિતિની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે, એસ.ટી. સ્ટેન્ડ પાસેનું વર્તમાન સ્લોટર હાઉસ પીપળજ બાજુ શિફ્ટ કરવું જોઈએ. જ્યારે તે જગ્યા ઉપર નાગરિકો માટે પાર્ટી પ્લોટ બનાવવો જોઈએ. જો કે, આ મુદ્દાને હવે ભાજપે પશુ હિંસા સાથે જોડીને પ્રોજેક્ટ પર બ્રેક લગાવી દીધી છે.
અમદાવાદના વિકાસ માટે ₹17 હજાર કરોડથી વધુનું બજેટ ફાળવાયું હોવા છતાં 'સ્લોટર હાઉસ' મુદ્દે થયેલા વિવાદે સમગ્ર બજેટમાં સૌથી વધુ ચર્ચા જગાવી છે. હાલ પૂરતો આ નિર્ણય મોકૂફ રાખવામાં આવતા રાજકીય વિવાદ શાંત પડ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ