વિશ્વભરના શ્રેષ્ઠ સિનેમાનું પ્રદર્શન કરતું કાન ફિલ્મ ફેસ્ટિવલ સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ મહોત્સવોમાંનું એક છે. છેલ્લા 78 વર્ષોથી આ ફેસ્ટિવલ ફ્રાન્સના સુંદર શહેર કાન્સમાં યોજાય છે. બોલિવૂડની હાજરી પણ આ મહોત્સવમાં હંમેશા નોંધપાત્ર રહી છે. દર વર્ષે બોલિવૂડના જાણીતા ચહેરા રેડ કાર્પેટ પર પોતાની સ્ટાઈલથી ચાહકોને મંત્રમુગ્ધ કરે છે અને ભારતીય ફિલ્મો પણ અહીં દર્શાવવામાં આવે છે. આ વખતે કેટલાક નવા ચહેરા આ પ્રતિષ્ઠિત રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.
આ વર્ષના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સૌથી યુવા ડેબ્યુ કરનાર અભિનેત્રી છે નિતાંશી ગોયલ. તાજેતરમાં આવેલી ફિલ્મ 'લાપતા લેડીઝ'માં 'ફૂલ કુમારી'ના પાત્રથી લોકપ્રિય થયેલી આ 17 વર્ષીય અભિનેત્રી પહેલીવાર કાન્સના રેડ કાર્પેટ પર ચાલતી જોવા મળશે. તે કાન ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરનારી સૌથી નાની વયની અભિનેત્રી બની જશે. આલિયા ભટ્ટ પણ આ વર્ષે કાનમાં પોતાની શરૂઆત કરશે. મેટ ગાલા અને લોરિયલ પેરિસ જેવા મોટા ફેશન ઈવેન્ટ્સમાં ભાગ લઈ ચૂકેલી આ સ્ટાર અભિનેત્રી હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની સુંદરતા અને સ્ટાઈલનો જાદુ પાથરશે. તાજેતરમાં તેણે મીડિયા સાથે વાતચીત દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.
બોલિવૂડની સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનનો જાદુ ફરી એકવાર કાનના રેડ કાર્પેટ પર જોવા મળશે. તે છેલ્લા બે દાયકાથી આ ફેસ્ટિવલનો અભિન્ન હિસ્સો રહી છે અને આ વખતે પણ તે પોતાની આગવી સ્ટાઈલથી રેડ કાર્પેટની શોભા વધારશે.
આ સિવાય જાહ્નવી કપૂર પણ તેની ફિલ્મ 'હોમબાઉન્ડ'ના ગ્લોબલ પ્રીમિયર સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે. આ ફિલ્મમાં તેની સાથે ઈશાન ખટ્ટર અને કરણ જોહર પણ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપશે, અને તેમની ફિલ્મનું સ્ક્રીનિંગ પણ થશે. પીઢ અભિનેત્રી શર્મિલા ટાગોર સત્યજીત રેની ક્લાસિક ફિલ્મ 'અરણ્યેર દિન રાત્રી'ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જોવા મળશે. ઉર્વશી રૌતેલા અને પાયલ કાપડિયા પણ આ વર્ષના કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. ખાસ વાત એ છે કે પાયલ કાપડિયા આ વખતે જ્યુરી સભ્યોમાંની એક છે. કાન ફિલ્મ ફેસ્ટિવલ 13 મેથી શરૂ થઈને 24 મે સુધી ચાલશે, જેમાં આ તમામ કલાકારો પોતાની હાજરીથી રોનક લાવશે.