બિહારમાં 121 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
ભાજપના 11 અને JDUના 5 મંત્રીઓ સહિતની રસાકસીભરી સ્પર્ધા, મોકામા બેઠક ચર્ચામાં

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ

બિહારમાં પ્રથમ તબક્કાનું મતદાન શરૂ
બિહાર વિધાનસભા ચૂંટણી-૨૦૨૫ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે (6 નવેમ્બર) સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. આ તબક્કામાં 121 બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે, જ્યાં કુલ 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરશે. આ તબક્કામાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ચહેરા તેજસ્વી યાદવ સહિત નીતિશ કુમાર સરકારના 16 મંત્રીઓનું ભાવિ પણ દાવ પર લાગેલું છે.
તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક પર મુખ્ય મુકાબલો
મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના દાવેદાર તેજસ્વી યાદવ તેમની પરંપરાગત રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવા માટે પ્રયત્નશીલ છે. અહીં તેમનો મુખ્ય મુકાબલો ભાજપના ઉમેદવાર સતીશ કુમાર સામે છે. સતીશ કુમારે અગાઉ 2010માં તેજસ્વીની માતા અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા, તેથી આ બેઠક પર ભારે રસાકસી જોવા મળી રહી છે.
વળી, તેજસ્વી યાદવના મોટા ભાઈ અને જનશક્તિ જનતા દળના સ્થાપક તેજ પ્રતાપ યાદવ પણ વૈશાલીની સરહદે આવેલા મહુઆ મતવિસ્તાર પર આરજેડીના મુકેશ રોશનને પડકાર આપી રહ્યા છે.
16 મંત્રીઓનું ભાવિ આજે નક્કી થશે
પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં સામેલ 16 મંત્રીઓ ચૂંટણી મેદાનમાં છે, જેમાં ભાજપના 11 અને JDUના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી તારાપુરથી અને અન્ય નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા લખીસરાયથી ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત, ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી મંગલ પાંડે પ્રથમવાર સિવાન બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમનો સામનો RJDના અવધ બિહારી ચૌધરી સાથે છે.
JDUના 5 મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર પણ મેદાનમાં છે.
ચર્ચાસ્પદ બેઠક મોકામા
મોકામા વિધાનસભા બેઠક પર પણ લોકોની નજર છે. જેલમાં બંધ JDUના ઉમેદવાર અનંત સિંહનો મુકાબલો RJDના વીણા દેવી (શક્તિશાળી નેતા સૂરજ ભાનની પત્ની) સામે છે.
ચૂંટણી પંચના આંકડા મુજબ, પ્રથમ તબક્કામાં કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરાયા છે. કુલ 3.75 કરોડ મતદારોમાં 1.98 કરોડ પુરુષ, 1.76 કરોડ મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. સૌથી વધુ 4.58 લાખ મતદારો પટણાની દિઘા બેઠક પર અને સૌથી ઓછા 2.32 લાખ મતદારો બરબીઘા (શેખપુરા) બેઠક પર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ